Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાનખટાઈ: લાગણીઓને હળવે હાથે પંપાળતી ફિલ્મમાં એકથી વધુ વાર્તાના તાંતણા ગુંથવાનો પ્રયાસ

નાનખટાઈ: લાગણીઓને હળવે હાથે પંપાળતી ફિલ્મમાં એકથી વધુ વાર્તાના તાંતણા ગુંથવાનો પ્રયાસ

Published : 05 September, 2025 07:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મનું નામ, ફિલ્મનાં પાત્રો અને વાર્તાઓ - બધું જ નાનખટાઈ (Naankhatai) જેવું છે એટલે કે જે રીતે નાનખટાઈ બનાવતી વખતે તેની નાજુકાઈ અને ફરસુ પ્રકૃતિ જળવાય તેનું ધ્યાન રાખવું પડે એટલા ધ્યાનથી આ ફિલ્મ બનાવાઈ છે.

પ્રીત ગોહિલની ફિલ્મ નાનખટાઈ આજે થિએટર્સમાં રિલિઝ થઇ છે

પ્રીત ગોહિલની ફિલ્મ નાનખટાઈ આજે થિએટર્સમાં રિલિઝ થઇ છે


ફિલ્મ - નાનખટાઇ
દિગ્દર્શક - પ્રીતસિંહ ગોહિલ
કાસ્ટ - હિતેન કુમાર, મિત્ર ગઢવી, મયુર ચૌહાણ, દીક્ષા જોશી, ઈશા કંસારા, તત્સત મુન્શી, તર્જની ભાડલા, અલ્પના બુચ, કલ્પના ગાગડેકર છારા, દીપ વૈદ્ય, અર્ચન ત્રિવેદી, ચેતન દૈયા, પૂર્વાઈ પટેલ
લેખક - પ્રીતસિંહ ગોહિલ
મ્યૂઝિક -સિદ્ધાર્થ અમિત ભાવસાર
લિરિસિસ્ટ- નિરેન ભટ્ટ
સિનેમેટોગ્રાફી- આદિત્ય રાજગોપાલન નાયર
પ્રોડ્યુસર્સ - ખુશી ફિલ્મ્સ, હ્રદય શુક્લા, ગૌરવ શુક્લા બ્લેક હોર્સ પ્રોડક્શન્સ
રેટિંગઃ 2/5



ફિલ્મનું નામ, ફિલ્મનાં પાત્રો અને વાર્તાઓ - બધું જ નાનખટાઈ (Naankhatai) જેવું છે એટલે કે જે રીતે નાનખટાઈ બનાવતી વખતે તેની નાજુકાઈ અને ફરસુ પ્રકૃતિ જળવાય તેનું ધ્યાન રાખવું પડે એટલા ધ્યાનથી આ ફિલ્મ બનાવાઈ છે. ગુજરાતી ફિલ્મોમાં પહેલીવાર એન્થોલોજી ફિલ્મ આવી છે. એક કરતા વધુ વાર્તાઓને વણી લેતી આ ફિલ્મમાં કેટલાક પાસાં સબળ છે તો ક્યાંક લાગણીના તાંતણાની ગૂંથણી કાચે દોરે થઇ છે.  જો કે તમામ વાર્તાઓમાં દમ છે - વાર્તા પહોંચે છે કે નહીં તે દર્શકોએ નક્કી કરવું પડે - અમુક વાર્તા અલ્પ વિરામ પર પહોંચે છે તો અમુક પાનાં ખોવાઇ ગયા એવું લાગે.



