નાગાર્જુને પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ વિશે વાત કરતાં કહ્યું કે આ ફિલ્મની વાર્તા ઇમોશનલ હશે...
મારી કરીઅરની ૧૦૦મી ફિલ્મમાં તબુનું હશે ખાસ સ્થાન
સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને તેની કરીઅરની ૧૦૦મી ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ફિલ્મમાં મારી ખાસ મિત્ર ઍક્ટ્રેસ તબુનો ખાસ રોલ હશે અને હું તેની સાથે કામ કરવા માટે ઉત્સાહી છું.
રિપોર્ટ પ્રમાણે નાગાર્જુનની આ ફિલ્મમાં તબુનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું છે અને ફિલ્મની વાર્તા આ પાત્રની આસપાસ આકાર લેતી હશે. આ ફિલ્મમાં તબુનો રોલ રોમૅન્ટિક નહીં હોય, પણ એક મજબૂત કૅરૅક્ટર હશે જે ફિલ્મની વાર્તાને આગળ ધપાવશે. તબુ પણ આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સાહી છે. આ ફિલ્મ નાગાર્જુનની કરીઅર માટે ખાસ છે અને તે એને ફૅન્સ માટે એક યાદગાર અનુભવ બનાવવા ઇચ્છે છે.
તબુ અને નાગાર્જુનની ચર્ચાસ્પદ રિલેશનશિપ
તબુ અને નાગાર્જુન એકબીજાને ખાસ મિત્રો ગણાવે છે, પણ તેમની રિલેશનશિપ સારીએવી ચર્ચાસ્પદ બની છે. ચર્ચા પ્રમાણે તેમની વચ્ચે રોમૅન્ટિક રિલેશનશિપ હતી જે લગભગ ૧૦ વર્ષ સુધી ચાલી હતી. તબુ આ સંબંધને ગંભીરતાથી લેતી હતી અને તે નાગાર્જુન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. એક તબક્કે તબુએ હૈદરાબાદમાં પણ રહેવાનું શરૂ કર્યું હતું અને નાગાર્જુનના ઘરે આવતી-જતી હતી. જોકે એ સમયે નાગાર્જુન અને અમલા પરિણીત હતાં અને આ નાગાર્જુનનાં બીજાં લગ્ન હતાં. આ સંજોગોમાં નાગાર્જુન તેના અને તબુના સંબંધને લગ્ન સુધી લઈ જવા નહોતો ઇચ્છતો. લગ્નના આ મુદ્દાને કારણે જ નાગાર્જુન અને તબુનું બ્રેક-અપ થયું હતું.


