સેન્સર બોર્ડની તપાસ-સમિતિએ ફિલ્મમાં કુલ ત્રણ ફેરફારો કરવા માટે સૂચના આપી હતી
ફિલ્મનો સીન
શુક્રવારે રિલીઝ થનારી કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ને રિલીઝ પહેલાં જ સેન્સર બોર્ડ તરફથી મોટો આંચકો મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેના કારણે હવે આ ફિલ્મ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માતા-પિતાની દેખરેખ હેઠળ જ જોઈ શકશે. આ નિર્ણય ફિલ્મના કેટલાક સીન અને ડાયલૉગ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સેન્સર બોર્ડની તપાસ-સમિતિએ ફિલ્મમાં કુલ ત્રણ ફેરફારો કરવા માટે સૂચના આપી હતી. એમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફાર એક રોમૅન્ટિક સીન સાથે જોડાયેલો છે જેને બોર્ડે જરૂરિયાતથી વધુ બોલ્ડ ગણાવીને નાનું કરવા કહ્યું હતું. પરિણામે ફિલ્મમાંથી અંદાજે ૧૫ સેકન્ડનો એક સીન ઘટાડવામાં આવ્યો છે. જોકે મેકર્સે એ બાબતે કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી અને તરત જ ફેરફારો સ્વીકારી લીધા છે.
ADVERTISEMENT
આ ઉપરાંત ફિલ્મના કેટલાક ડાયલૉગ્સ અને સબટાઇટલ્સમાં ઉપયોગમાં લેવાયેલા આપત્તિજનક શબ્દોને દૂર કરવા અથવા મ્યુટ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આ તમામ ફેરફારો પૂર્ણ થયા બાદ જ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.


