૮૩ વર્ષની ઉંમરે પણ યુવાનોને હંફાવે એવા ઉત્સાહ અને પ્રેરણા અપાવી જાય એવી શિસ્ત સાથે તેઓ ૧૨-૧૨ કલાક શૂટિંગ કરે છે
ગુજરાતી ઍક્ટર અરવિંદ વૈદ્ય
યસ, આપણે જેમને ગુજરાતી ઍક્ટર અરવિંદ વૈદ્ય તરીકે ઓળખીએ છીએ તેમનું સાચું નામ આ છે : ૩૫૦થી પણ વધુ ગુજરાતી નાટકો અને ૧૫૦થી વધુ સિરિયલોમાં કામ કરનારા અરવિંદ વૈદ્ય ૨૫ વર્ષની ઉંમર પછી ગુજરાતી ભાષા શીખ્યા : ૮૩ વર્ષની ઉંમરે પણ યુવાનોને હંફાવે એવા ઉત્સાહ અને પ્રેરણા અપાવી જાય એવી શિસ્ત સાથે તેઓ ૧૨-૧૨ કલાક શૂટિંગ કરે છે ત્યારે આવો જાણીએ આ જાણીતા કલાકાર વિશેનું જાણવા જેવું
૨૦૨૫ની ફેબ્રુઆરીનો દિવસ. ફૅમિલી સીન. અંધેરી લોખંડવાલાના વૈદ્ય હાઉસમાં ૮૩ વર્ષના અરવિંદ વૈદ્ય બીમાર પડ્યા છે. તેમનાં પત્ની જયશ્રીબહેન થોડી ચિંતામાં અને તેમની ચાકરીમાં વ્યસ્ત છે. આજે દીકરી વંદના પાઠક અને જમાઈ નીરજ પાઠક રાત્રે ઘરે પપ્પાની ખબર કાઢવા આવ્યા છે. અમેરિકામાં રહેતો દીકરો હર્ષલ અને તેની વહુનો પણ વિડિયો-કૉલ આવ્યો છે. અરવિંદભાઈની બાજુમાં એક અખબાર પડ્યું છે, જેમાં ન્યુઝ છે કે છેલ્લા એક મહિનાથી ‘અનુપમા’ સિરિયલમાં બાપુજીની ગેરહાજરી બધાને ખલી રહી છે, ફૅન્સ ઇચ્છે છે કે અરવિંદ વૈદ્ય જલદી સાજા થાય અને સિરિયલમાં પાછા ફરે. જોકે આજે છોકરાઓએ નક્કી કર્યું છે કે તેમના પિતાને સમજાવશે કે ૮૩ વર્ષે ૧૨-૧૨ કલાક શૂટિંગ કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
વંદનાબહેને ખૂબ પ્રેમથી કહ્યું કે પપ્પા, તમે ખૂબ કામ કર્યું છે જીવનભર, હવે આરામ કેમ નથી કરતા? દીકરા હર્ષલે કહ્યું કે આખું જીવન તમે અમને બધું જ આપ્યું છે જે અમને જોઈતું હતું, હવે અમે તમને આરામ આપવા માગીએ છીએ; શું જરૂર છે કામ કરવાની? લગભગ અડધો કલાક સતત બધા મળીને અરવિંદભાઈને સમજાવતા રહ્યા. તેમનાં જીવનસંગિની જયશ્રીબહેન છોકરાઓની વાત સમજતાં હતાં પરંતુ પતિને પણ ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેમણે બન્નેએ એકબીજા સામે જોયું, આંખોમાં જ વાત થઈ ગઈ અને બન્નેએ મલકી લીધું. બાળકોએ આજે નક્કી કરેલું હતું કે પપ્પાને મનાવીને જ રહીશું, પણ આખરે તે તેમના પપ્પા હતા. અરવિંદભાઈએ કહ્યું કે સારું, હું કામ મૂકી દઉં છું, પણ એના પછીના દિવસે તારે બધાને ઘરે બોલાવવા પડશે. વંદનાબહેને પૂછ્યું બધાને કેમ? તો અરવિંદભાઈએ કહ્યું કે બાપ ગુજરી જશે તો બધાને ઘરે ભેગા તો કરવા જ પડશેને. આ શબ્દોએ બાળકો ઊંચાંનીચાં થઈ ગયાં અને કબૂલ્યું કે પપ્પા, તમે કામ ચાલુ રાખો; તમને જેટલું કામ કરવું હોય એટલું કરો. ત્યારે ૮૩ વર્ષે પણ ઓરિજિનલ સિલ્કી જથ્થાદાર વાળ ધરાવતા અરવિંદ વૈદ્યએ કહ્યું, બેટા, જો મને જલદી ઠીક કરવો હોય તો કામ પર પાછું જવું જરૂરી છે, હું જીવનની અંત ક્ષણ સુધી કામ કરવા માગું છું; જે દિવસે કામ છૂટ્યું, શ્વાસ પણ છૂટી જશે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનાના બ્રેક પછી ફરી સાજા થઈને, સવારે ૭ વાગ્યાની શિફ્ટમાં એકદમ સાતના ટકોરે કોઈ યુવાનને પણ શરમાવે એવી એનર્જી સાથે ‘અનુપમા’ના બાપુજી ફરી સિરિયલના સેટ પર પાછા ફર્યા.
