સંસદભવનમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન : કેન્દ્રીય પ્રધાનો, સંસદસભ્યો પણ નિહાળશે ફિલ્મ
નરેન્દ્ર મોદી
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર અને છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ ઘણા સમયથી દેશભરનાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે નરેન્દ્ર મોદી સંસદભવનમાં આ ફિલ્મ જોવાના છે. ‘છાવા’ ૧૪ ફેબ્રુઆરીએ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મનું ૨૭ માર્ચે સંસદમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય પ્રધાનો, સંસદસભ્યો, આ ફિલ્મના સમગ્ર કલાકારો અને ક્રૂ હાજર રહેશે. આ સ્ક્રીનિંગ સંસદભવનના પુસ્તકાલયના બાલયોગી ઑડિટોરિયમમાં થવાનું છે. આ ફિલ્મમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર વિકી કૌશલ પણ હશે. મુઘલ શાસક ઔરંગઝેબ સામે છત્રપતિ સંભાજી મહારાજની હિંમત અને સંઘર્ષ દર્શાવતી ફિલ્મની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કર્યાના એક મહિના પછી આ ફિલ્મ હવે સંસદભવનમાં પ્રદર્શિત થઈ રહી છે.

