ફિલ્મનું નામ ‘સૉરી બાબુ’ કૂપર હૉસ્પિટલમાં બનેલી એક ચર્ચાસ્પદ ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે
‘સૉરી બાબુ’નું પોસ્ટર લૉન્ચ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને ૬ વર્ષ થઈ ગયાં છે, પરંતુ તેની યાદો આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે. ૨૦૨૦ની ૧૪ જૂને તેના અવસાનના સમાચાર સામે આવ્યા હતા જેણે સમગ્ર ફિલ્મઉદ્યોગ અને ચાહકોને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો કેસ આજે પણ અનેક ચર્ચાઓ અને પ્રશ્નોનું કેન્દ્ર રહ્યો છે. હવે આ જ કેસ પર આધારિત એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે જેનું નામ ‘સૉરી બાબુ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે જેના પછી સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ
ગઈ છે.
ADVERTISEMENT
ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં નિર્માતાઓએ લખ્યું હતું કે ‘સત્ય ટૂંક સમયમાં સામે આવશે. એક એવી વાર્તા જે પ્રશ્નો ઊભા કરશે, સત્યની રેખાઓ દોરી બતાવશે અને દરેક દર્શકને વિચારવા મજબૂર કરશે. એક પછી એક તમામ ચહેરા સામે આવશે.’
ફિલ્મનું નામ કેમ રખાયું સૉરી બાબુ?
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર બનેલી આ ફિલ્મનું નામ ‘સૉરી બાબુ’ કૂપર હૉસ્પિટલમાં બનેલી એક ચર્ચાસ્પદ ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવે છે કે સુશાંતના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને કરણી સેનાના નેતા સુજિત સિંહ રાઠોડ કૂપર હૉસ્પિટલના શબગૃહમાં ગયા હતા. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાં સુશાંતના પાર્થિવ દેહને જોઈને રિયા ચક્રવર્તીના મોઢેથી ‘સૉરી બાબુ’ શબ્દો નીકળ્યા હતા. જોકે આ દાવાઓની હકીકત સાબિત નથી થઈ. ફિલ્મના પોસ્ટર અને શીર્ષક પરથી સ્પષ્ટ થાય છે કે વાર્તા કૂપર હૉસ્પિટલ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ પર કેન્દ્રિત હોઈ શકે છે. હાલમાં ફિલ્મના શૂટિંગ અને રિલીઝ-તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
