ધીરજકુમારના પરિવારે તેમના મૃત્યુ બાદ એક નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું કે ન્યુમોનિયાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ધીરજકુમાર
બૉલીવુડના જાણીતા ફિલ્મમેકર અને ઍક્ટર ધીરજકુમારનું ૭૯ વર્ષની વયે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં અવસાન થયું હતું અને બુધવારે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધીરજકુમારના પરિવારે તેમના મૃત્યુ બાદ એક નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું કે ન્યુમોનિયાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તબિયત વધારે બગડી જતાં ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે આ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં.
ગઈ કાલે ધીરજકુમારના પાર્થિવ દેહને હૉસ્પિટલથી અંધેરી-વેસ્ટના તેમના ઘરે લાવવામાં આવ્યો હતો જ્યાં રઝા મુરાદ, અસિતકુમાર મોદી અને અશોક પંડિત સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. ટીના ઘઈ, દીપક કાઝિર સહિત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે અંતિમ દર્શન કર્યાં હતાં.

