સુનેત્રા પવારે વિધાનસભ્યો સાથે મીટિંગ કરી, દિલ્હીમાં પ્રફુલ પટેલે સુપ્રિયા સુળે સાથે મીટિંગ કરી
સુનેત્રા પવાર, પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુળે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP) વચ્ચે મર્જર થાય એવી વાતોએ છેલ્લા બે દિવસથી રાજ્યના રાજકારણમાં ગરમાટોલાવી દીધો છે અને કેવાં-કેવાં સમીકરણો રચાય, કોને ફાયદો થાય એની ગણતરીઓ રાજકીય પંડિતો મૂકી રહ્યા છે.
અજિત પવારના નિધન બાદ તરત જ આ શક્યતાઓ વહેતી થઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે અજિત દાદા મહાયુતિથી છૂટા પડવા માગતા હતા અને ઘરવાપસી કરવા માગતા હતા. એ વખતે આ મુદ્દો બહુ જ ચગ્યો હતો અને અજિત પવારની શરદ પવાર સાથેની છેલ્લી બેઠકનો ફોટો પણ બહુ જ વાઇરલ થયો હતો.
ADVERTISEMENT
હાલ ફરી એક વખત બન્ને NCPના મર્જરની વાતોએ જોર પકડ્યું છે. એમાં ગઈ કાલે સુનેત્રા પવાર અને પાર્થ પવારે તેમના પાંચ વિધાનસભ્યો અને પાર્ટીના અન્ય પદાધિકારીઓ સાથે લાંબી બેઠક કરી હતી. જોકે એમાં પણ કશી સ્પષ્ટ એવી કોઈ ચોખવટ કરાઈ નહોતી કે મર્જર થશે કે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં સુનેત્રા પવારે વિધાનસભ્યોને સ્પષ્ટ જ પૂછી લીધું હતું કે શું તમને NCP (SP) તરફથી કોઈનો ફોન આવ્યો હતો કે? જોકે એ બેઠક બાદ વિધાનસભ્ય દત્તાત્રય ભરણેએ પત્રકારોને કહ્યું હતું કે ‘સુનેત્રાવહિણી જે નિર્ણય લેશે એ બધા જ વિધાનસભ્યો માન્ય રાખશે, એમાં કોઈ પણ વિધાનસભ્ય નારાજ છે એવું નથી. તેમનો નિર્ણય અંતિમ રહેશે અને બધા જ વિધાનસભ્યોને માન્ય રહેશે.’
બીજી બાજુ દિલ્હીમાં NCPના પ્રફુલ પટેલે ગઈ કાલે ૩૫ મિનિટ સુધી NCP (SP)નાં સુપ્રિયા સુળે સાથે બેઠક કરી હતી. સૂત્રોના કહેવા મુજબ બન્ને NCPના મર્જર બાબતે ચર્ચા થઈ હતી. જોકે આ બાબતે બન્નેમાંથી કોઈએ પણ ફોડ પાડીને સ્પષ્ટતા કરી નહોતી.
NCPના નેતા છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘બન્ને NCPનું મર્જર થાય એમ અજિત પવાર પણ ઇચ્છતા હતા. તેમની અને જયંત પાટીલ વચ્ચે આ બાબતે એ વખતે ૪૫ મિનિટ સુધી ચર્ચા થઈ હતી. એ વખતે મેં અજિત પવારને કહ્યું પણ હતું કે તમે (અજિત પવાર) સારું નેતૃત્વ કરો છો, તમારે એકસાથે આવવું જોઈએ. એ વખતે જયંત પાટીલે કહ્યું હતું કે તમે NDA સાથે છો તો તમારા સાથી પક્ષોને એ ચાલશે કે? મેં જ તેમને કહ્યું હતું કે પક્ષના અધ્યક્ષ અજિત પવાર છે એ જોઈ લેશે. જોકે એ પછી વાત આગળ વધી નહીં. હવે અત્યારે અજિત પવાર તો નથી પણ જયંત પાટીલ છે. મીડિયાવાળા દેખાડી જ રહ્યા છે. મર્જર-મર્જરની રમત ચાલુ છે પણ મારું કહેવું એમ છે કે બન્ને તરફથી એફર્ટ લેવાવા જોઈએ.’
બન્ને પક્ષોના મર્જર બાબતે છગન ભુજબળે જે કહ્યું એનો જ તંતુ સાધીને સુનીલ તટકરેએ એવી પ્રતિક્રિયા આપી હતી કે છગન ભુજબળસાહેબ જ્યારે કઈ કહી રહ્યા છે તો એ વાતમાં દમ હશે જ.
