ડિરેક્ટરે ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે
અભય દેઓલ, હૃતિક રોશન અને ફરહાન અખ્તર સાથે વાતો ચાલી રહી હોવાની ચર્ચા
૨૦૧૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’એ બૉક્સ-ઑફિસ પર સારી એવી સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં હૃતિક રોશન, કૅટરિના કૈફ, અભય દેઓલ, ફરહાન અખ્તર અને કલ્કિ કોચલિન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. રોડ-ટ્રિપ આધારિત આ કૉમેડી-ડ્રામા ફિલ્મ આજે પણ ફૅન્સમાં ખૂબ લોકપ્રિય છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મની સીક્વલ બની રહી છે અને ઝોયા અખ્તરે ‘ઝિંદગી ના મિલેગી દોબારા 2’ પર કામ શરૂ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે ઝોયા સીક્વલમાં પણ મૂળ ફિલ્મના કલાકારોને જ ફરી સાથે લાવવાનું પ્લાનિંગ કરી રહી છે.
‘ઝિંદગી ના મિલેગી દોબારા 2’ વિશે વાત કરતાં એની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘ડિરેક્ટરે ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. ફિલ્મમાં હૃતિક, ફરહાન અને અભય ફરી એક વાર તેમનાં એ જ પાત્રોમાં જોવા મળી શકે છે જેઓ પોતાની જિંદગીના નિર્ણયો, મિત્રતા અને અધૂરાં સપનાં વચ્ચે સંઘર્ષ કરતા જોવા મળશે. આ ફિલ્મ માત્ર જૂની યાદોને તાજી કરનારી નથી, પરંતુ ત્રણ પુરુષોની જિંદગીમાં આવેલા બદલાવની વાર્તા હશે. જો બધું યોગ્ય રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે.’


