રિપોર્ટ પ્રમાણે બન્નેએ પોતાની રિલેશિનશિપનો અંત લાવવાનો નિર્ણય લઈ લીધો છે, એ. પી. ઢિલ્લોંની કૉન્સર્ટમાં તારાની તેની સાથેની નિકટતા કારણભૂત બની હોવાની ચર્ચા
તારા સુતરિયા અને વીર પહારિયાના પ્રેમપ્રકરણ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું
તારા સુતરિયા અને વીર પહારિયાની ગણતરી હજી હમણાં સુધી બૉલીવુડનાં હૅપનિંગ લવબર્ડ્સ તરીકે થતી હતી, પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે તેમણે પોતાની રિલેશનશિપનો અંત લાવવાનો નિર્ણય લઈ લીધો છે. એક ચર્ચા પ્રમાણે થોડા સમય પહેલાં સિંગર એ.પી. ઢિલ્લોંની કૉન્સર્ટમાં તારા અને એ.પી. ઢિલ્લોંની નિકટતાને લીધે તારા અને વીરના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. આ કારણે જ બન્નેએ પોતપોતાના રસ્તા અલગ કરી લીધા છે અને હવે તેમનું બ્રેક-અપ થઈ ગયું છે.
તારા અને વીર ૨૦૨૫થી ડેટ કરી રહ્યાં હતા. બન્નેને ઘણી વાર સાથે સ્પૉટ કરવામાં આવ્યાં હતાં, જે પછી તેમના સંબંધની ચર્ચા શરૂ થઈ હતી. આ પછી ૨૦૨૫ના જુલાઈમાં બન્નેએ સોશ્યલ મીડિયા પર એકબીજા સાથેની રોમૅન્ટિક તસવીરો શૅર કરીને પોતાના સંબંધને કન્ફર્મ કર્યો હતો. વીર પહેલાં તારાની રિલેશનશિપ આદર જૈન સાથે હતી.
શું થયું હતું એ.પી. ઢિલ્લોંની કૉન્સર્ટમાં?
થોડા દિવસ પહેલાં તારા અને વીર મુંબઈમાં એ. પી. ઢિલ્લોંની કૉન્સર્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. એ સમયે ચર્ચામાં આવેલા વિડિયોમાં તારા અને એ. પી. ઢિલ્લોં એકબીજાને ગળે મળતાં દેખાયાં હતાં અને એ.પી. ઢિલ્લોંએ તારાને ગાલ પર કિસ પણ કરી હતી. બન્ને ખૂબ જ નજીક દેખાતાં હતાં. આ જ સમયે કૉન્સર્ટમાંથી વીરનો એક વિડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે અપસેટ જણાતો હતો. જોકે એ પછી તારાએ સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તેને બદનામ કરવા માટે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ૬૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સાથે જ ઓરીએ પણ વીરનો એક વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે વીર ખરેખર અપસેટ નહોતો, પરંતુ ગીત પર આનંદથી ઝૂમી રહ્યો હતો અને તેના એક્સપ્રેશનને સ્માર્ટલી એડિટ કરીને ખોટી અફવા ફેલાવવામાં આવી હતી.


