પ્રિયંકા ચોપડાએ પોતાની પ્રોડક્શન કંપની પર્પલ પેબલ પિક્ચર્સના બૅનર હેઠળ બનેલી મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ની સીક્વલ ‘વેન્ટિલેટર 2’ની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે લગભગ ૧૦ વર્ષ પછી ડિરેક્ટર રાજેશ માપુસકર પણ આ ફિલ્મ સાથે ફરી જોડાઈ રહ્યા છે.
વેન્ટિલેટર 2
પ્રિયંકા ચોપડાએ પોતાની પ્રોડક્શન કંપની પર્પલ પેબલ પિક્ચર્સના બૅનર હેઠળ બનેલી મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ની સીક્વલ ‘વેન્ટિલેટર 2’ની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે લગભગ ૧૦ વર્ષ પછી ડિરેક્ટર રાજેશ માપુસકર પણ આ ફિલ્મ સાથે ફરી જોડાઈ રહ્યા છે.
પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પહેલી ફિલ્મને યાદ કરતાં તેણે લખ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલાં પર્પલ પેબલ પિક્ચર્સ સાથે મેં નક્કી કર્યું હતું કે મારે એવી વાર્તાઓ કહેવી છે જેનો કોઈ અર્થ હોય. ‘વેન્ટિલેટર’ અમારી કંપની માટે આવી જ એક મહત્ત્વપૂર્ણ વાર્તા હતી. એક દાયકા પછી અમે ફરી એક વખત એની દુનિયામાં પાછાં ફરી રહ્યાં છીએ.’
‘વેન્ટિલેટર 2’નું નિર્માણ પ્રિયંકા ચોપડા, ડૉ. મધુ ચોપડા અને રાજેશ માપુસકર સાથે મળીને કરશે. આ ફિલ્મ પર્પલ પેબલ પિક્ચર્સ અને મૅજિક પિક્ચર્સના બૅનર હેઠળ બનાવવામાં આવશે. ફિલ્મના દિગ્દર્શન અને લેખનની જવાબદારી પણ રાજેશ માપુસકર જ સંભાળશે. આ ફિલ્મ ૨૦૨૭માં થિયેટરમાં રિલીઝ થશે. જોકે હજી સુધી એની સ્ટારકાસ્ટ અને વાર્તા વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
શું હતી વેન્ટિલેટરની વાર્તા?
૨૦૧૬માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’નું દિગ્દર્શન રાજેશ માપુસકરે કર્યું હતું. વાર્તામાં ગણેશોત્સવના થોડા સમય પહેલાં પરિવારના એક વૃદ્ધ સભ્યને હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. આ ઘટનાને પગલે પરિવારના તમામ સભ્યો હૉસ્પિટલમાં એકઠા થાય છે. આ દરમ્યાન પરિવારના સંબંધો સાથે જોડાયેલી અનેક વાતો સામે આવે છે.
‘વેન્ટિલેટર’ને ત્રણ નૅશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યા હતા. આ ફિલ્મ માટે રાજેશ માપુસકરને શ્રેષ્ઠ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો હતો, જ્યારે ફિલ્મને શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગના અવૉર્ડ પણ મળ્યા હતા.
ADVERTISEMENT
૨૦૧૮માં બની હતી ગુજરાતીમાં
મરાઠી ફિલ્મ પરથી અડૅપ્ટ કરીને બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ ૨૦૧૮માં આવી હતી. એમાં જૅકી શ્રોફ, પ્રતીક ગાંધી, સંજય ગોરડિયા, સુચિતા ત્રિવેદી, મેહુલ બુચ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. ડિરેક્શન ઉમંગ વ્યાસનું હતું.
