તેમના સંબોધનમાં ‘કૅચ ધ રેઇન’ ઝુંબેશ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા પાણીનું સંરક્ષણ કરવાના અભિયાન પર ભાર મૂક્યો હતો
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જણાવ્યું હતું કે ‘ગુઢીપાડવો અને આગામી દિવસોમાં મનાવવામાં આવનારા વિવિધ તહેવારો ભારતની વિવિધતામાં ફેલાયેલી એકતાની ભાવનાનો નિર્દેશ કરે છે. લોકોએ આ ભાવનાને વધારે મજબૂત બનાવવી જોઈએ. વિવિધ રાજ્યો નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છે, ઈદ સહિતના તહેવારો પણ ઊજવવામાં આવી રહ્યા છે અને આ તમામ તહેવારો માટે હું શુભેચ્છા પાઠવું છું.’
ઉનાળાના વેકેશનના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન થોડાં અઠવાડિયાંમાં આવી જશે. ઉનાળાના લાંબા દિવસો સ્ટુડન્ટ્સને નવા શોખ વિકસાવવા અને તેમની કુશળતાને વધુ સૂક્ષ્મ બનાવવા માટેનો સમય આપે છે.’
ADVERTISEMENT
વડા પ્રધાને વિવિધ પ્રવૃત્તિઓ ચલાવતા લોકોને ‘માયહૉલિડેઝ’ હૅશટૅગનો ઉપયોગ કરવા અને સ્ટુડન્ટ્સ અને વાલીઓને ‘હૉલિડેમેમરીઝ’ હૅશટૅગ સાથે તેમના અનુભવો શૅર કરવા વિનંતી કરી હતી.
વડા પ્રધાને તેમના સંબોધનમાં ‘કૅચ ધ રેઇન’ ઝુંબેશ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા પાણીનું સંરક્ષણ કરવાના અભિયાન પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લાં સાત-આઠ વર્ષથી આવી રીતે ૧૧ અબજ ઘનમીટરથી વધારે પાણી બચાવવામાં આવ્યું છે.
વડા પ્રધાને યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાની લોકોને વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે ભારત તરફથી માનવતાને આ એક અમૂલ્ય ભેટ છે અને ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય ઉજવણી બની ગયો છે. તેમણે નોંધ્યું હતું કે આ વર્ષની થીમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે.

