૧૪-૧૫ વર્ષની ઉંમરે ઍથ્લેટિક્સમાં આગળ વધી રહેલી અદ્રિજા રૉયને કિસ્મત ઍક્ટિંગના ફીલ્ડ તરફ લઈ આવી. ૮-૯ વર્ષ બંગાળી ટીવી અને વેબ-સિરીઝમાં કામ કર્યા પછી અદ્રિજા એકલી મુંબઈ આવી અને અહીં કામ કર્યું.
અદ્રિજા તેેના મંગેતર વિજ્ઞેશ ઐયર સાથે
૧૪-૧૫ વર્ષની ઉંમરે ઍથ્લેટિક્સમાં આગળ વધી રહેલી અદ્રિજા રૉયને કિસ્મત ઍક્ટિંગના ફીલ્ડ તરફ લઈ આવી. ૮-૯ વર્ષ બંગાળી ટીવી અને વેબ-સિરીઝમાં કામ કર્યા પછી અદ્રિજા એકલી મુંબઈ આવી અને અહીં કામ કર્યું. કલકત્તાથી એકલા પોતાના દમ પર મુંબઈ આવી અને હાલમાં અનુપમા સિરિયલમાં રાહીના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે
૨૦૧૩નો સમય.કલકત્તામાં એક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ૧૪ વર્ષની અદ્રિજા ઍથ્લેટિક્સની પ્રૅક્ટિસ કરવા ગઈ હતી. કૉમ્પ્લેક્સની બહાર પહેલી વાર તેણે વૅનિટી વૅન જોઈ. જોઈને થોડું અટપટું લાગ્યું અને જિજ્ઞાસા થઈ કે આ છે શું? પૂછ્યું તો સમજાયું કે અહીં એક ફિલ્મનું શૂટ ચાલી રહ્યું છે. અત્યંત જાણીતા અને નામી ઍક્ટર જે આજકાલ અઢળક ફિલ્મો અને વેબ-સિરીઝમાં પણ જોવા મળે છે તે રાજેશ શર્માની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. અદ્રિજા શૂટિંગના તામજામ જોઈ જ રહી હતી ત્યારે અચાનક પ્રોડક્શનની એક વ્યક્તિએ તેને પૂછ્યું કે તું ફિલ્મમાં કામ કરીશ? ૧૪ વર્ષની ઉંમરે તે એટલું જ પૂછી શકી કે કરવાનું શું છે? તેમણે કહ્યું કે ટ્રૅક પર દોડવાનું છે. તો અદ્રિજાએ કહ્યું કે હા, હું તો ફર્સ્ટ આવું છું. તો તેમણે કહ્યું કે ના, ફર્સ્ટ નથી આવવાનું, હિરોઇનની પાછળ દોડવાનું છે. એ દિવસ યાદ કરતાં અદ્રિજા કહે છે, ‘મને એ ન ગમ્યું કે મારે સેકન્ડ આવવું પડે કે કોઈ બીજા પાછળ દોડવું પડે, પણ મેં મારી જાતને મનાવી. ત્યારે તો એ પણ નહોતી ખબર કે શૂટિંગમાં દોડાવી-દોડાવીને હાલત ખરાબ કરી નાખશે, કારણ કે ત્યાં તો એક જ સીન શૂટ કરવા માટે ઘણા રીટેક થતા હોય. એ પતાવીને હું મારા રૂટીનમાં જોડાઈ ગઈ. એ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે તે હિરોઇનની પાછળ હું દેખાતી હતી. એ પોસ્ટર જોઈને હું ખૂબ ખુશ થઈ ગઈ. એ નાની ફિલ્મ હતી, ખાસ ચાલી પણ નહીં હોય, પણ એ દિવસે અજાણતાં જ મારી અંદર એ બીજ રોપાયું કે આ કામ મને ગમે છે. જોકે ત્યારે તો મારે ઍથ્લીટ જ બનવું હતું, પણ એ પોસ્ટર મારા પર ખાસ્સી અસર કરી ગયું હતું એમ હું કહી શકું. કદાચ એ એક સંકેત હતો કે હું આ કામ કરીશ. અને જુઓ, આજે મને ઍક્ટિંગના ફીલ્ડમાં ૧૧-૧૨ વર્ષ થઈ ગયાં.’
