ધુરંધરનાં તમામ ગીતો સ્પૉટિફાય ગ્લોબલ ટૉપ 200માં, રચાયો ઇતિહાસ
ફિલ્મનો સીન
રણવીર સિંહને ભારતીય જાસૂસ તરીકે ચમકાવતી ‘ધુરંધર’ પર પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં પ્રતિબંધ લાગ્યો હોવા છતાં ત્યાં આ ફિલ્મની લોકપ્રિયતા વધી રહી છે. ‘ધુરંધર’માં ૧૯૯૯નો કંદહાર હાઇજૅક, મુંબઈનો ૨૬/૧૧ આતંકવાદી હુમલો અને પાકિસ્તાનના લયારી વિસ્તારની ગૅન્ગ-વૉર દર્શાવવામાં આવી છે. આ વિષયો પાકિસ્તાનને ગમ્યા ન હોવાથી એના પર ત્યાં પ્રતિબંધ છે, પણ રિપોર્ટ્સ અનુસાર માત્ર બે અઠવાડિયાંમાં પાકિસ્તાનમાં એ ફિલ્મ અંદાજે ૨૦ લાખ વાર ગેરકાયદે રીતે ડાઉનલોડ થઈ છે. આ રીતે ‘ધુરંધર’ અત્યારે રજનીકાન્તની ‘2.0’ અને શાહરુખ ખાનની ‘રઈસ’ને હરાવીને પાકિસ્તાનમાં સૌથી વધુ પાઇરેટ થનારી ફિલ્મ બની છે. ભલે પાકિસ્તાનમાં બૅન લાગવાને કારણે ફિલ્મમેકર્સને નુકસાન થયું હોય, પરંતુ આખા પાકિસ્તાનમાં એ સંદેશ ફેલાઈ ગયો છે કે દેશ સંપૂર્ણ રીતે ટેરર-સ્ટેટ છે. રિપોર્ટ્સ મુજબ શ્રીલંકા, નેપાલ અને મલેશિયાના સર્વરનો ઉપયોગ કરીને ડાર્ક વેબ એક્સપર્ટ્સ પાકિસ્તાનમાં ગેરકાયદે રીતે ફિલ્મ ડાઉનલોડ કરી રહ્યા છે. એ ઉપરાંત વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) મારફત પણ ફિલ્મ ડાઉનલોડ થઈ રહી છે.
ધુરંધરનાં તમામ ગીતો સ્પૉટિફાય ગ્લોબલ ટૉપ 200માં, રચાયો ઇતિહાસ
ADVERTISEMENT
‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા તો મેળવી જ રહી છે અને આ ફિલ્મે ગીતના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મનાં બધાં જ ગીતોનો સ્પૉટિફાય ગ્લોબલ ટૉપ 200માં સમાવેશ થતાં એ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી કોઈ પણ હિન્દી ફિલ્મના સમગ્ર સાઉન્ડ-ટ્રૅકને એકસાથે ગ્લોબલ ટૉપ 200 ચાર્ટમાં સ્થાન મળ્યું નથી. સામાન્ય રીતે એકાદ ગીત જ આંતરરાષ્ટ્રીય ચાર્ટમાં પ્રવેશ કરે છે, પરંતુ ‘ધુરંધર’નાં તમામ ગીતોની લોકપ્રિયતાએ આ ધારણા તોડી નાખી છે. શ્રોતાઓ તરફથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે ફિલ્મનું મ્યુઝિક વૈશ્વિક સ્તરે સતત ચર્ચામાં છે. સંગીતપ્રેમીઓનું માનવું છે કે શક્તિશાળી કમ્પોઝિશન, આધુનિક સાઉન્ડ અને મજબૂત લિરિક્સને કારણે ‘ધુરંધર’નું મ્યુઝિક ગ્લોબલ શ્રોતાઓને આકર્ષવામાં સફળ રહ્યું છે.


