Entertainment Updates: અને વધુ સમાચાર
પરિણીતિએ શૅર કરેલી તસવીરમાં પરંપરાગત વાનગી લિટ્ટી-ચોખા જોવા મળી હતી
પરિણીતિ ચોપડા થોડાક મહિનાઓ પહેલાં પહેલી વખત મમ્મી બની છે. મમ્મી બન્યા પછી તેનું ખાનપાન સાવ બદલાઈ ગયું છે. પરિણીતિએ હાલમાં હેલ્ધી અને દેશી ફૂડ-હૅબિટ્સની ઝલક ફૅન્સ સાથે શૅર કરી છે. પરિણીતિએ સોશ્યલ મીડિયા પર લિટ્ટી-ચોખાનો ફોટો પોસ્ટ કરીને જણાવ્યું કે મમ્મી બન્યા બાદ તેની લાઇફસ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો છે. પરિણીતિએ શૅર કરેલી તસવીરમાં પરંપરાગત વાનગી લિટ્ટી-ચોખા જોવા મળી હતી અને તેણે જણાવ્યું કે તે હવે ઘરે બનાવેલા પૌષ્ટિક ખોરાકને પ્રાથમિકતા આપી રહી છે. પરિણીતિએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘માતૃત્વ પછી શરીર અને મન બન્નેમાં બદલાવ આવે છે અને તેથી જીવનશૈલીમાં પણ અનેક ફેરફારો કરવા પડે છે. અગાઉની સરખામણીએ મને હવે હેલ્ધી ફૂડ વધારે પસંદ છે અને શરીરને યોગ્ય પોષણ મળે એવા ખોરાક પર ધ્યાન આપી રહી છું.’
સલમાન ખાનની બહેન અર્પિતાએ કરી કેદારનાથ મંદિરની આધ્યાત્મિક યાત્રા
ADVERTISEMENT

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ હાલમાં પોતાના બાળકો આહિલ અને આયત સાથે કેદારનાથ મંદિરની આધ્યાત્મિક યાત્રા કરી હતી. સોશ્યલ મીડિયા પર તેની આ યાત્રાની અનેક તસવીરો જોવા મળી છે જેમાં અર્પિતા અને તેનાં બાળકો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. આ દર્શન વખતે અર્પિતાના માથા પર તિલક લગાવવામાં આવ્યું હતું, જે યાત્રાના ધાર્મિક મહત્ત્વને દર્શાવે છે. આ સિવાય અર્પિતાએ યાત્રાની સૌથી સુંદર ક્ષણો દર્શાવતો એક વિડિયો પણ શૅર કર્યો છે જેમાં બરફથી ઢંકાયેલા પર્વતો અને કુદરતી સૌંદર્યનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
કૅટરિના કૈફ અને વિકી કૌશલે ફોટોગ્રાફર્સને દેખાડ્યો દીકરો વિહાન, પણ ફોટો પાડવા ન દીધો

ગઈ કાલે વહેલી સવારે કૅટરિના કૈફ અને વિકી કૌશલ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ દીકરા વિહાન સાથે બહારગામ જઈ રહ્યાં હતાં. આ સમયે ઍરપોર્ટ પર ફોટોગ્રાફર્સે વિકીની તસવીરો ક્લિક કરી હતી, પરંતુ કૅટરિનાએ ફોટો માટે પોઝ આપવાનું ટાળ્યું હતું કારણ કે તે દીકરાને હાથમાં લઈને ચાલી રહી હતી. રિપોર્ટ મુજબ કૅટરિનાએ ફોટોગ્રાફર્સને તેમની પ્રાઇવસીનું માન રાખવા અને વિહાન સાથેની તસવીરો ન લેવા વિનંતી કરી હતી. જોકે તસવીરો માટે ના પાડી હોવા છતાં દંપતીએ પહેલી વાર પોતાના દીકરાને ફોટોગ્રાફર્સને દેખાડ્યો હતો અને ત્યાં હાજર ફોટોગ્રાફર્સ માટે આ ક્ષણ ખાસ બની ગઈ હતી.
માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી ફરી જામશે?

માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની સુપરહિટ જોડી ફરી એક વાર સ્ક્રીન પર સાથે જોવા મળી શકે છે. ફિલ્મમેકર સુરેશ ત્રિવેણીએ તાજેતરમાં આ વાતનો ખુલાસો કર્યો છે. હાલમાં સુરેશ ત્રિવેણી પોતાની આવનારી ફિલ્મ ‘મા બહન’ને લઈને ચર્ચામાં છે. આમાં માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં સુરેશ ત્રિવેણીએ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતને ફરી એક વાર સાથે લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તાજેતરમાં સુરેશ ત્રિવેણીએ ‘સૂબેદાર’માં અનિલ કપૂર સાથે કામ કર્યું છે, જ્યારે માધુરી દીક્ષિત સાથે તેણે ‘મા બહન’ બનાવી છે.
ચૉકલેટી પલક તિવારી

પલક તિવારી ફરી એક વાર પોતાના ગ્લૅમરસ લુકને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં તેણે ચૉકલેટ કલરના સ્ટાઇલિશ ડ્રેસમાં કેટલીક શાનદાર તસવીરો શૅર કરી છે જે ફૅન્સને
બહુ ગમી છે. આ લુકમાં પલક ખૂબ હૉટ અને ગૉર્જિયસ લાગી રહી છે. પલકે જે કૉન્ફિડન્સથી આ આઉટફિટ પહેર્યું છે એ તેના આત્મવિશ્વાસ અને સ્ટાઇલને દર્શાવે છે.
કરિશ્મા કપૂર બની કડક પોલીસ-અધિકારી

કરિશ્મા કપૂરની આગામી વેબ-સિરીઝ ‘બ્રાઉન’નું ટીઝર હાલમાં જ રિલીઝ થયું છે અને એણે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. આ નવી વેબ-સિરીઝમાં કરિશ્મા એક કડક પોલીસ-અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ પાત્ર તેની અત્યાર સુધીની કરીઅરમાં ખૂબ જ અલગ માનવામાં આવી રહ્યું છે. આ વેબ-સિરીઝના ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર સામાન્ય ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન પર આધારિત વાર્તા નથી, એમાં માનસિક અને ભાવનાત્મક કથા પણ જોડાયેલી છે. આ સિરીઝની વાર્તા કલકત્તા શહેરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યાં રહસ્યમય માહોલ જોવા મળે છે. કરિશ્મા એમાં કલકત્તાની પોલીસ ફોર્સમાં કાર્યરત રીટા બ્રાઉન નામની પોલીસ-અધિકારીનું પાત્ર ભજવી રહી છે. આ વેબ-સિરીઝના ટીઝરમાં કરિશ્માનો લુક પણ ખૂબ બદલાયેલો જોવા મળે છે અને તે વધુ રફ, સાદા અને ગંભીર અંદાજમાં દેખાઈ રહી છે.
પૈચાન કૌન?

ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ભગવાન કૃષ્ણને ધ્યાનમાં રાખીને બનાવેલી સિરિયલ ‘જય શ્રી ક્રિષ્ના’ને સારીએવી લોકપ્રિયતા મળી હતી. આ સિરિયલમાં બાળકૃષ્ણનો રોલ ભજવનાર ૩ વર્ષની ધૃતિ ભાટિયાએ લોકોનાં દિલ જીતી લીધાં હતાં. હવે આ સિરિયલને ૧૮ વર્ષ વીતી ગયાં છે અને એમાં મુખ્ય ભૂમિકા ભજવનારી ધૃતિ હવે એટલી મોટી થઈ ગઈ છે કે તેને ઓળખવી મુશ્કેલ બની ગયું છે. ધૃતિ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહે છે અને હાલમાં શાસ્ત્રીય નૃત્ય શીખી રહી છે અને તેના વિડિયો પણ શૅર કરતી રહે છે.
