ઝીનત અમાને ૭૪ વર્ષની ઉંમરે રોજગાર અને કામના મહત્ત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી...
આ ઉંમરે કમાણી કરવાથી મળતી માનસિક શાંતિ મને ખૂબ ગમે છે
ઝીનત અમાને ૭૪ વર્ષની ઉંમરે રોજગાર અને કામના મહત્ત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. કામના સંદર્ભમાં ટ્રાવેલિંગ કરતી પોતાની કેટલીક તસવીરો શૅર કરતાં ઝીનતે લખ્યું હતું, ‘ગયું અઠવાડિયું ખૂબ વ્યસ્ત રહ્યું. આ ઉંમરે મને કામ મળી રહ્યું છે એ બદલ હું કેટલી આભારી છું. ફરી એક વાર કહેવા માગું છું કે ચોક્કસપણે મેં શાંતિભર્યો સમય માણ્યો છે, પરંતુ હાલમાં હું ભવિષ્ય માટે આશા ધરાવું છું. કોઈ શહેરની મુલાકાત લેવી, સ્ક્રિપ્ટ પર વિચાર કરવો, કોઈ જાહેરાતનું શૂટિંગ કરવું કે વર્કઆઉટ પૂર્ણ કરવું... મને નાનાં-નાનાં લક્ષ્યો નક્કી કરવાનું ગમે છે જે દરેક અઠવાડિયાને હેતુ આપે છે. સાચું કહું તો કમાણીથી મળતી માનસિક શાંતિ મને બહુ ગમે છે. શું તમને એવું નથી લાગતું?’
ઝીનતે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘ક્યારેક મને વિચાર આવે છે કે જો કામ મળવાનું બંધ થઈ જાય તો શું થશે? કદાચ હું બેડ પર જ પડી રહીશ અને બાળકો તથા પ્રાણીઓના વિડિયો જોતી રહીશ. હવે ૭૦ વર્ષની ઉંમર બાદ પિયાનો વગાડવો કે એપ્રન પહેરીને બેકિંગ શીખવાની પ્રેરણા નથી રહી.’