ADVERTISEMENT
કરીઅર
અદ્રિજા રૉય આજે ઇન્ડિયન ટેલિવિઝનનું ઘણું જાણીતું નામ છે. ‘અનુપમા’ સિરિયલમાં અનુપમાની દીકરી રાહીની ભૂમિકાએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી દીધી છે. ‘અનુપમા’ પહેલાં તેણે ‘દુર્ગા ઔર ચારુ’, ‘ઇમલી’, ‘કુંડલી ભાગ્ય’ સિરિયલો પણ કરી છે. કરીઅરની શરૂઆતમાં તેણે ૮ જેટલી બંગાળી ટીવી-સિરિયલ કરી. બે બંગાળી વેબ-સિરીઝ પણ કરી હતી. કલકત્તામાં જ જન્મેલી અને મોટી થયેલી અદ્રિજા રૉય, છેલ્લાં ચારેક વર્ષથી જ મુંબઈમાં રહે છે. બંગાળી શોઝ કરતાં-કરતાં તેને લાગ્યું હતું કે તેણે હિન્દી ટીવી-સિરિયલોમાં પણ પ્રયાસ કરવો જોઈએ. આ વિશે વાત કરતાં અદ્રિજા કહે છે, ‘બંગાળીમાં મેં એક વેબ-સિરીઝ કરેલી, જેમાં એક સાઇકો-કૅરૅક્ટર મેં નિભાવેલું. એના માટે મેં મહેનત ખૂબ કરેલી, પણ જ્યારે મેં ખુદને સ્ક્રીન પર જોઈ ત્યારે એક આત્મવિશ્વાસ આવ્યો હતો કે હું એક સારી ઍક્ટર છું અને મારે મુંબઈ જવું જ જોઈએ. એ સમયગાળા દરમ્યાન ‘બૅરિસ્ટર બાબુ’ શો માટે મને કૉલ આવેલો. પણ તેમને એક જ અઠવાડિયામાં શૂટ કરવું હતું, જે મારા માટે શક્ય નહોતું. એ સમયે મારો શો ચાલુ હતો. એટલે મેં પ્રોડ્યુસર્સને કહ્યું કે મને સમય જોઈશે. શો એક વર્ષ તો ચાલ્યો. એ દરમ્યાન મેં મારી હિન્દી સિરિયલ પર કામ કર્યું. એ પછીના વર્ષે ‘બૅરિસ્ટર બાબુ’ના બીજા ભાગ ‘દુર્ગા ઔર ચારુ’ માટે મને લીડ તરીકે કામ મળ્યું અને હું મુંબઈ આવી. હું અમુક ગણતરીના ઍક્ટર્સમાંની છું જે મુંબઈ આવ્યા પછી ખાલી નથી બેઠી. એક શો હોય ત્યારે જ મને બીજો શો મળી ગયો હોય એવું બન્યું છે, પણ આ વાત માટે હું ભગવાનની અને આ શહેરની ઋણી રહીશ. મને નહોતી ખબર કે આ શહેર મારી ગણના આ રીતે કરશે. કલકત્તામાં પણ હું ટીવી કરતી હતી એટલે લોકપ્રિયતા તો ત્યાં પણ હતી જ, પરંતુ મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મુંબઈના એક મૉલમાં લોકોએ મને ઓળખી કાઢેલી અને એ દિવસે મને ખૂબ ખુશી થઈ હતી કે જેમ કલકત્તામાં લોકો ઓળખી જતા એમ મુંબઈમાં પણ જાણવા લાગ્યા છે. એ દિવસે મેં ભગવાનને થૅન્ક યુ કહેલું.’
