ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને બ્યુટી-ઇન્ફ્લુએન્સર શ્વેતા વિજય નાયરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બિપાશા બાસુના વધેલા વજનને ટ્રોલ કરનારા લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો
બિપાશા બાસુ
થોડા સમય પહેલાં બિપાશા બાસુનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તેનું વધેલું વજન જોઈને બધાને બહુ આશ્ચર્ય થયું હતું. સોશ્યલ મીડિયા પર લોકો બિપાશાના વધેલા વજનને લઈને ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા હતા. હવે બિપાશાએ આવા લોકોને કડક જવાબ આપ્યો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે આવી ટિપ્પણીઓથી તેમને કોઈ ફરક પડતો નથી.
દરઅસલ, ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને બ્યુટી-ઇન્ફ્લુએન્સર શ્વેતા વિજય નાયરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બિપાશા બાસુના વધેલા વજનને ટ્રોલ કરનારા લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે માતા બન્યા પછી સ્ત્રીઓના શરીરમાં થતા બદલાવો વિશે વાત કરતો એક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ જ વિડિયો પર કમેન્ટ કરીને બિપાશા બાસુએ ટીકાકારોને ખૂબ ખરી-ખોટી સંભળાવી છે.
ADVERTISEMENT
બિપાશા બાસુએ પહેલાં પોતાનું સમર્થન કરવા માટે શ્વેતા વિજય નાયરનો આભાર માન્યો. તેણે લખ્યું, ‘તમારા સ્પષ્ટ શબ્દો માટે આભાર. હું આશા રાખું છું કે માનવજાત હંમેશાં આટલી ઉપરછલ્લી ન રહે અને તેઓ સ્ત્રીઓને દરરોજ ભજવાતી લાખો ભૂમિકાઓ માટે પ્રોત્સાહન આપે અને તેમની પ્રશંસા કરે. હું એક સુપર કૉન્ફિડન્ટ મહિલા છું, જેની પાસે ખૂબ પ્રેમાળ પાર્ટનર અને પરિવાર છે. મીમ્સ અને ટ્રોલ્સની મારા પર ક્યારેય અસર નથી થઈ. મારી જગ્યાએ કોઈ બીજી સ્ત્રી આ નિર્દયતાથી ખૂબ પ્રભાવિત અને દુખી થઈ શકે છે. છતાં જો આપણી પાસે વધુ મજબૂત અવાજો હોય અને ઓછામાં ઓછું સ્ત્રીઓ જ સ્ત્રીઓને સમજે અને તેમની પ્રશંસા કરે તો સ્ત્રીઓ વધુ ને વધુ ઉપર જશે.’

