‘સ્ટુડન્ટ ઑફ ધ યર : આફ્ટર ડાર્ક’ એક થ્રિલર વેબ-સિરીઝ છે. આ સિરીઝ બૉલીવુડની સુપરહિટ ફિલ્મ ફ્રૅન્ચાઇઝને ડાર્ક મિસ્ટ્રી થ્રિલરમાં ફેરવે છે અને એમાં શનાયા કપૂર જોડિયાં બહેનોની બેવડી ભૂમિકામાં જોવા મળશે.
સ્ટુડન્ટ ઑફ ધ યર આફ્ટર ડાર્ક, પારિવારિક મનુરંજન, બ્લાઇન્ડ ગેમ, દાયરા
સ્ટુડન્ટ ઑફ ધ યર : આફ્ટર ડાર્ક
‘સ્ટુડન્ટ ઑફ ધ યર : આફ્ટર ડાર્ક’ એક થ્રિલર વેબ-સિરીઝ છે. આ સિરીઝ બૉલીવુડની સુપરહિટ ફિલ્મ ફ્રૅન્ચાઇઝને ડાર્ક મિસ્ટ્રી થ્રિલરમાં ફેરવે છે અને એમાં શનાયા કપૂર જોડિયાં બહેનોની બેવડી ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
સિરીઝની વાર્તા સેન્ટ ટેરેસા હાઈ સ્કૂલના વૈભવી વાતાવરણમાં લઈ જાય છે. અહીંની લોકપ્રિય વિદ્યાર્થિની આયેશા મલિક (શનાયા)નો મૃતદેહ એક થીજી ગયેલા તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવે છે. તેની જોડિયા બહેન અદિતિ આ ઘટનાને અકસ્માત માની લેવાનો ઇનકાર કરે છે. બહેનના મોતનું સત્ય જાણવા માટે તે સેન્ટ ટેરેસામાં પ્રવેશ મેળવે છે અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના પ્રતિષ્ઠિત ખિતાબ માટે ચાલી રહેલી સ્પર્ધાનો ભાગ બને છે. જેમ-જેમ વાર્તા આગળ વધે છે તેમ-તેમ અનેક છુપાયેલાં રહસ્યો બહાર આવે છે અને બેસ્ટ ફ્રેન્ડથી લઈને બૉયફ્રેન્ડ સુધીના લોકોના બેવડા ચહેરા સામે આવવા લાગે છે. આ સિરીઝ જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
પારિવારિક મનુરંજન
‘પારિવારિક મનુરંજન’માં પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા લખનઉમાં રહેતા રંજન દુબેની છે જે એક વિશાળ હવેલીમાં એકલો રહે છે અને કુંવારો છે. ઘરની દેખરેખ માટે તે ફુલટાઇમ પ્રૉપર્ટી મૅનેજરની જરૂરિયાત વિશે જાહેરાત આપે છે જેના કારણે દિલ્હીથી હેલન નામની યુવતી ત્યાં આવે છે. હેલનના આગમનથી એકલા રહેતા રંજન દુબેનું જીવન બદલાઈ જાય છે. હેલન આખા ઘરની સંભાળ રાખે છે અને રંજનને સ્વાદિષ્ટ ભોજન પણ બનાવીને ખવડાવે છે. ધીમે-ધીમે બન્ને વચ્ચે અનોખો પ્રેમ પાંગરે છે. તેમના સંબંધોની ચર્ચા આખા મહોલ્લામાં પણ શરૂ થઈ જાય છે.
જોકે એક દિવસ અચાનક પોલીસ એક મહિલાની શોધમાં રંજન દુબેના ઘરે પહોંચે છે. બીજી તરફ હેલન પણ ગાયબ થઈ જાય છે. ત્યાર બાદ રંજન દુબેનું જીવન હેલનના રહસ્યમાં ગૂંચવાઈ જાય છે. આ ફિલ્મ સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે.
બ્લાઇન્ડ ગેમ
અર્જુન રામપાલ અને પ્રિયામણિને લીડ રોલમાં ચમકાવતી ‘બ્લાઇન્ડ ગેમ’ એક ક્રાઇમ-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી મલયાલમ થ્રિલર ‘સેવન્થ ડે’ની રીમેક છે. એમાં રોહિત ચંદેલ અને નકુલ રોશન સહદેવ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
ફિલ્મની વાર્તા સિકંદર સિંહ (અર્જુન રામપાલ)ની આસપાસ ફરે છે. સિકંદર પોલીસ છે, જેને રહસ્યમય સંજોગોમાં નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમ્યાન અજાણતાં જ તે એક ખતરનાક અને મોટા કેસમાં ફસાઈ જાય છે. આ કેસમાં લૂંટાયેલી મોટી રકમ ગાયબ થઈ ગઈ છે. સિકંદર જ્યારે આ ગુમ થયેલી રકમની તપાસ જાતે શરૂ કરે છે ત્યારે તે ગુનેગારો, છેતરપિંડી અને ભ્રષ્ટ અધિકારીઓના ખતરનાક જાળામાં ફસાતો જાય છે. ‘બ્લાઇન્ડ ગેમ’ ‘ઝી5’ પર સ્ટ્રીમ થઈ રહી છે.
દાયરા
મેઘના ગુલઝારના ડિરેક્શનમાં બનેલી ‘દાયરા’ એક ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે, જેમાં કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં હૈદરાબાદમાં બનેલા કેસથી પ્રેરિત છે.ફિલ્મમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) રમન કુમાર (પૃથ્વીરાજ) અને DCP અજૂની કોહલી (કરીના) બન્ને અત્યંત કાબેલ અધિકારીઓ છે. જોકે કામ કરવાની તેમની રીત અને વિચારસરણી એકબીજાથી અલગ છે. રમન કુમારનું માનવું છે કે ગુનેગારને કોર્ટમાં લઈ જતાં પહેલાં જ એન્કાઉન્ટરમાં મારી નાખવો એ ન્યાય આપવાનો વધુ સારો માર્ગ છે. બીજી તરફ અજૂની કાનૂની પ્રક્રિયા અને અધિકારોની સુરક્ષાની તરફેણ કરે છે. આ સંજોગોમાં રમન કુમાર પર ‘ફેક એન્કાઉન્ટર’નો આરોપ લાગતાં બન્ને વચ્ચે ટકરાવ થાય છે. ‘દાયરા’ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