બાળપણ
અદ્રિજાનાં પિતા અને માતા બન્ને સર્વિસ કરતાં હોવાને કારણે નાનપણમાં અદ્રિજાને સાથે રાખી શકે એમ નહોતાં. એટલે અદ્રિજા સંયુક્ત પરિવારમાં દાદા-દાદી અને કાકા-કાકી પાસે મોટી થઈ. ભણવામાં તે ઘણી આગળ હતી, પરંતુ સ્પોર્ટ્સમાં અને ખાસ કરીને ઍથ્લેટિક્સમાં તેને ખાસ્સો રસ હતો. લૉન્ગ જમ્પ અને રીલે રેસમાં તેણે રાજ્યને નૅશનલ સ્તર પર રિપ્રેઝન્ટ પણ કર્યું છે. આ વિશે વાત કરતાં અદ્રિજા કહે છે, ‘મને સ્પોર્ટ્સમાં જ આગળ વધવું હતું એ નક્કી હતું. જ્યારે હું દસમામાં આવી ત્યારે મને ઘરેથી કહેવામાં આવ્યું કે હવે ફક્ત ભણવા પર ધ્યાન દેવાનું છે, સ્પોર્ટ્સ તો થતું રહેશે. એક્ઝામ સમયે બે મહિના મારું સ્પોર્ટ્સ છોડાવવામાં આવ્યું. મિડલ-ક્લાસ પરિવાર હતો અમારો અને ઘરમાં બધા ખૂબ જ ભણેલા. એટલે ભણતરનું એક અલગ જ મહત્ત્વ હતું. એ બે મહિના મેં જે પ્રૅક્ટિસ છોડી એને કારણે હું બીજા પ્લેયર્સ કરતાં ઘણી પાછળ રહી ગઈ. મારે એ પ્રૅક્ટિસ છોડવી નહોતી જોઈતી. જેમને નથી ખબર તેમને લાગશે કે બે મહિનામાં શું છે? પણ અહીં એક-એક દિવસ મહત્ત્વનો હોય છે. જે બે મહિના મેં ગુમાવ્યા એના માટે બીજા ૪ મહિના હું મહેનત કરત તો કદાચ થઈ પણ જાત, પરંતુ હું મનથી એટલી હારી ગઈ હતી કે મને લાગ્યું કે હવે હું પહેલાં જેટલું સારું નહીં જ કરી શકું. આ દરમ્યાન મારા કાકાના એક મિત્ર હતા તેમણે મને ટીવી-સિરિયલમાં એક રોલ ઑફર કર્યો અને મેં એ લઈ લીધો. ડૂબતાને તરણાનો સહારો મળ્યો. મારો આત્મવિશ્વાસ ખૂબ જ ડામાડોળ હતો એમાં આ કામે મને બેઠા થવામાં મદદ કરી.’
ઍક્ટિંગ માટે પેરન્ટ્સ માની ગયા? આ પ્રશ્નનો જવાબ આપતાં અદ્રિજા કહે છે, ‘પેરન્ટ્સ તો માની જ ગયેલા, પણ જેમની સાથે હું રહી અને મોટી થઈ એ મારા કાકા પોતે ઍક્ટર હતા છતાં તેમની જરાય ઇચ્છા નહોતી કે હું ઍક્ટિંગ કરું. મેં તેમને કહ્યું જ નહોતું કે મેં સિરિયલમાં કામ શરૂ કર્યું છે. એક દિવસ રજાના દિવસે તેઓ ઘરે હતા અને તેમણે મારો એક પ્રોમો જોયો અને તેમને ખબર પડી ગઈ. તેઓ ખૂબ ગુસ્સે થયા, પણ તેમણે પહેલી વાત જે મને પૂછી એ એમ હતી કે તને કામના પૈસા મળે છે? તેં બરાબર કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો છે કે નહીં? ત્યારે મેં તેમને કહ્યું કે ના, હું પપ્પાને લઈને જ ગયેલી એના માટે, બધું બરાબર છે. કાકાએ મને ત્યારે સમજાવ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું અઘરું છે, આજે કામ છે અને કાલે નથી, સ્ટ્રગલ ખૂબ છે. આ બધું હું ખૂબ નાની ઉંમરથી સમજી. મેં મારી રીતે મહેનત કરી. કામ કર્યું. શીખ્યું. ક્યારેક લાગે છે મારા નસીબમાં હતું આ કામ. બાકી હું આ કામ કરીશ એ જ મને ખબર નહોતી, પણ આપોઆપ એ કામ તરફ હું વળી.’
પરિવાર અને પ્રેમ
