ઢોલિવૂડના હ્રિતિક રોશન તરીકે ઓળખાતા અભિનેતા રોનક કામદારની કેટલીક રસપ્રદ અને અજાણી વાતો જાણો.

રોનક કામદાર (ડિઝાઈન: સોહમ દવે)
એવો હસમુખો ચહેરો કે જ્યારે પણ જુઓ ત્યારે તેના સ્મિતમાંથી ફુલડાં ઝરતા હોય તેવું લાગે એવા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા એટલે રોનક કામદાર. પોતાના અભિનયથી દર્શકોના દિલમાં રાજ કરતાં અને હજારો યુવતીઓના દિલની ધડકન બનેલા અભિનેતાએ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વિશેષ ઈન્ટરવ્યુમાં તેમણે શેર કરેલી કેટલીક રસપ્રદ અને અજાણી એવી વાતોથી આજે તમને અવગત કરાવીશું, જેના વિશે તમને ખ્યાલ પણ નહીં હોય.
આજે વાત, માયાનગરી અને સપનાનું શહેર કહેવાતાં મુંબઈમાં જન્મેલા અને અમદાવાદમાં ઉછરેલા મોસ્ટ ડિઝાયરેબલમાંના એક એવા એટલે કે ગુજરાતી અભિનેતા રોનક કામદાર વિશે કરવાની છે. રોનક કામદારે અભ્યાસની સાથે સાથે જ અભિનયની શરૂઆત કરી દીધી હતી. તેમણે સ્કુલિંગ અને કોલેજ દરમિયાન નાટકોમાં કામ કરવાનુ શરૂ કર્યુ હતું. અભિનેતાએ પોતાનો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો અને ત્યાંથી જ અભિનયની સફર પણ શરૂ કરી. તેમનું સપનું મુંબઈ જઈ કામ કરવાનું ક્યારેય નહોતું, બસ એક્ટિંગ કરવી છે એ જુસ્સા સાથે તેમણે નાટકોમાં કામ કર્યુ અને આજે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારમાં તેમની ગણના થાય છે.
અભ્યાસની સાથે સાથે થિયેટર કરવાનું શરૂ કર્યુ
આર્કિટેકનો અભ્યાસ કરી ચૂકેલા રોનક કામદારને પહેલેથી જ અભિનયનો શોખ હતો. વર્ષ 2001માં તેમણે શાળામાં પહેલીવાર નાટકમાં ભાગ લીધો હતો. ત્યાર પછી જાણે રંગમંચનો એવો ચસકો લાગ્યો કે સ્ટેજના પીળા પ્રકાશ હેઠળ રોજ ઢળવા લાગ્યા. તેમણે આર્કિટેકની સાથે સાથે નાટકને પણ પોતાની જીંદગીનો એક ભાગ બનાવી દીધો. વર્ષ 2009થી તેમણે નાટક પર વધારે ભાર મુક્યો. થિયેટર સાથે જોડાયા બાદ તેમણે માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ ડિરેક્ટશન અને પ્રોડક્શનનું પણ કામ કર્યુ. અભ્યાસની સાથે સાથે તેમણે પોતાની અભિનયની કળામાં પણ સમાન ફાળો આપ્યો અને સતત મહેનત કરતા રહ્યાં. આખરે તેમની મહેનત રંગ લાવી અને ફિલ્મોની ઓફર આવવા લાગી.
આ છે તેમની પહેલી ફિલ્મ
પોતાની કારકિર્દીની શરૂઆતનો સમય યાદ કરતાં રોનકે કહ્યું કે, થિયેટર કરતાં કરતાં તેમની એક્ટિંગની ગાડી પાટા પર ચઢી. 15 વર્ષનો નાટકનો બહોળો અનુભવ પર વર્ષ 2015માં તેમને પહેલી ગુજરાતી ફિલ્મની ઓફર મળી હતી. આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતી સિનેમામાં એક નવો વળાંક આવવાની તૈયારી હતી. `છેલ્લો દિવસ` ફિલ્મે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને એક નવી દિશા આપી તેનું સ્વરુપ બદલ્યું. આ ફિલ્મના રિલીઝના થોડા સમય પહેલા જ રોનક કામદારને `હુતુતુતુ` ટાઈટલ સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી. પછી શું આ તકને સોનેરી તક સમજી અભિનેતા પોતાને એક કલાકાર તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે મહેનત કરવા લાગ્યા અને તેમની મહેનત રંગ લાવતી ગઈ.