વાર્તાઓની વાત માંડીએ તો એક વાર્તા છે જાતે દરબાર એવા રઘુવીરસિંહ અને તેની પત્ની સીતાની - ગામડેથી શહેરમાં આવેલું આ યુગલ ઘરનું ઘર થાય તેનાં સપનાં જુએ છે. ભાડાંના ઘરોમાં ઘણીવાર સામાન ખોખામાંથી બહાર નથી આવતો, તો ક્યાંક ઘર સરળતાથી મળે છે તો ભૂતનો ભય દરબારને થથરાવી નાખે છે. મિત્ર ગઢવી અને દીક્ષા જોશીએ આ યુગલના પાત્રો ભજવ્યાં છે. દર રવિવારે મોટાં ઘરો જોવા જવા, ત્યાં ક્યારેક પોતે રહેશે તો શું કરશેની કલ્પના કરવીમાં તેમની જિંદગી જીવાય છે. બીજી વાર્તા છે મૈથીલી અને રામની જેમનું સગપણ નક્કી તો થાય છે પણ વાત આગળ નથી વધતી કારણકે છોકરીના પિતાને પુરુષોમાં રસ હોવાની વાત છોકરાનાં ઘરવાળા સુધી પહોંચી જાય છે અને સંબંધ તુટી જાય છે. મૈથીલી એટલે ઇશા કંસારા અને રામ એટલે તત્સત મુન્શીનું સગપણ પણ ભાંગે છે. જો કે રામને મૈથીલી ગમે છે, તે શૅફ મૈથીલીની સાથે બચપણથી ઉગેલી પ્રેમકથા જીવવા માગે છે. આ પાત્રોએ પોતાનો વનવાસ જાતે પસંદ કર્યો છે પણ આ રામાયણમાં તેઓ ભેગાં તો નથી જ - અલગ અલગ છે કારણકે પોતાને માટે સામી વ્યક્તિ પોતાનાં માતા-પિતાને છોડે એવું એ લોકો નથી ચાહતાં. ત્રીજી વાર્તા છે હિતેન કુમાર અને કલ્પના ગાગડેકર છારાના પરિવારની જેમાં દીકરાનું પાત્ર મયુર ચૌહાણ - માઇકલે ભજવ્યું છે. મા છે ત્યાં સુધી બાપ-દીકરા વચ્ચેનું અંતર ઇસ્ત્રી કરેલી કડક વર્દી જેવું છે પણ અચાનક જ માનું નિધન થાય છે અને બાપ-દીકરાનું એકબીજા પ્રત્યેનું વલણ બદલાય છે - એકબીજાને સહારે જીવવાનું આવે ત્યારે સ્ત્રી વગરના ઘરનો માહોલ શુષ્કમાંથી કઈ રીતે હુંફાળો બને છે તે આ વાર્તામાં દર્શાવાયું છે. ઇમાનદાર કોન્સ્ટેબલ મહાદેવ બારોટનો દીકરો સૂર્યા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે અને તે જેને પ્રેમ કરે છે તે ગૌરી સાથે જિંદગી આગળ ધપાવવા માગે છે. મયુર ચૌહાણ અને તર્જની ભાડલાની લવ સ્ટોરી બાપ-દીકરાના બદલાતા સમીકરણો સાથે આગળ વધે છે.


પરફોર્મન્સઃ આ ફિલ્મને અભિનેતાઓ ખૂબ સરસ મળ્યાં છે. કોઈના ય અભિનયમાં ભૂલ કાઢવાનું મુશ્કેલ બને એમ છે. સપનાંઓ સેવતું દરબાર યુગલ હોય કે એક બીજાને જાણવાની મથામણમાં પ્રેમમાં પડતું પણ તો ય અલગ રહેતી જોડીની વાત હોય કે પછી વરની ઈમાનદારી અને દીકરાના મિજાજ વચ્ચે સંતુલન સાધનારી માવાળા પરિવારની વાત હોય - દરેક અભિનેતાએ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ઓછા સીનમાં દેખાતા હોવા છતાં ય અલ્પના બુચ, દીપ ત્રિવેદી, ભરત ઠક્કર, અર્ચન ત્રિવેદી, ચેતન દૈયા જેવા કલાકારોને ટેકો વાર્તાઓમાં જસ્ટિફાય્ડ છે. દરેકે પોતાના અભિનયનો તાંતણો સરસ પકડી રાખ્યો છે. 