કલકત્તામાં બાળપણમાં દાદા-દાદી પાસે ઊછરેલી અદ્રિજા મમ્મી-પપ્પા પાસે પાછી જઈ ન શકી. સિરિયલોમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે પણ કામના કલાકો અને ટ્રાવેલને પહોંચી વળવા તે એકલી જ રહેતી હતી. મુંબઈ આવ્યા પછીથી પણ અહીં એકલી જ રહે છે. અઢળક વર્ષોનો ગ્લૅમર-ઇન્ડસ્ટ્રીનો અનુભવ હતો એટલે અદ્રિજાએ નક્કી કર્યું હતું કે જીવનસાથી કોઈ ઇન્ડસ્ટ્રીની બહારથી જ શોધવો છે. આજની જનરેશન એકબીજાને ઇન્ટરનેટ કે સોશ્યલ મીડિયા થકી જ મળે છે. એ જ રીતે અદ્રિજા વિજ્ઞેશ ઐયરને મળી. બન્ને પ્રાણીપ્રેમી જીવો છે. એટલે બન્નેએ જે પહેલી વાત કરી એ હતી ઍનિમલ વેલ્ફેરની. વિજ્ઞેશને અદ્રિજા ગમી હતી, પણ તેને રીઝવવા માટે કોઈ વાત કરી નહોતી. બન્નેએ સમય લઈને એકબીજાને ઓળખ્યાં. વિજ્ઞેશ એક તામિલ બ્રાહ્મણ છે અને અદ્રિજા બંગાળી. બન્ને વચ્ચે કલ્ચરનો ભેદ તો ખરો, પણ પ્રેમ એ ભેદને દૂર કરી દે છે. આજે અદ્રિજાએ વિજ્ઞેશનું અને વિજ્ઞેશે અદ્રિજાનું કલ્ચર એ રીતે અપનાવી લીધું છે કે ભેદ સાવ મટી ગયો છે. એકબીજાને ૯ મહિના જાણ્યા પછી આ વર્ષે જ જાન્યુઆરીમાં બન્નેની સગાઈ થઈ ગઈ. પોતાના વિશે વાત કરતાં અદ્રિજા કહે છે, ‘મારાં મમ્મી-પપ્પા હજુ પણ જૉબ કરે છે, કારણ કે હજુ નિવૃત્તિને વાર છે. તેઓ રજા લઈને અહીં મુંબઈ મારી પાસે રોકાઈ જાય છે. હું દુર્ગાપૂજામાં ૪ દિવસ કલકત્તા જાઉં જ છું, કારણ કે એ હું મિસ નથી કરવા માગતી. જે પણ શોમાં કામ કરું છું ત્યાં પહેલેથી કહીને રાખું છું કે મને દુર્ગાપૂજામાં રજા જોઈશે. હવે સગાઈ થઈ ગઈ છે તો હું દિવાળીએ વિજ્ઞેશનાં મમ્મી-પપ્પા સાથે અમુક દિવસો રહું છું. હું એ પ્રકારની છોકરી છું જે કામને એનું ૧૦૦ ટકા આપે છે, પરંતુ એની સાથે પરિવારને પણ એટલું જ મહત્ત્વ આપે છે. સમય નથી આપી શકતી એટલે મહત્ત્વ નથી એવું નથી જરાય, પણ સગાઈ થઈ ગઈ એટલે તરત લગ્ન કરી જ લેવાં એવું નથી મને. વ્યક્તિ તો નક્કી જ છે. લગ્ન સમય આવ્યે કરી લઈશ.’
જલદી ફાઇવ
શોખ : અમને ફરવાનો ખૂબ શોખ છે. મને બે-ચાર દિવસની રજા મળે એટલે હું તરત જ ફરવા નીકળી જાઉં છું. કલકત્તા કરતાં તો હું આજકાલ થાઇલૅન્ડ વધુ જાઉં છું. હું થોડા સમય પહેલાં સ્વિટ્ઝરલૅન્ડ-પૅરિસ ફરવા ગઈ હતી. બર્થ-ડે પર હું ૫-૭ દિવસની રજા લઈને પ્રવાસ કરી લઉં છું.
અફસોસ - મને અફસોસ છે કે મેં નાની ઉંમરે કમાવાનું શરૂ કરી દીધું હતું, પણ મેં પૈસા બચાવ્યા નથી. મને યાદ છે કે ૨૧-૨૨ વર્ષની ઉંમરે ૭-૮ લાખનો ખર્ચ કરીને હું, મારી મિત્રને લઈને દુબઈ ફરવા ગઈ હતી. આમ મેં જલસા ખૂબ કર્યા, પણ આજે અફસોસ એ થાય છે કે પૈસા બચાવ્યા હોત તો મુંબઈમાં મસ્ત ઘર ખરીદી લીધું હોત મેં.
ડર - મને જીવનમાં ડર જેવું છે જ નહીં. મારા મનમાં એ શ્રદ્ધા છે કે તમે જીવનમાં કોઈનું ખોટું કર્યું નથી તો તમારી સાથે ખોટું થશે નહીં. એટલે મને ડર લાગતો નથી.
બકેટ લિસ્ટ - મને ઍડ્વેન્ચર ખૂબ ગમે છે. ‘ખતરોં કે ખિલાડી’ ટાઇપ શો મને કરવો ગમશે. આ સિવાય કામ તો ખૂબ કરવું જ છે. સારાં પાત્રો કરવાં છે જેને લોકોનો પ્રેમ મળતો રહે.
શું બનવું હતું અને શું બની ગયાં? - મને આજે પણ અફસોસ છે કે મારે સ્પોર્ટ્સ છોડવાનું નહોતું. મેં એ ચાલુ રાખ્યું હોત તો બની શકે કે આજે ઑલિમ્પિક્સ સુધી હું પહોંચી શકી હોત, પણ મને એ વાતનો વિશ્વાસ છે કે આવતા જન્મે એ થશે.
