ફિલ્મસંગીતના વિસરાયેલા સંગીતકારોની વાતો કરતાં આજે કોંકણ યાદ આવવાનું કારણ એટલું જ કે આ ધરતીએ ‘ચીંથરે વીંટ્યા રતન’ જેવા અનેક સંગીતકારો અને મ્યુઝિશ્યન્સ આપ્યા છે. દત્તારામ નામેરી એવા ત્રીજા સંગીતકારની પરવરિશ આ ધરતી પર થઈ હતી.
સાહિર લુધિયાનવી સાથે એન. દત્તા.
કેરળના અપ્રતિમ કુદરતી સૌંદર્યના કારણે એને બિરુદ મળ્યું છે God’s own country. વિશાળ દરિયાકિનારો, અઢળક લીલાંછમ વૃક્ષો, બૅકવૉટરમાં અદ્યતન સુવિધાવાળી હાઉસબોટ અને છોગામાં ઇડલી-ઢોસાનું મજેદાર ભોજન. એટલે જ મોટા ભાગના દેશી અને વિદેશી પ્રવાસીઓ માટે કેરળ માનીતું ‘ટૂરિસ્ટ ડેસ્ટિનેશન’ છે.
એના પ્રમાણમાં ઓછા પ્રસિદ્ધ કોંકણનું સૌંદર્ય એટલું જ ખૂબસૂરત છે. કબૂલ કે ત્યાં બૅકવૉટરની રાઇડ્સ નથી. અદ્યતન હાઉસબોટ નથી. પરંતુ ત્યાંનો અફાટ વેરાન દરિયાકિનારો, અઢળક લીલોતરી અને rustic unexplored rural country side માણવા જેવી છે. આ પ્રદેશના અંતરિયાળ ભાગોમાં પ્રવાસ કરતાં એવી જ અનુભતિ થાય કે સમય થંભી ગયો છે. મારું માનવું છે કે કોંકણ ભારતનું ‘ચીંથરે વીંટ્યું રતન’ છે.
ફિલ્મસંગીતના વિસરાયેલા સંગીતકારોની વાતો કરતાં આજે કોંકણ યાદ આવવાનું કારણ એટલું જ કે આ ધરતીએ ‘ચીંથરે વીંટ્યા રતન’ જેવા અનેક સંગીતકારો અને મ્યુઝિશ્યન્સ આપ્યા છે. દત્તારામ નામેરી એવા ત્રીજા સંગીતકારની પરવરિશ આ ધરતી પર થઈ હતી. તેમના સ્વરબદ્ધ કરેલાં અનેક ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે.
‘મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, મુઝ કો રાતોં કી સિયાહી કે સિવા કુછ ન મિલા’ (ચંદ્રકાંતા - મોહમ્મદ રફી – સાહિર લુધિયાનવી ), ‘તૂ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ (ધુલ કા ફૂલ - મોહમ્મદ રફી – સાહિર લુધિયાનવી) , ‘મૈં તુમ્હી સે પૂછતી હૂં, મુઝે તુમસે પ્યાર ક્યૂં હૈ, કભી તુમ દગા ન દોગે, મુઝે ઐતબાર કયું હૈ’ ( બ્લૅક કૅટ – લતા મંગેશકર- જાન નિસાર અખ્તર). સૌને આ ગીતો યાદ છે પરંતુ એના સંગીતકાર એન. દત્તાને ભાગ્યે જ કોઈ યાદ કરે છે.
દત્તારામ નાયકનો જન્મ ૧૯૨૭માં ૧૨ ડિસેમ્બરે મુંબઈમાં થયો. એક વર્ષની ઉંમરે જ પિતાનું અવસાન થયું એટલે માતા સાથે ગોવા નજીક અરોબા ગામ આવ્યા. ઘરની બાજુમાં જ વિઠોબાનું મંદિર હતું જ્યાં દર ગુરુવારે ભક્તો આવીને ભજન-કીર્તન કરે. માતા સાથે બાળક દત્તા ત્યાં જાય અને સંગીતનો આનંદ લે. આઠ-નવ વર્ષની ઉંમર થઈ ત્યારે મોકો મળતાં હાર્મોનિયમ વગાડે. આમ મરાઠી ભક્તિ સંગીત સાથે બાળપણ વીત્યું. એ દિવસોમાં કોલ્હાપુર અને રત્નાગિરિથી સંગીતપ્રધાન મરાઠી નાટકો ગામમાં આવતા ત્યારે તે રસપૂર્વક સાંભળવા જતા.
ભણવા કરતાં સંગીતમાં રસ વધુ હતો એટલે મામાને કહ્યું કે મારે સંગીતમાં આગળ વધવું છે, નાટકમંડળી સાથે કામ કરવું છે. આ સાંભળી મામાએ આંખો કાઢતાં કહ્યું કે આ બધાં નાટક છોડીને ભણવામાં ધ્યાન આપ. એક દિવસ કંટાળીને ૧૩ વર્ષની ઉંમરે કિશોર દત્તા ભાગીને મુંબઈ આવ્યો અને મરાઠી નાટકોના સંગીતકાર રામકૃષ્ણ શિંદેને મળ્યો (જેમણે પાછળથી મરાઠી ફિલ્મોમાં હેમંત કેદારના નામે સંગીત આપ્યું). સંગીતની લગની અને આવડત જોઈ તેમણે દત્તાને પોતાના ગ્રુપમાં સામેલ કર્યો.