સ્ક્રિપ્ટ અને દિગ્દર્શનઃ વાર્તાઓનાં તાંતણા સરસ છે, પણ ક્યાંક ગુંથણી રહી જાય એવું લાગે છે. સંવાદ ચોટદાર છે, હ્રદયસ્પર્શી છે પણ જિંદગીમાં કયા પાત્રો હંમેશા બધું જ બોલીને બતાડતા હોય છે? ફિલ્મના માધ્યમમાં શબ્દો વગર પણ વાર્તા આગળ વધી જ શકે છે - અમુક બાબતોમાં સંવાદ વગર કામ થયું હોત તો મજા આવત. વાર્તામાં પાત્રોના ભાવને સતત અંડરલાઇન કરાય તો શબ્દો પાત્ર કરતા મોટા લાગે જે ફિલ્મના માધ્યમમાં જરૂરી નથી. દિગ્દર્શક પ્રિતે આ પહેલાં "વેનિલા આઇસ્ક્રીમ" અને "ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની" ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોની ફીલ સૂંવાળી હોય છે. "વેનિલા આઇસ્ક્રીમ" તેમની સૌથી સારી ફિલ્મ છે એવું કહી શકાય. કેમેરા વર્ક અફલાતૂન છે પણ ઘરેડમાં ગોઠવાઇ ગયું હોય એવું પણ લાગે. કેમેરાના આયામો બહોળા હોય છે, તેનો ઉપયોગ વધારે સટિકતાથી થઇ શકે - જો કે અમુક દ્રશ્યોમાં એક પાત્ર બ્લર્ડ હોય અને બીજું વાત કરતું હોય એવા એંગલ સરસ વપરાયા છે. વાર્તાઓ સરસ હોય એટલે ફિલ્મ લંબાવવી જોઇએ એ જરૂરી નથી. 


ફિલ્મનું સંગીતઃ ફિલ્મનું સંગીત અને ગીતો હ્રદયસ્પર્શી છે. મેઘલી  સાંજ લોકોને ગમી જ ગયું છે. એ સિવાયનાં ગીતો પણ પાત્રોના મનોમંથનની વાત કરતાં હોય તે મિજાજના છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ માપસરનું છે, ક્યાં વાર્તા કે સંવાદોને ઓવરપાવર કરનારું નથી. 

પ્લસ પોઇન્ટઃ સંવેદનાઓની પંપાળી છે, તમારે માથે ઝીંકી નથી અને એ પ્રીસિંહ ગોહિલની શૈલી છે - એ રીતે વાર્તા કહેવામાં તે માહેર છે. ફિલ્મના સંવાદો સરસ છે. પાત્રો વાસ્તવિકતાની નજીક છે, નાટ્યાત્મકતાથી ઘણાં દૂર.

માઇનસ પોઇન્ટઃ લગભગ અઢી કલાકની આ ફિલ્મ દર્શકોને ક્યાંક ધીમી લાગી શકે છે. જિંદગીમાં ઘણી વાર્તાઓ અધુરી રહેતી જ હોય છે પણ ફિલ્મમાં દર્શકોને પૂર્ણવિરામો ગમતાં હોય છે જે નાનખટાઈ ફિલ્મની અમુક વાર્તાઓમાં રહી ગયા છે. બધી નહીં પણ તોય એકાદ વાર્તાના છેડા એકબીજાને કોઈક રીતે પણ સ્પર્શતા હોત તો દર્શકોને કંઇક મળ્યું હોવાની લાગણી થાત.

ફિલ્મ જોવી કે નહીંઃ ધીમી ફિલ્મો ગમતી હોય - સ્લો બર્ન પ્રકારની તો "નાનખટાઈ" ફિલ્મ ચોક્કસ જોવાય જો કે વાર્તાઓ ક્યાંક પહોંચશે એવી અપેક્ષાથી જોશો તો મજા નહીં આવે. સંવાદો, સંગીત અને અભિનય માટે ફિલ્મ જોવા જેવી ખરી - બાકી એક સરખો ધીમી ધારે પડતો વરસાદ જેમ ક્યારેક મનને થાક આપે એવી લાગણી થાય.

ફિલ્મો બે પ્રકારની હોય - એક એવી જેમાં વાર્તા સોલિડ હોય, ઠોસ હોય, વળાંકો સ્પષ્ટ હોય - તથા બિગિનિંગ મિડલ અને એન્ડ પણ ખબર હોય. એક એવી વાર્તા કે કથાનક જેનો બાંધો એકવડિયો હોય - બેસિકલી થિન સ્ટોરી લાઇન હોય - છતાં ય પ્રોડ્યુસર્સ ઘરેડથી અલગ ફિલ્મ બનાવવા માટે તૈયાર થાય, ડાયરેક્ટરને ટેકો આપે એ માટે પ્રોડ્યુસર્સને પણ બિરદાવવા પડે. 

પ્લસ પોઇન્ટ - અભિનય, સંગીત, સંવાદ    
માઇન્સ પોઇન્ટ - લંબાઈ, વધુ પડતા ક્લોઝઅપ્સ, અધુરપ 

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2025 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK