શશી થરૂરે તેમણે The Ba***ds of Bollywoodનો પેઇડ રિવ્યુ કર્યો હોવાના આરોપ વિશે સ્પષ્ટતા કરી
શશી થરૂર
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ને કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે OTTનું ગોલ્ડ ગણાવીને એની ભારે પ્રશંસા કરી છે. શશી થરૂરના આ રિવ્યુ પછી તેમને ઘણા લોકોએ ટ્રોલ કર્યા છે. કેટલાક ટ્રોલર્સે તેમના પર તેમણે પેઇડ રિવ્યુ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો છે. જોકે શશી થરૂરે પોતાના સોશ્યલ મીડિયાના માધ્યમથી આ ટ્રોલર્સને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ‘હું વેચાઈ જાઉં એવો નથી મારા મિત્ર. આજ સુધી મારા કોઈ પણ અભિપ્રાય માટે કોઈએ મને નાણાકીય રીતે કે પછી અન્ય રીતે ફાયદો નથી કરાવ્યો.’
હકીકતમાં શશી થરૂરને ભારે શરદી અને ઉધરસ થઈ જતાં તેમણે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી બે દિવસનો બ્રેક લીધો હતો. આ દરમ્યાન તેમણે ‘The Ba***ds of Bollywood’ જોઈ અને તેમને આ સિરીઝ બહુ પસંદ પડી છે અને એ જોયા પછી તેમણે પોતાનો અભિપ્રાય સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.


