મેકર્સે તાજેતરમાં શોનો પ્રોમો રિલીઝ કર્યો છે
‘ઇન્ડિયા કે ટૉપ 1%’નું પ્રીમિયર સ્ટાર પ્લસ અને જિયો હૉટસ્ટાર પર કરવામાં આવશે
અનિલ કપૂરના નવા રિયલિટી શો ‘ઇન્ડિયા કે ટૉપ 1 Percent’ની જાહેરાત કરવામાં આવી છે. મેકર્સે તાજેતરમાં શોનો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં અનિલ કપૂર અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પ્રોમોમાં અનિલ કપૂર એક મીટિંગમાંથી બહાર નીકળે છે અને ટાઇ ઢીલી કરતાં કહે છે, ‘કોઈ પણ મીટિંગમાંથી નીકળો તો દિમાગનું શૉટ થઈ જાય છે. કોઈ હાર્વર્ડથી, કોઈ હાવડાથી છે. તેમની ડિગ્રીનું શું અથાણું નાખું? સરળ પ્રશ્નો પૂછો તો રટ્ટો મારેલા પોપટની જેમ પુસ્તકમાં ઘૂસી જાય છે.’
આ પછી અનિલ કપૂર કહે છે કે એવો શો બનાવવામાં આવશે જ્યાં માત્ર ડિગ્રી નહીં પણ દિમાગ ચાલશે અને કોઈ પણ યોગ્ય વ્યક્તિ ભારતના ટૉપ 1%માં સામેલ થઈ શકે છે. ‘ઇન્ડિયા કે ટૉપ 1 Percent’નું પ્રીમિયર સ્ટાર પ્લસ અને જિયો હૉટસ્ટાર પર કરવામાં આવશે. જોકે શોની રિલીઝ-ડેટની હજુ જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે આ શોમાં ભાગ લેવા માટે કોઈ કૉલેજ-ડિગ્રીની જરૂર નથી અને માત્ર મગજ, લૉજિક અને કૉમનસેન્સ ચકાસાશે. આ શો ભારતીયોની ‘જુગાડ’ ક્ષમતા અને સ્માર્ટનેસને સેલિબ્રેટ કરશે.
