કેરલાના મુખ્ય પ્રધાન પિનારયી વિજયને આ ફિલ્મને અવૉર્ડ આપવાના નિર્ણયને ભારતીય સિનેમાની મહાન પરંપરાનું અપમાન ગણાવ્યું
‘ધ કેરલા સ્ટોરી’
હાલમાં નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ‘ધ કેરલા સ્ટોરી’ને બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સિનેમૅટોગ્રાફીનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે કેરલાના મુખ્ય પ્રધાન પિનારયી વિજયને આ ફિલ્મને અવૉર્ડ આપવાના નિર્ણયને ભારતીય સિનેમાની મહાન પરંપરાનું અપમાન ગણાવ્યું. ૨૦૨૩માં રિલીઝ થયેલી આ વિવાદાસ્પદ ફિલ્મને કેરલામાં મહિલાઓને બળજબરીથી ધર્માંતરણ કરીને આઇએસઆઇએસ જેવા આતંકવાદી સંગઠનમાં ભરતી કરવામાં આવતી હોવાનું દર્શાવવા બદલ રાજ્યમાં વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું કે આ ફિલ્મ કેરલાને બદનામ કરવા માટેના અને સાંપ્રદાયિકતા ફેલાવવા માટેના જૂઠાણા પર આધારિત છે. તેમણે આરોપ લગાવ્યો કે આવી ફિલ્મને સન્માન આપીને નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સની જ્યુરીએ ભારતીય સિનેમાની ધાર્મિક સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા માટે ઊભી રહેલી ગૌરવપૂર્ણ પરંપરાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય દ્વારા જ્યુરીએ સંઘ પરિવારના વિભાજનકારી વૈચારિક એજન્ડાને માન્યતા આપી છે
જે સિનેમાનો ઉપયોગ સાંપ્રદાયિક એજન્ડા અમલમાં મૂકવાના હથિયાર તરીકે કરે છે.
મુખ્ય પ્રધાને કેરલાના નાગરિકો અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારા તમામ લોકોને આ ઘોર અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘કેરલા હંમેશાં સૌહાર્દ અને સાંપ્રદાયિક શક્તિઓ સામે પ્રતિકારનું પ્રતીક રહ્યું છે અને આ નિર્ણયથી એનું ગંભીર અપમાન થયું છે. દરેક મલયાલી અને દેશના દરેક લોકશાહીવાદીએ સત્ય અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે અવાજ ઉઠાવવો જોઈએ.’
ADVERTISEMENT
ધ કેરલા સ્ટોરીના અવૉર્ડ્સ વિશે આશુતોષ ગોવારીકરે કરી સ્પષ્ટતા
‘ધ કેરલા સ્ટોરી’ને બે નૅશનલ અવૉર્ડ મળવાનું કારણ જ્યુરીના અધ્યક્ષ આશુતોષ ગોવારીકરે સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રશાંતનુ મોહપાત્રા દ્વારા કરવામાં આવેલી ફિલ્મની સિનેમૅટોગ્રાફી ખૂબ જ વાસ્તવિક અને પ્રભાવશાળી હતી જે વાર્તા પર હાવી થયા વિના વાસ્તવિકતાને દર્શાવતી હતી. આ માટે એને શ્રેષ્ઠ સિનેમૅટોગ્રાફીનો અવૉર્ડ મળ્યો. જ્યારે સુદિપ્તો સેનને શ્રેષ્ઠ દિગ્દર્શનનો અવૉર્ડ જટિલ અને સંવેદનશીલ વિષયને સ્પષ્ટતા સાથે રજૂ કરવા બદલ આપવામાં આવ્યો. આશુતોષ ગોવારીકરે કહ્યું કે જ્યુરીએ આ ફિલ્મ પર લાંબી ચર્ચા અને વિચારણા કરીને સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો.