સાચું નામ વસંત
અરવિંદ વૈદ્ય એટલે ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલું નામ, જે પાછળથી ટીવીના માધ્યમથી પણ ઘરે-ઘરે લોકોના મનમાં વસ્યું. ‘અનુપમા’ સિરિયલના બાપુજી તરીકે ઓળખાવાનાં વર્ષો પહેલાં ગુજરાતમાં એક સમયે ‘ભલાકાકા’ના નામે તેઓ પ્રખ્યાત થયેલા. ૩૫૦થી પણ વધુ ગુજરાતી નાટકોમાં કામ કરનારા અરવિંદ વૈદ્ય ગુજરાતી નથી, તે મરાઠી છે એવું કહીએ તો કોઈ માને ખરું? એક સમયે એક વાક્ય પણ ગુજરાતીનું બોલી ન શકનાર અરવિંદભાઈએ ૨૫ વર્ષની ઉંમર પછી ગુજરાતી શીખવાનું શરૂ કર્યું હતું. તેમનું ભાષા પરનું પ્રભુત્વ અને તેમનો કરીઅર-ગ્રાફ જ એવો છે કે કોઈ ગુજરાતી માની ન શકે કે આ મરાઠી ઍક્ટર છે. મૂળ સાતારા જિલ્લાના મસુર ગામમાં ૧૯૪૧માં અરવિંદભાઈનો જન્મ થયો. તેમનું મૂળ નામ હતું વસંત અને અટક હતી ઇનામદાર. એ સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ હતાં. બે વર્ષની નાની ઉંમરે તેઓ અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા. નાનપણની વાત કરતાં અરવિંદભાઈ કહે છે, ‘અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે ભદ્ર નામના વિસ્તારમાં મોટા ભાગના મહારાષ્ટ્રિયન રહેતા. આ એરિયામાં ફક્ત બે કુટુંબ ગુજરાતીઓનાં હતાં, જે અમારાથી પણ સારું મરાઠી બોલતાં. એટલે ગુજરાતી ક્યારેય શીખ્યા જ નહીં. મારાં મરજાદી દાદી વૈદું કરતાં. ખાસ કરીને તેમની પાસે લોકો બાળકોના ઇલાજ માટે આવતા. તેમની ફી ખબર છે શું હતી? જો બાળક સારું થઈ જાય તો અમારા ઘર પાસે આવેલા કૃષ્ણ મંદિરમાં એક નારિયેળ ચડાવવાનું જેમાંથી અડધું મંદિરમાં અને અડધું અમારા ઘરે આવતું. પપ્પાનો લૉજિંગ-બોર્ડિંગનો બિઝનેસ હતો. સ્કૂલમાં મને કોઈ કળામાં ખાસ રસ નહીં. મને એક વખત પરાણે એક ડાન્સમાં રાખેલો જે બીજાને જોઈને મેં કરેલો. સ્કૂલમાં જ મારું નામ વસંતમાંથી અરવિંદ બદલાઈ ગયેલું. એનું કારણ શું હતું એ મને ખબર નથી પણ હજી મારા જૂના મિત્રો, જે હવે ૪-૫ બચ્યા છે તેઓ મને વસંત કહીને જ બોલાવે છે.’
અરવિંદ વૈદ્યનો પરિવાર.
