પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ગિફ્ટ જરૂરી નથી, તમે મુસ્કાન સાથે કોઈને શુભેચ્છા આપી શકો
દેશભરમાં ગઈ કાલે ભવ્ય રીતે દિવાળીની ઉજવણી થઈ હતી.
દેશભરમાં ગઈ કાલે ભવ્ય રીતે દિવાળીની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યુમાં દિવાળી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ તહેવાર પાર્ટીઓનો નહીં, પ્રકાશનો તહેવાર છે. આ ઉત્સવ સાથેના પોતાના જોડાણ વિશે જણાવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘આ પ્રકાશનો તહેવાર છે. મને યાદ છે કે દિવાળીમાં બજારમાં દીવા મળતા નહોતા એથી દીવા કુંભારના ઘરેથી આવતા હતા. કપાસ પણ અન્યના ઘરેથી આવતો હતો. આનું એક સામાજિક માળખું હતું. ગામની અર્થવ્યવસ્થા પણ તહેવારોથી ચાલતી હતી. તેલ વેચાતું હતું, કપાસ વેચાતો હતો. આની એક ગ્રામીણ અર્થવ્યવસ્થા હતી. દિવાળીમાં બધા સાથે રહેવા માગતા હતા.’
દિવાળીની સંસ્કૃતિ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું, ‘આપણી સંસ્કૃતિમાં પરિવારોએ ભેગા મળીને તહેવાર મનાવવો જોઈએ. આ પણ એક સારો પાઠ છે. ઝઘડાઓથી બચવું અને ભેગા મળીને તહેવાર ઊજવવો. મને લાગે છે કે અત્યારના સમયમાં માર્કેટે એકબીજાને ગિફ્ટ આપવાની જવાબદારી વધારી દીધી છે. જોકે એ જરૂરી નથી. તમે મુસ્કાન સાથે કોઈને શુભેચ્છા આપી શકો છો, એ ભેટ જેટલું જ મહત્ત્વનું છે. તહેવારો પરિવાર અને સમુદાય પ્રત્યે જાગૃતિ લાવે છે. પરિવાર અને સૌથી નજીકના સમાજ સાથે મળીને ઉત્સવ મનાવવો જોઈએ અને એને કોઈ પાર્ટીની જેમ સેલિબ્રેટ ન કરવો જોઈએ.’

