આ બન્ને અભિનેત્રીઓએ ફિલ્મમેકર સત્યજિત રેની ફિલ્મ અરણ્યેર દિન રાત્રિના 4K રીસ્ટોરેશનની ઉજવણીમાં હાજરી આપી હતી
શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલ
ફ્રાન્સમાં યોજાઈ રહેલા ૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સોમવારે બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓ શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલે રેડ કાર્પેટ પર પોતાની ભવ્ય હાજરી નોંધાવી. આ બન્ને અભિનેત્રીઓએ ફિલ્મમેકર સત્યજિત રેની ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રિ’ના 4K રીસ્ટોરેશનની ઉજવણીમાં હાજરી આપી હતી. શર્મિલા ટાગોર કાન ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે દીકરી સબા સાથે પહોંચ્યાં હતાં અને સબાએ મમ્મી તેમ જ સિમી ગરેવાલ સાથેની તસવીરો પણ શૅર કરી છે.
‘અરણ્યેર દિન રાત્રિ’ના ખાસ પ્રીમિયર માટે પહોંચેલાં શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલ બહુ સુંદર લાગી રહ્યાં હતાં. આ ફંક્શનમાં શર્મિલાએ લીલા રંગની સાડી પસંદ કરી હતી જ્યારે સિમી ગરેવાલ સુંદર આઇવરી ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.
ADVERTISEMENT
ફિલ્મનિર્માતા સત્યજિત રેની ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રિ’ને અમેરિકન ફિલ્મનિર્માતા વેસ ઍન્ડરસનના નેતૃત્વમાં છ વર્ષમાં રીસ્ટોર કરવામાં આવી છે. રીસ્ટોરેશન પ્રોજેક્ટ ૨૦૧૯માં શરૂ થયો હતો અને હવે એને સારી રીતે રીસ્ટોર કરવામાં આવી છે.
‘અરણ્યેર દિન રાત્રિ’ સુનીલ ગંગોપાધ્યાયની નવલકથા પર આધારિત છે. આ ફિલ્મ શહેરી જીવન, સામાજિક વર્ગો વચ્ચેના તફાવતો અને આધુનિક જીવનના પડકારો વિશે છે.

