Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ડાન્સ કર્યો એ બદલ માફી માગી રિતેશ દેશમુખે

છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ડાન્સ કર્યો એ બદલ માફી માગી રિતેશ દેશમુખે

Published : 05 June, 2026 12:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રાજા શિવાજી’ની સક્સેસ-પાર્ટીની ઘટના : જોકે દારૂ પીધો હોવાનો આરોપ ફગાવ્યો...

છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ડાન્સ કર્યો એ બદલ માફી માગી રિતેશ દેશમુખે

છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ડાન્સ કર્યો એ બદલ માફી માગી રિતેશ દેશમુખે


રિતેશ દેશમુખ હાલમાં પોતાની ફિલ્મ ‘રાજા શિવાજી’ની જબરદસ્ત સફળતાનો આનંદ માણી રહ્યો છે. થોડા સમય પહેલાં યોજાયેલી ફિલ્મની સક્સેસ-પાર્ટીમાં સલમાન ખાન પણ હાજર રહ્યો હતો. જોકે આ સફળતા વચ્ચે એક એવો વિવાદ ઊભો થયો જે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ફિલ્મની આ સક્સેસ-પાર્ટીનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો જેમાં રિતેશ છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વિડિયોને લઈને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને રિતેશ પર દારૂ પીને ડાન્સ કરવાના આરોપ પણ લગાવ્યા હતા.

આ સમગ્ર મામલે હવે રિતેશે સોશ્યલ મીડિયા પર એક લાંબી નોંધ શૅર કરીને પોતાની સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે તેણે જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી. આ સાથે જ તેણે છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ડાન્સ કરવા બદલ માફી પણ માગી છે અને ટ્રોલર્સને જવાબ પણ આપ્યો છે. રિતેશે સોશ્યલ મીડિયામાં લખ્યું છે, ‘હું સંપૂર્ણ વિનમ્રતા સાથે સ્પષ્ટ કરવા માગું છું કે છત્રપતિ શિવાજી મહારાજના નામવાળું ટી-શર્ટ પહેરીને ઉજવણી કરવા પાછળ મારો કોઈ પણ પ્રકારનો અપમાન કરવાનો ઇરાદો નહોતો. હું એ ટી-શર્ટનો ઉપયોગ ફિલ્મના પ્રમોશનલ કૅમ્પેઇન દરમ્યાન કરી રહ્યો હતો. એ દિવસે પણ હું સીધો પ્રમોશનના કાર્યક્રમમાંથી આ ઇવેન્ટમાં આવ્યો હતો. ઉતાવળમાં ટી-શર્ટ બદલવાનું ધ્યાન રહ્યું નહોતું અને હું એ જ વેશમાં કાર્યક્રમમાં પહોંચી ગયો હતો.’

આ વિડિયો વાઇરલ થયા બાદ કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે રિતેશ નશાની હાલતમાં હતો. આ આરોપોનું ખંડન કરતાં રિતેશે લખ્યું હતું કે ‘મારા વિશે સોશ્યલ મીડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યા છે એના સંદર્ભમાં હું સ્પષ્ટ કરું છું કે મેં આજ સુધી મારા જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી અને ભવિષ્યમાં પણ એવું નહીં કરું. તેથી મારી સામે કરવામાં આવતા આવા તમામ આરોપો સંપૂર્ણપણે નિરાધાર અને સત્યથી ઘણા દૂર છે. જે વ્યક્તિએ આ વિડિયો રેકૉર્ડ કર્યો હતો તેને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આ એક નાનો ખાનગી કાર્યક્રમ હતો, જે માત્ર ‘રાજા શિવાજી’ ફિલ્મ માટે સાડાત્રણ વર્ષ સુધી દિવસ-રાત મહેનત કરનારા કલાકારો, ટેક્નિશ્યનો અને પડદા પાછળ કામ કરનારા સાથીદારોનો આભાર માનવા માટે યોજાયો હતો. જો મારી આ હરકતના કારણે અજાણતાં પણ કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય, તો હું દિલથી માફી માગું છું. છત્રપતિ શિવાજી મહારાજ આપણા સૌ માટે શ્રદ્ધા, પ્રેરણા અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમના પ્રત્યે મારા મનમાં જે આદર, પ્રેમ અને નિષ્ઠા છે એ હંમેશાં અડગ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK