આજે જાણીએ ગુજરાતી સુગમ સંગીતને ૨૫૦૦થી વધુ સ્વરબદ્ધ કરેલાં ગીતો અને ૩૦૦૦થી વધુ ગાયેલાં ગીતોની ભેટ આપનાર દિગ્ગજ સંગીતકાર અને ગાયક આશિત દેસાઈના જીવનનું કેટલુંક જાણવા જેવું
આશિત દેસાઈ
‘કુમકુમ કેરા પગલે માડી’ જેવો સુપરહિટ ગરબો સ્વરબદ્ધ કરનાર આશિત દેસાઈએ આજ સુધી અઢળક ગરબાઓ ગાયા, પણ આજકાલ માતાજીની કૃપાથી તેમને ગરબા લખવાનું પણ સૂઝે છે જે દર્શાવે છે કે આ કલાકારની ક્રીએટિવ જર્ની ૭૪ વર્ષની ઉંમરે પણ અડીખમ છે. આશિતભાઈ તેમનાં પત્ની હેમાબહેન સાથે સંગીતનો સાથ જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવવા માગે છે.
આજથી ત્રીસેક વર્ષ પહેલાં વડોદરાથી એક નાટક લઈને કેટલાક લોકો મુંબઈ આવ્યા હતા અને એક બેઠકમાં તેઓ ગુજરાતી સુગમ સંગીતના જાણીતા યુગલ આશિત દેસાઈ અને હેમા દેસાઈને મળ્યા. વાતમાંથી વાત નીકળી અને તેમણે કહ્યું કે આ નાટકમાં તો અમે એક મસ્ત નવો ગરબો લીધો છે; જેટલા લોકોએ સાંભળ્યો છે એ બધાને ખૂબ ગમ્યો છે, તમે સાંભળશો? સંગીતની વાત આવે અને એ પણ માનો ગરબો તો એ સાંભળવા માટેની ઉત્સુકતા આશિતભાઈ અને હેમાબહેનમાં સહજ રીતે હોવાની. તેમણે કહ્યું, સંભળાવો. ત્યાં ટેપમાંથી ગરબો વાગ્યો, ‘કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માને ઘણી ખમ્મા, ખમ્મા, ખમ્મા...’ આ સાંભળીને આશિતભાઈ અને હેમાબહેન જોરથી હસી પડ્યાં. પેલા નાટકવાળાને થયું કે તેમને આ ગીત ગમ્યું નથી. એટલે તે બોલવા લાગ્યો કે આ ગરબો તો સુપરહિટ છે, અમારા નાટકમાં અમે જ્યાં પણ ભજવ્યું છે ત્યાં બધાને આ ગરબો ખૂબ ગમ્યો છે, તમને ન ગમ્યો? તમે બન્ને કેમ હસો છો? ત્યારે હેમાબહેને કહ્યું કે ભાઈ, ગરબો તો સારો છે પણ છે કોનો? તો પેલા નાટકવાળાએ કહ્યું કે ગરબો છે, એ કોઈનો કેવી રીતે હોઈ શકે? ગરબો માતાજીનો જ હોયને. એટલે હેમાબહેન કહે કે હા, ગરબો માતાજીનો છે પણ બનાવ્યો કોણે છે? ત્યારે ફરી નાટકવાળાએ કહ્યું કે એ તો સાંભળેલો ક્યાંકથી, લોકસંગીત છે એ તો, લોકોસંગીતનું લોકશાહી જેવું છે; લોકોથી, લોકોનું અને લોકો માટે જે સંગીત છે એ જ તો લોકસંગીત છે.
ADVERTISEMENT
આ વાતને યાદ કરતાં આશિતભાઈ કહે છે, ‘આ વાત મને જીવનભર યાદ રહેશે. ‘કુમકુમ કેરા પગલે માડી’ એ ગરબો મારો પહેલો ગરબો છે જે મેં કમ્પોઝ કર્યો. શરૂઆતમાં મેં ગાયો અને એ સાંભળીને બીજા ઘણા કલાકારોએ આ ગરબો ગાયો. લોકોને એ એટલો પસંદ પડ્યો કે ઘરે-ઘરે એ ગવાતો થઈ ગયો. કેટલાક જાણકાર લોકો જાણે છે કે આ ગરબો આશિત દેસાઈનો સ્વરબદ્ધ કરેલો છે. બાકીના લોકો માટે એ માતાજીનો ગરબો છે. તેમને ગમે છે એટલે તેઓ ગાય છે. મારા માટે એ મોટી વાત છે. અત્યાર સુધીમાં મેં વધુ નહીં પણ ૧૨-૧૫ ગરબા બનાવ્યા છે, પણ માતાજીની એટલી કૃપા છે કે આજકાલ તો શબ્દો પણ સૂઝે છે. સંગીતબદ્ધ તો કરતો જ હતો પણ આજકાલ લખું પણ છું, કારણ કે જીવનના અંત સુધી મારે સંગીત ચાલુ રાખવું છે. ગીતો બનાવવાં છે અને ગાવાં પણ છે.’
આશિત દેસાઈ ગુજરાતી સુગમ સંગીતનું અત્યંત જાણીતું નામ છે. તેમણે એક સંગીતકાર તરીકે અને ગાયક તરીકે અઢળક ગીતો ગુજરાતી સુગમ સંગીતને અર્પણ કર્યાં છે. ‘આપણા જ જીવતરની, આપણી જ વાર્તામાં’, ‘હુતુતુતુ, ચાલી રમતની ઋતુ’, ‘એક પછી એક’, ‘જીવનમરણ’, ‘હાથને ચીરો તો’, ‘પેલા વરસાદનો’, ‘હો વ્હાલમાને કહેજો...’ તેમનાં હજારો ગીતોમાંથી આ કેટલાંક ખૂબ જાણીતાં ગીતો છે. સુગમ ગીતોની સાથે ઘણી ગુજરાતી ગઝલોનું પણ નિર્માણ તેમણે કર્યું છે. તેમના અવાજમાં રેકૉર્ડ થયેલા શિવ પંચાક્ષર સ્તોત્ર, શ્રીનાથજીનાં ભજનો અને કૃષ્ણ ભક્તિ અઢળક ઘરોની સવાર ભક્તિમય બનાવે છે. તેમણે તેમનાં પત્ની હેમાબહેન સાથે મળીને ઘણાં યુગલ ગીતો ગાયાં છે. આશિત અને હેમા બન્ને નામ સંગીતની દુનિયાના એવા અવાજો છે જે પ્રેક્ષકોને સાથે સાંભળવા અત્યંત પસંદ છે. આશિતભાઈએ તેમની સંપૂર્ણ કરીઅરમાં લગભગ ૨૫૦૦થી વધુ ગીતો સ્વરબદ્ધ કર્યાં છે અને ૩૦૦૦થી વધુ ગીતો ગાયાં છે.
બાળપણ
વડોદરામાં ૧૯૫૧ની ૨૮ જૂને આશિતભાઈનો નાગર પરિવારમાં જન્મ થયો. તેમના આખા પરિવારમાં બધા જ સંગીતપ્રેમી લોકો હતા. તેમના કાકા પ્રોફેશનલ તબલા-પ્લેયર હતા. મમ્મી મયૂરીબહેન હાઉસવાઇફ હતાં, પણ એક પાકી નાગર સ્ત્રીની જેમ ગરબા લખતાં અને ગાતાં. પિતા કુંજબિહારીને પણ ગાવાનો ખૂબ શોખ હતો. જેમ બાળકની આજુબાજુ જે ભાષા બોલાતી હોય એ ભાષાનું વ્યાકરણ એ બાળકને શીખવવું પડતું નથી એવી જ રીતે આશિતભાઈની આજુબાજુ સંગીત હતું એટલે તેમણે ક્યારેય કોઈ ગુરુ પાસે એ શીખ્યું નથી. એ વિશે વાત કરતાં આશિતભાઈ કહે છે, ‘સંગીતને મેં એક્સપ્લોર કર્યું છે. હું કરતો ગયો અને સમજાતું ગયું. મને યાદ છે કે એક દિવસ મમ્મી હાર્મોનિયમ વગાડતાં હતાં ત્યારે મેં તેમને પૂછ્યું કે મા, હાર્મોનિયમ કેવી રીતે આવડે? તેમણે મને હાર્મોનિયમ આપી દીધું અને કહ્યું કે હવે જો, તું સમજ કે એ કેવી રીતે વાગે. આમ જોઈને, સાંભળીને, કરીને હું શીખ્યો છું. મારા ઘરમાં એવું વાતાવરણ હતું કે વધુ ભણી રહ્યો હોય તો મમ્મી-પપ્પા કહેતાં કે છોડ, કેટલું ભણીશ; ચાલ, કંઈ ગાઈએ. હું ભણવામાં સારો જ હતો પણ સંગીત સાથે નાનપણથી જ જોડાયેલો હતો.’
ભણતર
આશિતભાઈ ૧૦ વર્ષના હતા ત્યારથી આકાશવાણીમાં ગાતા. પપ્પાની ટ્રાન્સફરવાળી જૉબ હતી એટલે બાળપણ મુંબઈ, કલકત્તા અને વડોદરા એમ જુદી-જુદી જગ્યાઓએ વીત્યું. કલકત્તાએ તેમને સંગીત સાંભળતાં શીખવ્યું. ૧૮ વર્ષની ઉંમરે વડોદરામાં મ્યુઝિક કૉલેજમાંથી તેમણે પાંચ વર્ષનો સંગીતનો ડિપ્લોમા બે જ વર્ષમાં પૂરો કરી લીધો. આ ડિગ્રી લેવાનું કારણ એ હતું કે કદાચ શિક્ષક તરીકે કોઈ જૉબ કરવી પડી તો કરી શકાય. આ સિવાય તેમણે BComની ડિગ્રી પણ લીધી. સાથે-સાથે ગાવાનું ચાલુ રાખ્યું. વડોદરા, અમદાવાદમાં એક ગાયક કલાકાર તરીકે તેમનું ખાસ્સું નામ થઈ ગયું હતું. લોકો ઓળખવા લાગ્યા હતા. કાર્યક્રમો મળવાના શરૂ થઈ ગયા હતા અને એ સમયે આકાશવાણીની એક ઓપન સ્પર્ધા હતી જેમાં ૧૮ વર્ષની ઉંમરે તેઓ શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર જીત્યા.
શરૂઆત
એ સમયે ગુજરાતમાં પણ સુગમ સંગીતમાં સારું કામ થઈ રહ્યું હતું, પરંતુ આશિતભાઈના શબ્દોમાં કહીએ તો ત્યાં ‘ચા અને વાહ’ સુધી જ એ સીમિત હતું. એક કલાકાર તરીકે પૈસા કમાવા હોય તો મુંબઈ આવવું જરૂરી હતું. આમ સંગીતની કરીઅરને આગળ ધપાવવા આશિતભાઈ ૨૪ વર્ષની ઉંમરે એકલા મુંબઈ આવ્યા. મુંબઈમાં એ સમયે દિલીપ ધોળકિયા, વિનાયક વોરા, પુરુષોત્તમ ઉપાધ્યાય, અવિનાશ વ્યાસ જેવા ધુરંધરો ગુજરાતી સંગીતમાં મોટું નામ હતા. એ બધા જ લોકો સાથે એક પછી એક તેમને કામ કરવાનો મોકો મળ્યો. એ વિશે વાત કરતાં આશિતભાઈ કહે છે, ‘મુંબઈમાં એવું કહેવાય કે રોટલો મળે પણ ઓટલો નહીં, પરંતુ મારા ત્રણ કાકાઓ મુંબઈ રહેતા એટલે મને ક્યારેય કોઈ તકલીફ પડી જ નથી. મને ઓટલો પણ મળ્યો અને રોટલો પણ. શરૂઆતમાં ગાવાના પૈસા વધુ મળતા નહીં, ધીમે-ધીમે મળતા થઈ ગયા. એ સમયે મુંબઈમાં નાની-નાની બેઠકો થતી. એમાં ગાતો થયો. એ મોટા ભાગે રાત્રે થતી. આખો દિવસ શું કરવું એમ વિચારીને એક નોકરી પણ મેં લઈ લીધી. એટલા પૈસા કમાવા લાગ્યો કે ઘરે મમ્મી-પપ્પાને પણ મોકલતો થઈ ગયો. નાના-મોટા પ્રોગ્રામ મળવા લાગ્યા અને આપણી ગાડી ચાલુ થઈ ગઈ.’
લગ્ન
એ સમયે હેમાબહેન ગાંધીધામમાં રહેતાં હતાં. સંગીતનું એક ગ્રુપ ચલાવતાં હતાં. ૧૯૭૬ની જાન્યુઆરીમાં તેમણે ત્યાં આશિતભાઈને ગાવા માટે આમંત્રણ આપ્યું. તબલા-પ્લેયર વિક્રમ પાટીલ સાથે આશિતભાઈ ત્યાં પહોંચી ગયા. પહેલી વાર હેમાબહેનને મળ્યા. તેમને ખબર પડી કે હેમાબહેન સારું ગાય છે એટલે તેમના અવાજમાં પોતાના રેકૉર્ડર પર તેમણે એક ગીત રેકૉર્ડ પણ કરી લીધું. માર્ચ મહિનામાં આશિતભાઈનો ભરૂચમાં પ્રોગ્રામ હતો, જેના માટે ફીમેલ સિંગર મળતાં નહોતાં. તેમણે હેમાબહેનને તાર કર્યો પરંતુ એ તારનો જવાબ આવ્યો નહીં એટલે હેમાબહેન ભરૂચ આવે છે કે નહીં એની તેમને ખબર નહોતી. પ્રોગ્રામના દિવસે આ રૂટની એકમાત્ર ટ્રેન હતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેના આવવાના સમયે આશિતભાઈ સ્ટેશન પર પહોંચી ગયા અને જાણે કે પહેલેથી લખાયેલું હોય એમ હેમાબહેન ત્યાં પહોંચી ગયાં. વૅલેન્ટાઇન્સ ડે જ્યારે આપણે ત્યાં નહોતો ઊજવાતો ત્યારથી એ બન્નેના જીવનમાં ૧૪ ફેબ્રુઆરીનું અનેરું મહત્ત્વ રહ્યું છે, કારણ કે આ પ્રોગ્રામનો દિવસ ૧૪ ફેબ્રુઆરી હતો. એ વિશે જણાવતાં આશિતભાઈ કહે છે, ‘આ પ્રોગ્રામમાં અમે પહેલી વાર સાથે ગાયું. મારા કાકા મારી સાથે હતા. તેમણે હેમાને પૂછી લીધું કે તારાં લગ્ન થયાં છે? અમે આશિત માટે છોકરી શોધી રહ્યા છીએ. અમે બન્ને નાગર. બન્ને જણ ગાયક એટલે આનાથી સારું શું હોઈ શકે એમ સમજીને બધા ખુશ થઈ ગયા. સંગીત અમને જોડે છે, અમને એકબીજાના પૂરક બનાવે છે. ૧૯૭૭માં અમદાવાદ ખાતે અમે બન્ને પરણી ગયાં. મુંબઈમાં અડધા રૂમથી અમે દામ્પત્યની શરૂઆત કરી. એ પછી એક રૂમ, બે રૂમ એમ ઘર મોટું થતું ગયું પણ અમે બન્ને એવાં ને એવાં જ રહ્યાં. અમારા બન્નેનો દીકરો આલાપ પણ આજે એક જાણીતો સંગીતકાર અને ગાયક છે. તેની પત્ની સ્નેહા નાટકો અને ફિલ્મોની જાણીતી લેખિકા છે. હું, હેમા, આલાપ, સ્નેહા અને અમારો પૌત્ર કવિત એમ અમારો પાંચ જણનો પરિવાર છે. અમે એક છત નીચે સુખેથી રહીએ છીએ.’
પંડિત રવિશંકર
૧૯૭૬માં આશિતભાઈને સંગીતકાર તરીકે ગુજરાત રાજ્યનો પુરસ્કાર મળ્યો હતો. ૧૯૮૯માં ગુજરાત રાજ્યનો પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર પણ તેમને મળ્યો હતો. પ્રોગ્રામ્સ માટે ઘણી ફૉરેન-ટૂર પણ તેમણે કરી. આ ઉપરાંત દૂરદર્શન પર હિન્દી ટીવી-સિરિયલ ‘ચાણક્ય’માં તેમણે સંગીત આપ્યું હતું જે લોકોને ખૂબ પસંદ પડેલું. પંડિત રવિશંકર સાથે તેમણે ૧૩ વર્ષ કામ કર્યું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પંડિતજીએ એક દિવસ મને બોલાવીને કહ્યું કે તારું નામ સાંભળ્યું છે, એક કામ માટે ૧૫ દિવસ માટે લંડન જવાનું છે. આ કામ હતું રિચર્ડ ઍટનબરોની ફિલ્મ ‘ગાંધી’નું સંગીત જે તેઓ આપી રહ્યા હતા. એમાં વૈષ્ણવ જન અને રઘુપતિ રાઘવ મેં ગાયાં હતાં. આ સિવાય ૧૯૮૨માં દિલ્હીમાં એશિયાડ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં મ્યુઝિકનું કામ પંડિતજીની આગેવાની હેઠળ થઈ રહ્યું હતું. એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું મ્યુઝિક-અરેન્જમેન્ટ મેં કરેલું, જેને કારણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એશિયાડ જ્યોતિ મેડલ પણ મળ્યો. પંડિતજી મને તેમના દીકરાની જેમ રાખતા હતા. તેમની પાસેથી હું ઘણું શીખ્યો.’
