પીક અવર્સમાં ગાડી બ્રિજ પર અટકાવીને ૨૮ વર્ષનો યુવાન રેલિંગ પર ચડીને કૂદી પડ્યો
સર્ચ-ઑપરેશન ચલાવી રહેલી ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને ખાડીમાં ઝંપલાવનાર અનુરાગ કેસરી.
ભિવંડીના કશેળીથી થાણે તરફના બ્રિજ પર સવારના પીક અવર્સમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. યલો નંબર પ્લેટ ધરાવતી કૅબના ડ્રાઇવરે બ્રિજ પર ગાડી રોકી દીધી હતી અને નીચે ઊતર્યો હતો. થોડી જ મિનિટમાં તેણે રેલિંગ પર ચડીને નીચે ખાડીમાં ઝંપલાવી દીધું હતું. તેની આ હરકતથી એ વખતે બ્રિજ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો ચોંકી ઊઠ્યા હતા. એક રિક્ષા-ડ્રાઇવરે ત્યાર બાદ પોલીસ અને ફાયર-બ્રિગેડને આ ઘટના વિશે જાણ કરી હતી.
થાણે મ્યુનિસપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ ઑફિસર યાસીન તડવીએ કહ્યું હતું કે ‘કશેળી બ્રિજ પર સવારે ૧૦.૦૭ વાગ્યે આ ઘટના બની હતી. ઘટનાની જાણ નારપોલી પોલીસને કરવામાં આવતાં પોલીસ અને ફાયર-બ્રિગેડ સહિત અમારા જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક માછીમારોની મદદથી તે વ્યક્તિની શોધ કરવામાં આવી હતી.’
પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબર પરથી તપાસ કરતાં ડ્રાઇવરનું નામ અરુણ કેસરી હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે જેણે કારમાંથી ખાડીમાં જમ્પ માર્યો તે ૨૮ વર્ષનો અનુરાગ કેસરી હતો અને તે કશેળીના જ મૈત્રી પાર્કમાં રહેતો હતો. કલાકો સુધી ખાડીમાં બોટથી તેની શોધ કરવામાં આવી હતી, પણ તે નહોતો મળી આવ્યો.

