શરીર પર ટૅટૂ, આંખો પર ચશ્માં અને હાથમાં બંદૂક
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રજનીકાન્તની ફિલ્મ ‘કૂલી’નું શનિવારે ચેન્નઈમાં ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. આ ભવ્ય ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં આમિર ખાને જબરદસ્ત લુકમાં એન્ટ્રી કરી હતી અને પછી રજનીકાન્તનાં ચરણસ્પર્શ કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં.
આમિર આ ઇવેન્ટમાં ફિલ્મમાં તેના પાત્ર ‘દહા’ના લુકમાં જોવા મળ્યો. તે બ્લૅક ટૅન્ક ટૉપ, ડેનિમ્સ અને બ્લૅક જૅકેટ સાથે આવ્યો, જેનાથી તેનો સ્વેગ સ્પષ્ટ દેખાતો હતો. ઇવેન્ટમાં આમિરે એક તબક્કે રજનીકાન્તના પગ સ્પર્શવાનો પ્રયાસ કર્યો, પણ રજનીકાન્તે તેને રોકીને પ્રેમથી ગળે લગાડ્યો અને હૅન્ડશેક કર્યા. આ ક્ષણનો વિડિયો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. રજનીકાન્તની ફિલ્મ ‘કૂલી’માં આમિર ખાનનો લુક અને ઍક્શન-અવતાર જોઈને ચાહકો તેમની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. શરીર પર ટૅટૂ, આંખો પર ચશ્માં અને હાથમાં બંદૂક સાથે તેની ધમાકેદાર ઍક્શન બધા માટે આશ્ચર્યજનક રહી હતી.
ADVERTISEMENT
આમિર ખાને ઇવેન્ટમાં જણાવ્યું કે ‘હું રજનીસરનો ખૂબ મોટો ચાહક છું. જ્યારે લોકેશે મને કહ્યું કે આ રજનીસરની ફિલ્મ ‘કૂલી’ છે અને મારે એક કૅમિયો કરવાનો છે તો મેં વાર્તા સાંભળ્યા વિના જ હા કહી દીધી, કારણ કે હું ફક્ત રજનીસર સાથે કામ કરવા માગતો હતો.’
લોકેશ કનગરાજ દ્વારા નિર્દેશિત અને સન પિક્ચર્સના કલાનિથિ મારન દ્વારા નિર્મિત આ ઍક્શન-થ્રિલરમાં રજનીકાન્તની સાથે નાગાર્જુન અક્કીનેની, સત્યરાજ, ઉપેન્દ્ર, શ્રુતિ હાસન, સૌબિન શાહિર અને અન્ય કલાકારો મહત્ત્વની ભૂમિકાઓમાં છે. આમિર ખાન ‘દહા’ નામના ખાસ પાત્રમાં જોવા મળશે. ‘કૂલી’ ૧૪ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યાં એની ટક્કર હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિઆરા અડવાણીની ‘વૉર 2’ સાથે થશે.

