ક્રિતી સૅનને સ્પષ્ટતા કરી કે હું ત્યારે જ મૅરેજ કરીશ જ્યારે મને મન થશે
ક્રિતી સૅનન
છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા છે કે ક્રિતી સૅનન પોતાના બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હાલમાં જ્યારે એક ઇવેન્ટમાં ક્રિતીને તેનાં લગ્નના પ્લાનિંગ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તે અકળાઈ ગઈ અને કહ્યું કે મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી.
ક્રિતીએ વાતચીત દરમ્યાન તેનાં લગ્નના સવાલનો જવાબ આપતાં કહ્યું, ‘મને બધા એ જ સવાલ કરે છે કે તું ક્યારે લગ્ન કરવાની છે? અરે મિત્રો, જીવનમાં લગ્ન સિવાય પણ ઘણું બધું છે. મને ખબર નથી કે મારાં લગ્ન ક્યારે થશે પણ હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને ખરેખર લગ્ન કરવાનું મન થશે. મને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી.’
ADVERTISEMENT
આ વાતચીત દરમ્યાન ક્રિતીએ બૉલીવુડમાં નેપોટિઝમ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણે કહ્યું, ‘મને લાગે છે કે હા, નેપોટિઝમ દરેક ક્ષેત્રમાં છે. બસ અમારા ક્ષેત્રમાં એના વિશે વાત કરવી સરળ છે. જો તમે ખરેખર મહેનત કરો છો તો તમને તક મળે જ છે, પણ કદાચ થોડો વધારે સમય લાગે છે. તમારે ફક્ત તમારા કામમાં વધુ સારા બનતા રહેવું છે. પ્રયત્ન ચાલુ રાખો અને ક્યારેય હાર ન માનો.’
