પંકજ ત્રિપાઠી વર્ષમાં બે વાર જન્મદિવસ ઊજવે છે. સ્કૂલના દસ્તાવેજોમાં ભૂલથી 5 સપ્ટેમ્બર જન્મતારીખ નોંધાઈ હતી, જ્યારે તેમની અસલી જન્મતારીખ 28 સપ્ટેમ્બર છે.
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ ફિલ્મી બૅકગ્રાઉન્ડ વિના પોતાની મહેનત અને દમદાર અૅક્ટિંગના આધારે ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે પંકજ ત્રિપાઠી વર્ષમાં એક નહીં પણ બે વાર પોતાનો જન્મદિવસ ઊજવે છે.
સામાન્ય રીતે પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે. જોકે તેમણે એક વખત ખુલાસો કર્યો હતો કે તેમની અસલી જન્મતારીખ પાંચ સપ્ટેમ્બર નહીં પણ ૨૮ સપ્ટેમ્બર છે અને પાંચ સપ્ટેમ્બરની તારીખ ભૂલથી સ્કૂલના દસ્તાવેજોમાં લખાઈ ગઈ હતી. આ કારણોસર પંકજ ત્રિપાઠી વર્ષમાં બે વખત જન્મદિવસ ઊજવે છે.
આ ઘટનાક્રમ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ‘મારા મોટા ભાઈ સ્કૂલમાં મારું ઍડ્મિશન કરાવવા ગયા હતા. જ્યારે તેમને દસ્તાવેજોમાં જન્મતારીખ ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને મારા જન્મનો મહિનો સપ્ટેમ્બર છે એ તો યાદ હતું, પણ તારીખ યાદ નહોતી. આવી સ્થિતિમાં સ્કૂલના શિક્ષકે તેમની મદદ કરતાં સલાહ આપી કે પાંચ સપ્ટેમ્બર લખી દો, આ દિવસ શિક્ષક દિવસ છે અને એ ખૂબ સારો છે, આના કારણે બાળક ખૂબ મોટો માણસ બનશે. મારા મોટા ભાઈએ આ વાત માની લીધી હતી.’
