આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મને સેકન્ડ હાફમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે
રણવીર સિંહ અને સંજય દત્ત
રણવીર સિંહ હાલમાં આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મ ‘ધુરંધર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં આ ફિલ્મના સેટ પરથી એક વિડિયો સોશ્યલ મીડિયા પર લીક થયો હતો. આ વિડિયોમાં રણવીર લાંબા વાળના લુકમાં જોવા મળે છે જે તેના ‘પદ્માવત’ના ખિલજીના લુકની યાદ અપાવે છે. આ વિડિયોમાં સંજય દત્ત સફેદ કુરતા-પાયજામા અને શાલમાં જોવા મળે છે.
આ વિડિયોમાં રણવીર અને સંજયનો લુક જોઈને તેમના ફૅન્સ બહુ ઉત્સાહમાં આવી ગયા છે અને તેમના સપોર્ટમાં કમેન્ટ કરી રહ્યા છે. ‘ધુરંધર’ની સત્તાવાર રિલીઝ-ડેટ હજી જાહેર થઈ નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ આ વર્ષના અંત સુધી રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સંજય દત્ત ઉપરાંત આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે. આ ફિલ્મની લીડ ઍક્ટ્રેસનું નામ હજી જાહેર નથી થયું પણ મળતી માહિતી પ્રમાણે બાળકલાકાર તરીકે સારીએવી લોકપ્રિયતા મેળવનાર સારા અર્જુનને આ ફિલ્મમાં રણવીરની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે અને ખાસ વાત તો એ છે કે રણવીર અને સારા વચ્ચે લગભગ ૨૦ વર્ષનું ઉંમરનું અંતર છે.
ADVERTISEMENT
‘ધુરંધર’ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે. એમાં રણવીર એક ગુપ્તચર અધિકારીની ભૂમિકામાં છે, જ્યારે સંજય દત્ત નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના જુલાઈમાં થાઇલૅન્ડથી શરૂ થયું હતું અને અત્યાર સુધી મુંબઈ, અમ્રિતસર અને UAEમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું છે. હાલમાં ફિલ્મનું અંતિમ શૂટિંગ શેડ્યુલ મુંબઈમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મને ૨૦૨૫ના સેકન્ડ હાફમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