એ સમયે દેશમાં આઝાદીની ચળવળ જોરશોરમાં ચાલતી હતી. પ્રભાત ફેરીઓમાં સંગીત જોરશોરથી વાગતું. દત્તા એમાં આગળ પડતો ભાગ લે. રામકૃષ્ણ શિંદે દત્તાની લગનથી પ્રભાવિત હતા. તેમણે થોડા સમય માટે સંગીતકાર ગુલામ હૈદર પાસે અનુભવ લેવા માટે દત્તાને મોકલ્યા. એક લોકલ મ્યુઝિક ફેસ્ટિવલમાં દત્તાએ સ્વરબદ્ધ કરેલું ગીત સાંભળી સંગીતકાર સચિન દેવ બર્મન અત્યંત પ્રભાવિત થયા. તેમણે દત્તારામને પોતાના અસિસ્ટન્ટ તરીકે નોકરી આપી. ‘સઝા’, ’બાઝી’, ‘જાલ’ અને બીજી ફિલ્મોમાં તેમણે સચિનદાના અસિસ્ટન્ટ તરીકે નામના મેળવી.
અહીં તેમની ઓળખાણ જયદેવ, સાહિર લુધિયાનવી, ઍન્થની ગૉન્ઝાલ્વિસ (મહાન અરેન્જર) સાથે થઈ. ૧૯૫૧માં ગુરુ દત્તની ‘બાઝી’ના સંગીતકાર હતા સચિનદા. એ સમયે ગુરુ દત્તના અસિસ્ટન્ટ રાજ ખોસલા સાથે મુલાકાત થઈ. સંગીતના જાણકાર રાજ ખોસલાએ તેમની મુલાકાત એક પંજાબી પ્રોડ્યુસર સાથે કરાવી. તેમણે સંગીતકાર તરીકે પંજાબી ફિલ્મ ‘બાલો’માં (1954) મોકો આપ્યો. આમ દત્તારામ નાયકની સંગીતકાર એન. દત્તા તરીકેની કામગીરી શરૂ થઈ.
હિન્દી ફિલ્મોના સંગીતકાર તરીકે એન. દત્તાની પ્રથમ ફિલ્મ હતી ‘મિલાપ’ (1955) જેના ડિરેક્ટર હતા રાજ ખોસલા અને ગીતકાર હતા સાહિર લુધિયાનવી. દેવ આનંદ અને ગીતા બાલી અભિનીત આ ફિલ્મના ‘યે બહારોં કા સમા, ચાંદ તારોં કા સમા’ (લતા મંગેશકર – હેમંત કુમાર) અને ગીતા દત્તના ‘બચના ઝરા યે ઝમાના હૈ બુરા,’ તથા ‘જાતે હો તો જાઓ પર જાઓગે કહાં, બાબુજી તુમ ઐસા દિલ પાઓગે કહાં’ અત્યંત લોકપ્રિય થયાં. જોકે એ પછી તેમને મોટા બૅનરની કોઈ ફિલ્મ ન મળી. તેમ છતાં ‘મરીન ડ્રાઇવ’ (1955), ‘ચંદ્રકાંતા’ (1956), ‘હમ પંછી એક ડાલ કે’ (1957), ‘મિસ્ટર X’ (1957), ‘લાઇટ હાઉસ’ (1958), જેવી ફિલ્મોનાં ગીતો લોકપ્રિય થયાં.
સાહિર લુધિયાનવી સાથેની નિકટતાને કારણે બી. આર. ચોપડાની ‘સાધના’ (1958) મળી અને તેઓ બી. આર. ફિલ્મ્સના રેગ્યુલર મ્યુઝિક ડિરેક્ટર બની ગયા. ‘ધૂલ કા ફૂલ’ (1959), ‘ધર્મપુત્ર’ (1961) બાદ ‘ગુમરાહ’ (1963)માં તેમનું નામ નક્કી જ હતું પરંતુ નાની ઉંમરમાં જ તેમને હાર્ટ-અટૅક આવ્યો. પરિણામે સંગીતકાર રવિને મોકો મળ્યો. એ લાંબી માંદગી બાદ તેમના મનમાં એક ભય પેસી ગયો કે જરા પણ તબિયત નરમ થાય એટલે ડરી જાય.
