ઍક્ટ્રેસ તારા સુતરિયાએ ખુલાસો કર્યો છે કે તે ડિસ્કૅલ્ક્યુલિયા નામની લર્નિંગ ડિસેબિલિટી ધરાવે છે, જેના કારણે તેને આંકડા અને ગણિત સમજવામાં મુશ્કેલી પડે છે. તેણે નાણાકીય બાબતો સંભાળવાના પડકારો વિશે પણ વાત કરી.
તારા સુતરિયા પીડાય છે ડિસ્કૅલ્ક્યુલિયા નામની લર્નિંગ ડિસેબિલિટીથી
ઍક્ટ્રેસ તારા સુતરિયાએ પોતાના જીવન સાથે જોડાયેલી એક એવી વાતનો ખુલાસો કર્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તારાએ જણાવ્યું કે તે ડિસ્કૅલ્ક્યુલિયા નામની લર્નિંગ ડિસેબિલિટીથી પીડાય છે. આ એક એવી લર્નિંગ ડિસેબિલિટી છે જેમાં વ્યક્તિને આંકડા અને ગણિતના ખ્યાલોને સમજવામાં અને એની સાથે કામ કરવામાં મુશ્કેલી પડે છે.
પોતાની આ સમસ્યા વિશે વાત કરતાં તારાએ સ્વીકાર્યું છે કે આ સમસ્યાને કારણે તેને આંકડાઓ સાાથે કામ કરવામાં મુશ્કેલી પડે છે. પોતાની તકલીફ વિશે વાત કરતાં તારાએ કહ્યું હતું કે ‘હું નસીબદાર છું કે મારા પપ્પા મારી નાણાકીય બાબતોમાં મારી મદદ કરે છે. એ વાત સાચી છે કે બૅન્કિંગ, પેપરવર્ક અને નાણાકીય વ્યવસ્થાપન સમજવું મહિલાઓ માટે મહત્ત્વનું છે. હું પોતાની નાણાકીય બાબતો સમજવાનો પ્રયાસ કરું છું, પણ લર્નિંગ ડિસેબિલિટીને કારણે ઘણી વખત ભૂલો થઈ જાય છે. જોકે મારી અકાઉન્ટ્સ ટીમ નાણાકીય બાબતોનાં વધુ જટિલ પાસાં સંભાળવામાં મારી મદદ કરે છે.’
યશ પર ઓળઘોળ થઈ તારા સુતરિયા
ADVERTISEMENT
કહ્યું કે તે મને મળેલી સૌથી સંવેદનશીલ વ્યક્તિઓમાંથી એક

યશની લેટેસ્ટ ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ આ વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ ૨૬ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી રહી છે, છતાં દર્શકો તરફથી એને મિક્સ રિવ્યુ મળ્યા છે.
આ સંજોગોમાં ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી તારા સુતરિયાએ યશ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું હતું કે ‘યશ મને મળેલી સૌથી સંવેદનશીલ વ્યક્તિઓમાંથી એક છે. યશ પોતાના કરતાં સામેની વ્યક્તિ વિશે વધુ વિચારે છે. આપણા ઇન્ડસ્ટ્રીમાં આવા લોકો બહુ ઓછા જોવા મળે છે. હું અત્યાર સુધી જેટલા લોકોને મળી છું એમાં તે સૌથી અલગ વ્યક્તિ છે.’
શું છે ડિસ્કૅલ્ક્યુલિયા?
ડિસ્કૅલ્ક્યુલિયા એક ચોક્કસ પ્રકારનો લર્નિંગ ડિસઑર્ડર છે જે મુખ્યત્વે વ્યક્તિની આંકડા અને ગણિતના કૉન્સેપ્ટને સમજવાની તથા એની સાથે કામ કરવાની ક્ષમતાને અસર કરે છે. આ સમસ્યાને ઘણી વખત અનૌપચારિક રીતે ‘મૅથ ડિસ્લેક્સિયા’ પણ કહેવામાં આવે છે. આ એક ન્યુરોડેવલપમેન્ટલ કન્ડિશન છે અને એ અલગ-અલગ બૌદ્ધિક ક્ષમતા તથા શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને અસર કરી શકે છે.
