તેનાં અસ્થિઓનું ગઈ કાલે જુહુ બીચના સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું
શેફાલી જરીવાલાનો પતિ પરાગ ત્યાગી પત્નીના દેહાંતથી એકદમ ભાંગી પડ્યો છે
શેફાલી જરીવાલાનો પતિ પરાગ ત્યાગી પત્નીના દેહાંતથી એકદમ ભાંગી પડ્યો છે. ૨૭ જૂને મોડી રાત્રે શેફાલીનું અવસાન થયું હતું અને ૨૮ જૂને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પછી ૨૯ જૂને તેનાં અસ્થિવિસર્જન કરવામાં આવ્યાં હતાં જેના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આ વિડિયોમાં પરાગ ત્યાગી પત્નીનાં અસ્થિને છાતીએ લગાડીને રડતો જોવા મળી રહ્યો છે. બીજા વિડિયોમાં તે આ અસ્થિનું જુહુ બીચ ખાતે સમુદ્રમાં વિસર્જન કરતો જોવા મળે છે.
પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલા વચ્ચે સાત વર્ષનું અંતર હતું. આ વર્ષે ઑગસ્ટમાં તેમણે પોતાની અગિયારમી ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હોત, પણ એ પહેલાં જ તેનું નિધન થઈ ગયું. શેફાલી દર વર્ષે ઘરે ગણપતિ બેસાડતી હતી. આ ઉપરાંત તે નવરાત્રિમાં દેવીની સ્થાપના કરતી અને કંજકપૂજન કરતી. શેફાલી ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા માગતી હતી તેમ જ દીકરી પણ દત્તક લેવા ઇચ્છતી હતી, પરંતુ ૪૨ વર્ષની આ ઍક્ટ્રેસનાં બધાં સપનાં અધૂરાં રહી ગયાં.