લાંબી માંદગી પછી સાજા થયા બાદ તેમને જે ફિલ્મો મળી એ હતી ‘ગ્યારહ હઝાર લડકિયાં’, ‘ચાંદી કી દીવાર’, ‘કાલા સમંદર’, ‘ઇન્સ્પેક્ટર’, ‘નયા રાસ્તા’. આ અને બીજી ફિલ્મોનાં અમુક ગીતો લોકપ્રિય થયાં. જોકે એ પૂરતું નહોતું. બિઝી રહેવા તેમણે મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું પરંતુ હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર તેમને ભૂલી ગયા હતા. ૭૦ના દાયકાના અંતમાં તેમણે પહેલી વાર જૂના સંબંધો તાજા કરવા પ્રોડ્યુસરોનો સંપર્ક કરવાના પ્રયત્નો શરૂ કર્યા પણ સમય બદલાઈ ગયો હતો. છેલ્લે ૧૯૮૧માં બી. આર. ચોપડાના પુત્ર રાજતિલકે ‘ચેહરે પે ચેહરા’ માટે સંગીતની જવાબદારી સોંપી પરંતુ એ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ. આમ સંગીતકાર તરીકેની તેમની કારકિર્દી સમેટાઈ ગઈ.
અણમોલ મોતી જેવા એન. દત્તાએ સ્વરબદ્ધ કરેલાં થોડાં ગીતો યાદ આવે છે. ‘અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં’ (મરીન ડ્રાઇવ - મોહમ્મદ રફી – સાહિર લુધિયાનવી), ‘આજ ક્યૂં હમ સે પરદા હૈ’ (સાધના -મોહમ્મદ રફી, બલબીર – સાહિર લુધિયાનવી), ‘તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં, વફા કર રહા હૂં, વફા ચાહતા હૂં’ (ધૂલ કા ફૂલ – મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર -સાહિર લુધિયાનવી), ‘મૈં જબ ભી અકેલી હોતી હૂં, તુમ ચુપકે સે પાસ આ જાતે હો’ (ધર્મપુત્ર – આશા ભોસલે – સાહિર લુધિયાનવી ) ‘અશકોં ને જો પાયા હૈ, વો ગીતો મેં દિયા હૈ, ઇસ પર ભી સુના હૈ કે ઝમાને કો ગિલા હૈ’ (ચાંદી કી દીવાર – તલત મેહમૂદ – સાહિર લુધિયાનવી) ‘દિલ કી તમન્ના થી મસ્તી મેં મંઝિલ સે ભી દૂર નિકલતે (‘ગ્યારહ હઝાર લડકિયાં - મોહમ્મદ રફી, આશા ભોસલે – મજરૂહ સુલતાનપુરી ), ’મેરી તસવીર લેકર કયા કરોગે તુમ મેરી તસવીર લેકર’ (કાલા સમંદર - મોહમ્મદ રફી, આશા ભોસલે – આનંદ બક્ષી). (આ યાદી લખતી વખતે મુખડાના શબ્દોમાં જરા પણ ગરબડ ન થાય એ માટે શરૂ કરેલું ગીત પૂરેપૂરું સાંભળવાની લાલચ રોકાય એમ નથી )
એન. દત્તાએ ‘રૉક ઍન રોલ’ની તાન પર સ્વરબદ્ધ કરેલું એક ગીત એવું હતું જે નાનપણમાં મને ખૂબ ગમતું. રેડિયો સિલોન પર સવારે આઠ વાગ્યે ‘આપ કી પસંદ’માં આ ગીત વારંવાર આવે. હું મસ્તીમાં સાથે ગાઉં ત્યારે ભાઈ (પિતાજી) કહે, ‘સવાર-સવારમાં આવાં બેકાર ગીતો તને કેવી રીતે ગમે છે એ સમજાતું નથી. તારે કે. એલ. સૈગલ અને પંકજ મલિકનાં ગીતો સાંભળવા જોઈએ.’ એ ગીત હતું ‘લાલ લાલ ગાલ જાન કે હૈ લાગુ, દેખ દેખ દેખ દિલ પે રહે કાબુ, ચોર ચોર ચોર ભાગ પરદેસી બાબુ’ (મિસ્ટર X - મોહમ્મદ રફી – મજરૂહ સુલતાનપુરી)
વિખ્યાત મરાઠી હાસ્યકાર પી. એલ. દેશપાંડે એન. દત્તા માટે કહેતા, ‘જેમ ફૂલ સહજતાથી પાણીમાં તરતું હોય એટલી નજાકતથી તેમનું સંગીત કાનમાં પ્રવેશતું.’
દિલીપકુમાર ‘સંભલ અય દિલ તડપને ઔર તડપાને સે ક્યા હોગા’ (સાધના - મોહમ્મદ રફી, આશા ભોસલે – સાહિર લુધિયાનવી) ખૂબ ગણગણતા.
૫૬ હિન્દી ફિલ્મો અને પાંચ મરાઠી ફિલ્મોના સંગીતકાર એન. દત્તાએ ૧૯૮૭માં ૩૦ ડિસેમ્બરે વિદાય લીધી. વ્યક્તિનું મૃત્યુ બે વાર થાય છે. પ્રથમ તે જ્યારે દેહ છોડે છે ત્યારે, બીજી વાર જ્યારે તે ચાહકોની સ્મૃતિમાંથી વિદાય લે ત્યારે. એન. દત્તાનાં ગીતો આજની તારીખમાં બહુ સાંભળવા નથી મળતાં પણ એ ભૂલવા જેવાં નથી. આ લેખ સંગીતકારની સ્મૃતિઓને જીવંત રાખવાનો તમારો અને મારો એક સહિયારો પ્રયાસ છે.


