તપાસનાં પરિણામો પરથી એવું તારણ નીકળી રહ્યું છે કે શેફાલીના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ નહીં પણ મેડિકલ કારણો જવાબદાર હોઈ શકે છે
શેફાલી જરીવાલા
ઍક્ટ્રેસ શેફાલી જરીવાલાના એકાએક થયેલા મૃત્યુના કેસમાં તપાસ ચાલી રહી છે અને આ તપાસનાં પરિણામો પરથી એવું તારણ નીકળી રહ્યું છે કે શેફાલીના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ નહીં પણ મેડિકલ કારણો જવાબદાર હોઈ શકે છે.
૨૭ જૂને થયેલા આ મૃત્યુની તપાસ કરનારા અધિકારીઓને અને ફૉરેન્સિક નિષ્ણાતોને આ મૃત્યુ માટે જવાબદાર આરોગ્ય સંબંધિત પરિબળોને શક્ય કારણ તરીકે દર્શાવતી મહત્ત્વપૂર્ણ વિગતો મળી છે. મળતી માહિતી પ્રમાણે શેફાલી ઘણાં વર્ષોથી ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી. ૨૭ જૂનના રોજ શેફાલીએ ઘરે ધાર્મિક વિધિ માટે ઉપવાસ રાખ્યો હતો છતાં તેને ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ માટેનું રૂટીન ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. શક્યતા છે કે આ ઇન્જેક્શન હૃદય બંધ થવાનું કારણ બની શક્યું હોઈ શકે છે અને આખરે એને કારણે તેનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
૨૭ જૂને રાતે ૧૦થી ૧૧ વાગ્યા વચ્ચે તેની તબિયત ઝડપથી બગડવા લાગી હતી અને શરીરમાં આંચકા આવવા લાગ્યા હતા. આખરે તે બેભાન થઈ ગઈ હતી અને તેને તરત જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હૉસ્પિટલ સારવાર શરૂ કરે એ પહેલાં જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના સમયે અભિનેત્રી શેફાલી પતિ પરાગ ત્યાગી અને બીજા કેટલાક લોકો
સાથે હતી.
ઇન્વેસ્ટિગેશન દરમ્યાન તેના ઘરેથી જે દવાઓ જપ્ત કરવામાં આવી છે એમાં ઍન્ટિ-એજિંગ વાયલ્સ, વિટામિન સપ્લિમેન્ટ્સ અને પેટની સંભાળ સંબંધિત ગોળીઓનો સમાવેશ થાય છે. આ મામલામાં અત્યાર સુધીમાં પરિવારના સભ્યો, ઘરના સ્ટાફ અને મેડિકલ પ્રોફેશનલ્સનાં આઠ જેટલાં નિવેદનો રેકૉર્ડ કરવામાં આવ્યાં છે.
અહેવાલ છે કે પોલીસને આ કેસમાં વિવાદ કે ગેરકાયદે પ્રવૃત્તિનાં કોઈ ચિહ્નો નથી મળ્યાં. અધિકારીઓ હાલમાં પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને જપ્ત કરેલી દવાઓના લૅબોરેટરી વિશ્લેષણની રાહ જોઈ રહ્યા છે જેથી મૃત્યુનું સચોટ કારણ નક્કી કરી શકાય.

