બાળક માત્ર તેનું જ નહીં, માબાપનું પણ ભવિષ્ય છે એવા સમયે બાળકની રૂમની સૌથી વધારે ચીવટ રાખવી જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ઘરનાં બે સ્થાનને વાસ્તુશાસ્ત્રમાં સૌથી અગત્યનાં ગણાવવામાં આવ્યાં છે. આ બે સ્થાનમાંથી એક છે કિચન અને બીજું છે ચિલ્ડ્રન રૂમ. બાળકને ભવિષ્ય તરીકે જોવામાં આવે છે પણ તે માત્ર દેશનું જ ભવિષ્ય નથી, તે માબાપનું પણ ભવિષ્ય છે એટલે તેના રૂમને તૈયાર કરવામાં ખાસ કાળજી દાખવવી જોઈએ. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે ઘરના દરેક રૂમમાં પૂરતાં હવાઉજાસ આવવાં જોઈએ. ધારો કે એ સગવડ ન હોય તો નિયમિતપણે દરેક રૂમમાં ધૂપ કે કપૂરદાની દ્વારા કપૂરની ખુશ્બૂ આપતાં રહેવી જોઈએ.
બાળકોના રૂમમાં કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એની વાત કરીએ.
ADVERTISEMENT
રાઇટિંગ ટેબલ અવશ્ય
નાનાં ઘરોમાં બાળકો માટે અલાયદો રૂમ ન હોય તો બાળકો બેડ પર બેસીને અભ્યાસ કરતાં હોય છે. અભ્યાસ ક્યારેય સૂતાં-દૂતાં કે બેડ પર ન થઈ શકે. જો ઘરમાં રાઇટિંગ ટેબલની સગવડ ઊભી થઈ શકે તો અતિ ઉત્તમ અને ધારો કે એ ન થઈ શકતી હોય તો બેડ પર બેસીને ટેબલ વાપરી શકાય એવડી સાઇઝનું ટેબલ વસાવવું જોઈએ. અભ્યાસ કરતી વખતે પણ બાળકની નજર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ. અગાઉ કહ્યું છે એમ દિશા જોવા માટે મોબાઇલમાં કમ્પસ એટલે કે દિશાસૂચક ઍપ્લિકેશન હોય છે એનો ઉપયોગ કરી શકાય.
જો ખોટી દિશામાં જોઈને અભ્યાસ કરવાની આદત પડી હોય તો એ બહુ ખરાબ છે, એને વહેલી તકે બાળકોમાંથી કાઢવી જોઈએ.
પ્રેરણાદાયી ફોટો/ પેઇન્ટિંગ્સ
સાયન્ટિસ્ટથી લઈને ડૉક્ટર, પાઇલટ જેવા પ્રોફેશન સાથે જોડાયેલા લોકોનાં ફોટો કે પેઇન્ટિંગ્સ બાળકોની નજર સામે રહે એ રીતે રાખવાં જોઈએ. જો શક્ય હોય તો બાળક જે બનવા માગતું હોય એ પ્રોફેશન કે ફીલ્ડની મોટી પર્સનાલિટીના ફોટોગ્રાફ્સ રાખવા પણ હિતાવહ છે. બાળકો માટે જો સેપરેટ રૂમ ન હોય તો પ્રયાસ કરો કે આ પ્રકારના ફોટોગ્રાફ્સ તેની આંખ સામે રહે. તમે એવા જ બનો છો જેની સામે રહો છો કે જે તમારા મનમાં રહે છે. સામુદ્રિક શાસ્ત્રનો આ સીધો નિયમ છે જે વાસ્તુશાસ્ત્રમાં આ રીતે સમાવવામાં આવ્યો છે.
આ પ્રકારનાં ફોટોગ્રાફ્સ કે પેઇન્ટિંગ્સ ઉપરાંત બાળકો સામે એનર્જીનો સ્રોત ગણાય એવો પાણીનો ધોધ, પાંખવાળો ઘોડો, દોડતો ઘોડો, બુક્સના ફોટોગ્રાફ્સ ઇત્યાદિનાં ફોટોગ્રાફ્સ કે પેઇન્ટિંગ રાખવા લાભદાયી છે.
તુલસી અને બામ્બુ અચૂક
બાળકોના રૂમમાં તુલસીનો પ્લાન્ટ અને બામ્બુ ટ્રી અચૂક રાખવું જોઈએ. એ રાખવાથી વાસ્તુશાસ્ત્રનો લાભ તો છે જ પણ સાથોસાથ બાળકોમાં કૅરિંગ નેચર પણ જન્મવાનું શરૂ થાય છે. તુલસી વાતાવરણને શુદ્ધ કરે છે તો તમને ખબર જ છે કે તુલસી આમ પણ પવિત્ર છે. બામ્બુ ટ્રી પણ પવિત્ર માનવામાં આવ્યું છે. એ બન્ને બાળકના મનમાંથી નકારાત્મકતા શોષી લે છે અને તેમને સકારાત્મકતા આપે છે.
તુલસી અને બામ્બુનું ધ્યાન રાખવાની જવાબદારી બાળકોને આપવી જોઈએ. રોજબરોજનો વિકાસ જોઈને બાળકના મનમાં ઊર્જા જન્મે છે જે તેને આગળ વધવાની પ્રેરણા આપે છે.
રૂમમાં કાર્ટૂન કરો અવૉઇડ
હા, આજકાલ એ ટ્રેન્ડ બહુ વધ્યો છે અને બાળકોને જે કાર્ટૂન કૅરૅક્ટર બહુ ગમતાં હોય છે એની થીમ લઈને કિડ્સ રૂમ બનાવવામાં આવે છે પણ એવું કરવું હિતાવહ નથી. કાર્ટૂન ભલે પ્રેરણાદાયી હોય, તકલીફોમાંથી બહાર નીકળવાનું સતત સૂચવતું હોય પણ છેલ્લે એ છે તો મનોરંજન અને બાળકોનો રૂમ મનોરંજક નહીં પણ જ્ઞાનવર્ધક હોવો જોઈએ. જો થીમ-આધારિત રૂમ બનાવવાનું મન હોય તો બાળકોના રૂમમાં હનુમાનજી કે ગણપતિજીને બેસાડી શકાય. આ એ ભગવાન છે જેમને અસાધના લાગતી નથી એટલે અન્ય કોઈ ભગવાનને રૂમમાં રાખવાને બદલે આ જ ભગવાનને રૂમમાં રાખવા જોઈએ.
કલરનું પણ ખાસ્સું મહત્ત્વ
બાળકોના રૂમમાં ગ્રીન, લાઇટ યલો કે મૉર્નિંગ ગ્લોરી જેવા હળવા કલર અને વુડન બેઝનું ફર્નિચર કરવું જોઈએ. લાલ, બ્લુ કે પછી બીજા મન ભડકાવનારા કલર વાપરવાનું ટાળવું જોઈએ.
રૂમ સાફ કરો નિયમિત
બાળકોના રૂમને વધારે ચીવટથી સાફ કરતાં રહેવું જોઈએ કારણ કે બાળકોના રૂમમાં નકારાત્મકતા બહુ જલદી જગ્યા કરી લેતી હોય છે. જો શક્ય હોય તો આ રૂમમાં નિયમિત ધૂપ પણ ફેરવવો રહ્યો. બાળકોના રૂમને અસ્તવ્યસ્ત પણ રાખવો નહીં. સાફસફાઈની શરૂઆત થાય ત્યારે હંમેશાં બાળકના રૂમથી એ કામનો આરંભ કરવો જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે બાળક પણ તમારી સાથે એ રૂમની સફાઈમાં જોડાય.
ધારો કે રૂમની સફાઈ માટે મેઇડ આવતી હોય તો ઍટ લીસ્ટ વીકમાં એક વાર બાળકને રૂમની સફાઈની આદત પાડવી જોઈએ. આ પ્રકારની આદત જગ્યા માટે આત્મીયતા વધારવાનું કામ કરે છે અને બાળકને જો પોતાના રૂમ માટે આત્મીયતા હશે તો તેનામાં ઘર અને પરિવાર માટે પણ આત્મીયતા કેળવાશે.