કાઈપો છે હિન્દી ફિલ્મમાં પણ દેખાઈ ઝલક
સુશાંત સિંહની ફિલ્મમાં કામ કરવાની અચાનક તક મળવાની વાતને શેર કરતાં રોનક કામદારે કહ્યું કે,` જ્યારે મને આ કાય પો છે ફિલ્મમાં કામ કરવા અંગે કહેવામાં આવ્યું તો મેં કંઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી હતી. થિયેટર કરતો હોવાથી ફિલ્મના શૂટિંગ અને સેટ વિશે વધુ જાણી શકાશે એ વિચારીને હું તેમાં કામ કરવા માટે ઉત્સાહિત હતો. અમદાવાદમાં થયેલા આ નાનકડા શૂટિંગે મને એક મોટો અનુભવ આપ્યો. ત્યાર બાદ 2015માં અમે હુતુતુતુ શૂટ કરી અને ત્યારથી ગુજરાતી ફિલ્મો માટે રસ્તો બનતો ગયો અને હું કામ કરતો રહ્યો.`
જો કે આ દરમિયાન અભિનેતા એક્ટિંગની સાથે સાથે આર્કિટેકની પ્રેક્ટિસ પણ કરી રહ્યાં હતાં. પરંતુ પછી તેમણે ફુલ ટાઈમ અભિનયને જ આપવાનું નક્કી કર્યુ. કોરોના મહામારી આવી તેના થોડા સમય પહેલા તેમણે વિર્ચાયુ હવે તે તેમનો પુરો સમય અભિનયને જ આપશે. અભિનેતાએ `હવે થાસે બાપ રે`, `ફેમિલી સર્કસ`, `તું તો ગયો` અને `21મું ટિફિન` જેવી ફિલ્મમાં કામ કર્યુ છે.
21 નંબર શા માટે લકી..!
હાલમાં `21મું ટિફિન` ફિલ્મને કારણે ચર્ચામાં રહેલા રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવું બિલકુલ અયોગ્ય નથી. મિડ-ડે ડૉટ કૉમ સાથે વર્ષ 2021નો અનુભવ વ્યક્ત કરતાં રોનક કામદારે કહ્યું કે 21 નંબરનો આંકડો તેમના માટે ખુબ જ લકી રહ્યો છે. અભિનેતા જણાવે છે કે,` મારા માટે ગત વર્ષ ખુબ જ આનંદમય અને ઉત્સાહિત રહ્યું હતું. સૌથી મહત્વની વાત 2021માં 21મું ટિફિન ફિલ્મ રિલીઝ થવી અને સાથે સાથે અનેક નવા પ્રોજેક્ટ સાઈન કરી તેના પર તૈયારીઓ શરૂ કરવી. તેથી મારા માટે 21 નંબરો આકંડો લકી રહ્યો છે.`
મોસ્ટ ડિઝાઈરેબલ મેન્સની ટાઈમ્સની યાદીમાં સામેલ
વર્ષ 2020 અને 2021માં Times 50 Most Desirable Menની યાદી બહાર પડી તેમાં પણ તેમનું નામ હતું. છે. આ યાદીમાં ભારતના 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આ યાદીમાં રૅન્કિંગ ઓનલાઈન પોલ દ્વારા થાય છે. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે આ યાદીમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા રોનક કામદાર ( Raunaq Kamdar)નું પણ નામ હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આની જાણ તેમને એક ચાહકના મેસેજ દ્વારા થઈ હતી.
થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં ભારે રસ ધરાવતાં ચોકલેટ બોય રોનક કામદારે તેમના આગામી પ્રોજેક્ટ વિશે પણ માહિતી આપી હતી. આ વર્ષમાં એટલે કે વર્ષ 2022માં તે `ચબુતરો` ફિલ્મમાં જોવા મળશે. જેમાં અભિનેતા સ્કેમ ફેમ અંજલી બારોટ સાથે સ્ક્રિન શેર કરી રહ્યાં છે. આ ઉપરાંત તે દિક્ષા જોશી સાથે `લકીરો` ફિલ્મમાં પણ પોતાના અભિનયનો ઓજસ પાથરશે.