અશ્ળીલ ગીતના મામલે ૧૦ વકીલોની ટીમે ગૃહમંત્રાલય સામે મૂકી આ માગણી
નોરા ફતેહી
કૅનેડિયન મૂળની બૉલીવુડ-ઍક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં ભારે વિવાદોમાં અટવાઈ ગઈ છે. કન્નડા ફિલ્મ ‘KD : ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ને લઈને મોટો બખેડો થયો છે. આ ગીતના હિન્દી વર્ઝનમાં અશ્ળીલ શબ્દો હોવાના આક્ષેપ વચ્ચે નોરા ફતેહી અને સંજય દત્ત પર નિશાન તાકવામાં આવી રહ્યું છે. હવે મામલો વધુ વણસ્યો છે, કારણ કે રિપોર્ટ મુજબ ૧૦ વકીલોની એક ટીમે ગૃહમંત્રાલય પાસે નોરાની વર્ક-પરમિટ રદ કરવા અને તેને ભારતમાંથી ડિપૉર્ટ કરવાની માગણી કરી છે.
આ અરજીમાં વિદેશી અધિનિયમ ૧૯૪૬ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ ૧૯૨૦નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વકીલોએ દલીલ કરી કે સરકારને એવા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે જેમના કામથી જાહેર શિસ્ત અને વ્યવસ્થા પર પ્રભાવ પડે. વકીલોએ દલીલ કરી છે કે કલાકારોએ કોઈ પ્રોજેક્ટ માટે પૈસા અને ક્રેડિટ્સ લેવા સાથે એની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ.
ADVERTISEMENT
આ મામલે ગૃહમંત્રાલય સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), ઇલેક્ટ્રૉનિક્સ અને IT મંત્રાલય તથા રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે આ વિવાદ વચ્ચે ભારત સરકારે ‘સરકે ચુનર તેરી સરકે’ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. બીજી તરફ ગીતકાર રકીબ આલમે સમગ્ર જવાબદારી નિર્દેશક પ્રેમ પર નાખી છે અને આક્ષેપ કર્યો છે કે કન્નડા ગીતનો જબરદસ્તીથી શબ્દશઃ અનુવાદ કરવામાં આવ્યો હતો.
