કહ્યું કે મારા જીવનનું લક્ષ્ય અને ઉદ્દેશ સારું કામ કરવાનો છે, આવી નકામી વાતોમાં સમય બગાડવાનો નથી
નિમ્રત કૌર
નિમ્રત કૌર ગયા વર્ષે અભિનેતા અભિષેક બચ્ચન સાથેના તેના કથિત સંબંધોને લઈને ચર્ચામાં હતી. બન્નેએ ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દસવીં’માં સાથે કામ કર્યું હતું. આ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘દસવીં’ના શૂટિંગ દરમ્યાન બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જોકે નિમ્રત અને અભિષેકે ક્યારેય અફવાઓ અને અટકળોનો સીધો જવાબ આપ્યો નહોતો, પરંતુ તાજેતરમાં નિમ્રતે આ અંગે ખુલાસો કર્યો છે. નિમ્રતે કહ્યું કે મને એવા લોકો પર દયા આવે છે જેઓ અફવાઓ ફેલાવે છે અને એને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરે છે.
અંગત જીવનને લીધે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થવા અંગે વાત કરતાં નિમ્રતે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા એક અમીબાની જેવું છે. એ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કારણ વગર ફેલાઈ શકે છે; ભલે એનું કોઈ કારણ હોય કે ન હોય. હું આ બાબતે ખૂબ સ્પષ્ટ છું કે મારું ધ્યાન જીવનમાં ક્યાં હોવું જોઈએ. હું સોશ્યલ મીડિયા માટે મુંબઈ નથી આવી. મારા જીવનનું લક્ષ્ય અને ઉદ્દેશ સારું કામ કરવાનો છે, નહીં કે આ નકામી બાબતોમાં સમય બગાડવાનો. અહીં લોકો પાસે ઘણો ખાલી સમય છે. સાચું કહું તો મને તેમના પર દયા આવે છે. તેમણે પોતાના જીવન કે સમય સાથે કંઈક સારું કરવું જોઈએ. આ નિરર્થક છે, તેમના સમય અને જીવનની સંપૂર્ણ બરબાદી છે. મને તેમના ઉછેર અને તેમના પરિવારો માટે દુ:ખ થાય છે.’

