અવિકા ગોરે આખરે લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ મિલિંદ ચાંદવાણી સાથે રિલેશનશિપ વધારે મજબૂત કરી
મિલિંદ અને અવિકા ૨૦૨૦થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને આખરે હવે તેમણે સગાઈ કરીને રિલેશનશિપને વધારે મજબૂત બનાવી છે
‘બાલિકા વધૂ’માં નાની આનંદીનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર અવિકા ગોરે આખરે લૉન્ગ-ટાઇમ બૉયફ્રેન્ડ મિલિંદ ચાંદવાણી સાથે સગાઈ કરી લીધી છે. અવિકાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ તસવીરો શૅર કરીને આ સગાઈના સમાચાર શૅર કર્યા છે. મિલિંદ અને અવિકા ૨૦૨૦થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને આખરે હવે તેમણે સગાઈ કરીને રિલેશનશિપને વધારે મજબૂત બનાવી છે.
મિલિંદ સોશ્યલ વર્કર છે. તેણે રિયલિટી શો ‘રોડીઝ’થી પોતાની ઓળખ બનાવી હતી. મિલિંદ અને અવિકાની મુલાકાત હૈદરાબાદમાં એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને પ્રથમ નજરે જ તેમને પ્રેમ થઈ ગયો હતો. મિલિંદનો જન્મ ૧૯૯૧ની ૨૭ માર્ચે હૈદરાબાદના કોંડાપુરમાં થયો હતો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, ભોપાલથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી બૅન્ગલોરની દયાનંદ સાગર કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી બૅચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદમાંથી MBAની ડિગ્રી હાંસલ કરી. શિક્ષણ પૂર્ણ કર્યા પછી મિલિંદે ઇન્ફોસિસમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કામ શરૂ કર્યું. જોકે થોડાં વર્ષો પછી તેણે આ કરીઅર છોડીને સામાજિક કાર્યોમાં પોતાની પસંદગીને પ્રાથમિકતા આપી.
ADVERTISEMENT
પોતાની સગાઈની જાહેરાત કરતાં અવિકાએ પોસ્ટમાં લખ્યું છે : ‘તેણે પૂછ્યું, હું મલકી, હું રડી...અને પછી જોરથી બૂમ પાડી. હું સંપૂર્ણ ફિલ્મી છું, પરંતુ તે શાંત છે. હું નખરાં કરું છું અને તે એને સ્વીકારે છે. અમે બન્ને એકબીજા માટે બન્યાં છીએ. જ્યારે તેણે પૂછ્યું ત્યારે હું ભાવુક થઈ ગઈ અને હા કહી દીધું. સાચો પ્રેમ પર્ફેક્ટ નથી હોતો, પરંતુ એ જાદુઈ હોય છે.’

