‘મહાવતાર’ ૨૦૨૬ના અંતમાં ફ્લોર પર આવશે અને ૨૦૨૮માં રિલીઝ થાય એવી શક્યતા છે
ફિલ્મનું પોસ્ટર
‘છાવા’ની સફળતા પછી વિકી કૌશલ હવે ‘મહાવતાર’ જેવા પૌરાણિક મહાકાવ્ય પર કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મ ચિરંજીવી પરશુરામના જીવન પર આધારિત છે. મળતી માહિતી પ્રમાણે આવતા વર્ષે એક ભવ્ય પૂજા-સમારંભ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની તૈયારી શરૂ કરવા માટે વિકીએ દારૂ અને નૉન-વેજ છોડવાનો નિર્ણય લીધો છે. ‘મહાવતાર’ ૨૦૨૬ના અંતમાં ફ્લોર પર આવશે અને ૨૦૨૮માં રિલીઝ થાય એવી શક્યતા છે.
વિકીના આ પ્રયાસો વિશે વાત કરતાં તેના કામ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘‘મહાવતાર’ જેવી ફિલ્મ માટે સંપૂર્ણ એકાગ્રતા જરૂરી છે અને વિકીને આ વાતનો અહેસાસ છે. વિકી અને ડિરેક્ટર અમર કૌશિક બન્ને આ ફિલ્મ માટે સંપૂર્ણ સમર્પિત છે અને બન્નેએ શૂટિંગ દરમ્યાન નૉન-વેજ છોડવાનો નિર્ણય લીધો છે. અમર કૌશિક તો અત્યારથી પોતાની ખાવા-પીવાની આદતોમાં બદલાવ લાવી ચૂક્યો છે, જ્યારે વિકી ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ પૂરી થયા બાદ તેનો આ નિર્ણય અમલમાં મૂકશે. આ તેમના માટે ભગવાન પરશુરામના પાત્ર પ્રત્યે આદર વ્યક્ત કરવાની રીત છે.’