સુગમ સંગીતની સેવા
ગુજરાતી ભાષા અને એનું સંગીત કેટલું ટકશે એવી શંકાઓ સેવતા સમાજમાં સુગમ સંગીતના પ્રચાર-પ્રસાર માટે આશિત દેસાઈએ ભારતીય વિદ્યા ભવન, અંધેરી ખાતે લાગલગાટ પાંચ વર્ષ સુધી દર મહિને એક પ્રોગ્રામ ફ્રીમાં કર્યો હતો. કોવિડ પહેલાં થતા આ પ્રોગ્રામ્સમાં તેઓ બિલકુલ પૈસા લેતા નહોતા, પરંતુ તેમની સાથે આવતા બીજા મ્યુઝિશ્યનોને તો બેઝિક ભાડું આપવું જરૂરી હતું એટલે એટલો ખર્ચ થતો. જોકે એના બજેટ માટે પણ તકલીફ સર્જાઈ એટલે તેમણે એ પ્રોગ્રામ બંધ કર્યા. એ વિશે વાત કરતાં આશિતભાઈ કહે છે, ‘અમે કલાકાર તરીકે અમારાથી જેટલું થઈ શક્યું એટલું કર્યું. ધૂણી ધખાવીને અમે કાર્યરત છીએ. હેમા સુગમ સંગીતના ક્લાસિસ પણ લે છે. જે સંગીતની સેવા અમે આખું જીવન કરી એને જીવંત રાખવા માટે છેલ્લા શ્વાસ સુધી અમારા પ્રયત્ન અમે નહીં મૂકીએ.’
આશિત દેસાઈએ આ નોરતે લખેલો ગરબો
હે માતા તારો ગબ્બરમાં ડંકો વાગે
હે માડી તારો દીવડો અખંડ ખંડ જાગે
તો આવ મારા રુદિયામાં એક સૂર જાગે
એવું તો કંઈક થાયે કે રોજ રોજ
ગાઉં તું ચોકમાં બિરાજે..
કે માડી તને શત શત નમન છે
અંગ અંગ ઝણઝણતું ઝાંઝર ઝમકાવતું
તાલીઓના તાલે ઘડી આવી મલકાવ તું
માડી... ઓ માડી
એવું તો કંઈક વ્યાપો કે રોમ રોમ
ઝંકૃત થઈ અંગ અંગ નાચે
કે માડી તારો દીવડો અખંડ ખંડ જાગે
કે માડી તને શત શત નમન છે...
ગરબો કોરાવ્યો તેં દીવડો પ્રગટાવ્યો
જ્યોતના પ્રકાશે મારો મલ્લક અજવાળ્યો
માડી... ઓ માડી
એવું તો કંઈક નયનોમાં અમૃત વહાવો
જીવનને વધાવો
કે જોઉં તને ધારી ધારીને નવ રાતે
કે માડી તને શત શત નમન છે
જલદી ફાઇવ
તમારો શોખ - ક્રિકેટ જોવું મને ખૂબ ગમે. મારા પપ્પા તો એક-એક બૉલ ડાયરીમાં નોંધતા. હું એવું તો નથી કરતો પણ મૅચ જોયા પછી પણ હાઇલાઇટ્સ જોઉં અને જે ટીમ સાથે કંઈ લેવાદેવા પણ ન હોય એવી ટીમની પણ ક્રિકેટ મૅચ હોય તો ચોક્કસ જોઉં.
ફોબિયા - હું ક્લૉસ્ટ્રોફોબિક છું. મને આજે પણ લિફ્ટમાં અનઈઝી લાગે. જ્યાં સુધી બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી ઉચાટ રહે.
શું ભાવે? - હેમાના હાથની બનેલી રસોઈ. હું તેના હાથનું જ ખાઉં છું.
નવરાત્રિ કેવી ઊજવો? - અમે ૨૫ વર્ષ લેસ્ટરમાં નવરાત્રિ કરી. હવે ત્યાં એટલો પ્રેમ મળેલો કે એ અમારું બીજું ઘર બની ગયેલું. આજે અમે નવરાત્રિમાં ઘરે જ હોઈએ. હું અને હેમા શક્રાદય ગાઈએ. માતાજીના ૩-૫ ગરબા ગાઈએ. આ મારી માના સંસ્કાર છે જે અમે જાળવી રાખ્યા છે.
યાદગાર ક્ષણ – આમ તો ઘણી પણ આલાપ નાનો હતો ત્યારે ભણવામાં હોશિયાર. તેને પૂછ્યું કે બેટા, આટલા સારા માર્ક્સ આવ્યા તો તને શું જોઈએ છે? તેણે કહ્યું, મને લતાજીને મળવું છે. એક બાપ તરીકે ત્યારે મને ભરપૂર ગર્વ થયો કે મેં અને હેમાએ દીકરાને વ્યવસ્થિત સંસ્કાર આપ્યા છે. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એવું કહેવાય, પણ મેં તો ખરેખર અનુભવેલું છે. મને આલાપ પર ખૂબ ગર્વ છે.

