સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય, સૂરજ પંચોલીને ચમકાવતી ફિલ્મ કેસરી વીર : લેજન્ડ ઑફ સોમનાથની જાહેરાત
ફિલ્મ ‘કેસરી વીર: લેજન્ડ ઑફ સોમનાથ’
સૂરજ પંચોલી, સુનીલ શેટ્ટી અને વિવેક ઑબેરૉય ફિલ્મ ‘કેસરી વીર: લેજન્ડ ઑફ સોમનાથ’માં પહેલી વાર સાથે જોવા મળશે. આ ઐતિહાસિક ફિલ્મ ૧૪મી સદીમાં પ્રખ્યાત સોમનાથ મંદિરનું રક્ષણ કરવા માટે બહાદુરીથી લડનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપે છે. પ્રિન્સ ધીમન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ કનુ ચૌહાણ દ્વારા ચૌહાણ સ્ટુડિયો હેઠળ કરવામાં આવશે. આ સ્ટાર ત્રિપુટી ઉપરાંત ફિલ્મમાં આકાંક્ષા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘કેસરી વીર ઃ લેજન્ડ ઑફ સોમનાથ’ના નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ ફિલ્મનું મુખ્ય પાત્ર સૂરજ પંચોલી છે જે વીર હમીરજી ગોહિલની ભૂમિકા ભજવશે. વિવેક ઑબેરૉય નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે જે તુઘલક રાજવંશનો મુખ્ય સૈનિક છે અને તે મંદિર લૂંટવા, એનો નાશ કરવા તથા હિન્દુઓને મુસ્લિમ બનાવવા આવે છે. બીજી તરફ સુનીલ શેટ્ટી એવું પાત્ર ભજવે છે જે મંદિરને બચાવવામાં મદદ કરે છે. સૂરજે તેની ભૂમિકામાં પ્રામાણિકતા ઉમેરવા તલવારબાજી અને ઘોડેસવારીની તીવ્ર તાલીમ લીધી છે. આ ઉપરાંત એવી ચર્ચા છે કે સૂરજ પંચોલીએ ફિલ્મના પ્રખ્યાત સોમનાથ મંદિર સાથેના જોડાણને કારણે માંસાહારી ખોરાક છોડી દીધો છે.