તે પોતાને એક ફૅમિલીમૅન અને આદર્શો પર ચાલનાર વ્યક્તિ માને છે
સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટી ૬૪ વર્ષની વયે પણ પોતાની ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે. તે પોતાને એક ફૅમિલીમૅન અને આદર્શો પર ચાલનાર વ્યક્તિ માને છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો હતો કે પોતાના આ આદર્શોને કારણે તેણે ૪૦ કરોડ રૂપિયા મળી રહ્યા હોવા છતાં તમાકુ અને પાનમસાલાની એક જાહેરાતની ઑફરને ઠુકરાવી દીધી હતી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘મને તમાકુના પ્રોડક્ટની જાહેરાત માટે ૪૦ કરોડ રૂપિયાની ઑફર મળી હતી, પરંતુ મેં એને ઠુકરાવી દીધી હતી કારણ કે મારા માટે પૈસાથી વધારે મહત્ત્વ ઈમાનદારી અને મારા પરિવાર માટે સારા આદર્શોનું છે. મેં તેમને કહ્યું હતું કે શું તમને લાગે છે કે હું પૈસાની લાલચમાં આવી જઈશ? હું એવું કાંઈ નહીં કરું જેનાથી અહાન અને અથિયાની છબિ ખરાબ થાય. હવે તો કોઈ મારી પાસે આવા પ્રસ્તાવ લઈને આવવાની હિંમત પણ કરતું નથી. થોડા કરોડ રૂપિયા માટે હું મારા આદર્શો સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં કરું.’


