પ્રાર્થના સમાજની સર એચ.એન. રિલાયન્સ હૉસ્પિટલમાં MRI કરાવવા ગયેલા ખારના સંજય ગાંધી આ ઘટનાથી સ્તબ્ધ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કોઈ દરદી MRI કરવા માટે હૉસ્પિટલ કે ડાયગ્નૉસ્ટિક સેન્ટરમાં જાય છે ત્યારે દરદીનાં કપડાં બદલવાની સાથે તેની પાસેની તમામ વસ્તુઓ લૉકરમાં મૂકી દેવામાં આવે છે. MRI થઈ ગયા બાદ પેશન્ટને લૉકરમાં રાખેલી વસ્તુઓ પાછી આપવામાં આવે છે. જોકે દક્ષિણ મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં આવેલી સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં MRI કરવા ગયેલા ખારમાં રહેતા ગુજરાતી પેશન્ટ સંજય ગાંધીનું MRI થઈ ગયા બાદ તેઓ લૉકરમાં કપડાંની સાથે ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી લેવા ગયા ત્યારે એ ગાયબ થઈ ગયાં હતાં. આથી ચોંકી ગયેલા પેશન્ટે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ૪,૫૦,૦૦૦ રૂપિયાની જ્વેલરી અને કૅશ ચોરાઈ જવાની ફરિયાદ નોંધાવી છે.
ખારમાં રહેતા સંજય ગાંધીએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને કમરમાં દુખાવો રહેતો હતો એટલે સાંતાક્રુઝમાં ડૉ. રવિ શાહ પાસે તપાસ કરાવવા ૨૫ મેએ ગયો હતો. તેમણે મને કમરના દુખાવાનું નિદાન કરવા માટે ઓપન MRI કરવાની સલાહ આપીને સર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં જવાનું કહ્યું હતું. આથી ૨૭ મેએ હું સવારે ૧૦.૩૦ વાગ્યે હૉસ્પિટલના બીજા માળે ગયો હતો અને MRI કરવા માટેની ફી ભરી હતી. બાદમાં હું ૩ નંબરના ચેન્જિંગ રૂમમાં ગયો હતો. કપડાં બદલ્યા બાદ મને કહેવામાં આવ્યું હતું કે MRI કરતી વખતે શરીર પર કોઈ પણ પ્રકારની જ્વેલરી પહેરવાની મનાઈ છે અને પર્સ પણ સાથે નહીં રાખી શકાય એટલે આ બધું અહીંના લૉકરમાં મૂકો. આથી મારી પાસેના ૯ તોલા વજનની સોનાની ચેન, હીરાજડિત પેન્ડન્ટ, શંકર ભગવાન અને ગણેશજીનાં પેન્ડન્ટ અને ૧૬,૦૦૦ કૅશ સાથેનું પર્સ લૉકરમાં મૂક્યાં હતાં. લૉકરની ચાવી મેં સ્ટાફ પાસે માગી હતી ત્યારે ચાવી તેની પાસે જ રહેશે અને MRI થઈ ગયા બાદ બધું મળી જશે એવું કહેવામાં આવ્યું હતું. MRI થઈ ગયા બાદ હું ચેન્જિંગ રૂમમાં આવ્યો હતો. કપડાં બદલીને લૉકરમાંથી પર્સ અને જ્વેલરી લેવા ગયો ત્યારે એ ખાલી હોવાનું જોઈને હું ચોંકી ગયો હતો. હૉસ્પિટલના સ્ટાફને લૉકરમાંથી મારી વસ્તુઓ ગાયબ થઈ હોવાની જાણ કરી હતી. તેમણે બધી જગ્યાએ તપાસ કરી હતી પણ કંઈ હાથ નહોતું લાગ્યું. આથી મેં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં જઈને સાડાચાર લાખ રૂપિયાની જ્વેલરીની સાથે ૧૬,૦૦૦ રૂપિયાની કૅશ ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગૌરવ તવારે ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘અમે સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ચેન્જિંગ રૂમમાં આવેલા લૉકરમાંથી સંજય ગાંધીની જ્વેલરી અને કૅશ મળીને ૪,૬૬,૦૦૦ રૂપિયાની વસ્તુઓ ચોરી થવાની ફરિયાદ નોંધી છે. હૉસ્પિટલનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તપાસવાની સાથે અમે સ્ટાફની પૂછપરછ કરી રહ્યા છીએ.’

