ઇબ્રાહિમને પ્રિયંકા ચોપડાએ જણાવ્યું સફળ થવાનું સીક્રેટ
ઇબ્રાહિમ અલી ખાન
સૈફ અલી ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને ‘નાદાનિયાં’થી ઍક્ટિંગના ફીલ્ડમાં પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મની રિલીઝ પછી સોશ્યલ મીડિયા પર ઇબ્રાહિમની ઍક્ટિંગની ઘણા લોકોએ ટીકા કરી હતી. જોકે આ સંજોગોમાં પ્રિયંકા ચોપડા જેવી સેલિબ્રિટીએ ઇબ્રાહિમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેને સફળ થવા માટેની ટિપ્સ આપી હતી.
ઇબ્રાહિમે એક ઇન્ટરવ્યુમાં તેને ડેબ્યુ પછી મળેલી શ્રેષ્ઠ સલાહ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘મને મારી ફિલ્મની રિલીઝ પછી બે શ્રેષ્ઠ સલાહ મળી હતી. એક સલાહ મને મારા પપ્પા સૈફ અલી ખાને આપી હતી અને બીજી સલાહ પ્રિયંકા ચોપડાએ આપી હતી. મારા પપ્પાએ મને કહ્યું હતું કે આ ૨૦૦૦ના વર્ષનો જમાનો નથી, જ્યાં કોઈ પણ સ્ટાર આવે અને તેની ફિલ્મ બ્લૉકબસ્ટર બની જાય. દરેક નવોદિતે ઝડપથી શીખવું પડશે અને પહેલેથી તૈયાર રહેવું પડશે. એ સિવાય મને પ્રિયંકાએ કહ્યું હતું કે મારે સ્વમાનપૂર્વક માથું ઊંચું રાખવું જોઈએ અને મહેનત કરતા રહેવું જોઈએ. મારે જાડી ચામડીના બનવું પડશે. તેમના જેવી સફળ મહિલા સાથે વાત કરીને મને ખરેખર શાંતિ અને પ્રેરણા મળી છે.’
ADVERTISEMENT
મને બાળપણથી બોલવામાં અને સાંભળવામાં થોડી તકલીફ છે
ઇબ્રાહિમ અલી ખાને ઇન્ટરવ્યુમાં તેના જીવનના એક મોટા પડકાર વિશે ખૂલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે બાળપણમાં એક ગંભીર બીમારીએ મારી સાંભળવાની ક્ષમતાને અસર કરી હતી, જેની અસર મારી બોલચાલ પર પણ પડી હતી. આ સમસ્યા વિશે વાત કરતાં ઇબ્રાહિમે ખુલાસો કર્યો હતો કે ‘જન્મના તરત બાદ મને કમળો થયો હતો અને આ બીમારી મારા મગજ સુધી પહોંચી ગઈ હતી, જેને કારણે મારી સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ હતી. આ સાંભળવાની સમસ્યાને કારણે સ્પીચમાં પણ મને તકલીફ પડી હતી. મારે બાળપણથી જ મારી બોલચાલ સુધારવા માટે ખૂબ મહેનત કરવી પડી છે. કોચ અને થેરપિસ્ટની મદદથી મેં આના પર કામ કર્યું. હું આજે પણ એના પર મહેનત કરી રહ્યો છું.’

