મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું લગભગ ૬ વર્ષનું રિલેશનશિપ તૂટ્યા બાદ હવે તેમના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે. ફિલ્મ-પત્રકાર વિકી લાલવાણીના દાવા મુજબ લગ્નને લઈને બંને વચ્ચે મતભેદ હતા.
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર
મલાઇકા અરોરા પોતાના ડાન્સની સાથે-સાથે પોતાની ફિટનેસ અને પર્સનલ લાઇફને લઈને પણ ચાહકોનું ધ્યાન ખેંચે છે. અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ તેણે પોતાનાથી ઉંમરમાં ૧૨ વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કર્યો હતો. બન્ને લગભગ ૬ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં, જોકે ત્યાર બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે તેમના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે.
જાણીતા ફિલ્મ-પત્રકાર વિકી લાલવાણીએ મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને મારાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે બન્ને વચ્ચે લગ્નને લઈને મતભેદ હતા. હકીકતમાં અર્જુન લગ્ન માટે તૈયાર નહોતો અને મલાઇકા લગ્ન કરવા માગતી હતી. આ બાબતને લઈને તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. મારું માનવું છે કે તેમના બ્રેકઅપનું આ જ કારણ હતું. બન્ને એકબીજાના ખૂબ જ પ્રેમમાં હતાં. મારું માનવું છે કે અર્જુનને હજુ પણ મલાઇકા સાથે પ્રેમ હશે, કારણ કે તેમનો પ્રેમ માત્ર ટાઇમપાસ માટે નહોતો. તેમનો સંબંધ ઊંડો અને ખૂબ જ સાચો હતો. મલાઇકા એ સમયે અર્જુનને ખૂબ પસંદ કરતી હતી અને હજુ પણ કરતી હશે. જોકે દરેક બાબતનો અંત હૅપી નથી હોતો.’