નાટકની શરૂઆત
તો પછી ઍક્ટિંગ કરવાનું કેવી રીતે વિચાર્યું? એનો જવાબ આપતાં અરવિંદભાઈ કહે છે, ‘નાનપણમાં અમારી લૉજમાં મુંબઈથી વી. શાંતારામના ડિસ્ટ્રિબ્યુટર આવીને રોકાતા. નાટકો કરવા આવનાર મંડળી રોકાતી. એટલે અમને એ નાટકો અને ફિલ્મો ફ્રીમાં જોવા મળતાં. કદાચ એનું આકર્ષણ બાળમનમાં સ્થાપિત થયું હોય ત્યારે. એ પછી રાંભવ જોશી, જેને હું મારા ગુરુ માનું છું, તેમણે મને એક સ્ક્રિપ્ટ હાથમાં પકડાવી કહ્યું કે આ વાંચ. ૧૦-૧૫ છોકરાઓ વચ્ચે બે મરાઠીમાં જ લખેલી લાઇન વાંચતાં ફાંફાં પડી ગયેલાં મને. પણ રાંભવ જોશીએ મને મહારાષ્ટ્ર સમાજના નાટ્ય ઉત્સવમાં રાખ્યો. એક દિવસ તેમના પણ ગુરુ જશવંત ઠાકરને મળ્યો. તેમનું કામ જોઈ હું ખૂબ અભિભૂત થઈ ગયો અને તેમની પાસે જઈ તેમનાં વખાણ મેં મરાઠીમાં જ કર્યાં કારણ કે ગુજરાતી તો મને આવડતું નહોતું. તેમણે મને કહ્યું કે તને નાટક શીખવું હોય તો એચ. કે. આર્ટ્સ કૉલેજમાં નાટ્ય વિભાગ છે એમાં ઍડ્મિશન લઈ લે. ૧૯૬૬ની આ વાત છે. એ વર્ષે જ મેં લગ્ન કર્યાં હતાં અને એ જ વર્ષે મેં નાટકના ગ્રૅજ્યુએશનમાં ઍડ્મિશન લીધું. આમ ૧૯૬૬માં મારા જીવનના મૂળભૂત પ્રેમ મને મળ્યા, એક - નાટક અને બીજો - મારી પત્ની જયશ્રી.’
ગુજરાતી શીખ્યું
પિતાની લૉજ તો ચાલતી જ હતી અને જયશ્રીબહેને પણ એક જગ્યાએ અકાઉન્ટન્ટની જૉબ લઈ લીધેલી. અરવિંદભાઈને જો કોઈ નાટક કરવા મળી જાય તો તેમને પણ એક શોના સાત રૂપિયા મળવાના હતા, પણ નાટક મળવું સહેલું તો નહોતું. એની વાત કરતાં તેઓ કહે છે, ‘મને ગુજરાતી આવડતું નહોતું એટલે મને નાટક આપે કોણ? હું જે બે વાક્ય બરાબર બોલી ન શકતો એ આખું નાટક બીજી ભાષામાં કેવી રીતે કરે? મારી પાસે ઑપ્શન નહોતો. ગુજરાતી કેમ પણ કરીને શીખવી જ પડશે એ મને સમજાયું હતું. નાસ્તા માટે જે ભજિયાં આવતાં એ ભજિયાંના કાગળથી લઈને જૂનાં મૅગેઝિનો મેં વાંચવાનું શરૂ કર્યું. અમારી કૉલેજમાં આવતા કવિઓ, લેખકોનાં પણ એક પણ વક્તવ્ય મેં મિસ નથી કર્યાં. લાભશંકર ઠાકર, સુભાષ શાહ જેવા ઘણાને મેં ખૂબ-ખૂબ સાંભળ્યા. સાંભળીને શીખ્યો. ધીમે-ધીમે કામ મળવાનું શરૂ થયું, પણ તકલીફ એ હતી કે હું એકદમ શુદ્ધ ગુજરાતી બોલવા જતો. જ્યૉર્જ બર્નાર્ડ શૉની એક ખૂબ સરસ વાત છે. તેઓ કહે છે સાચું અંગ્રેજી તે જ બોલે છે જે ખુદ અંગ્રેજ નથી. જેમની પોતાની ભાષા હોય તે હંમેશાં એ ભાષાને બોલીની જેમ બોલે, તળપદી રીતે વાપરે. હું નાટકમાં શુદ્ધ ભાષા બોલું તો લોકો મારા પર હસતા હતા. મને ખરાબ લાગતું. મેં પૂછ્યું જશવંતભાઈને કે આવું કેમ થાય છે? તેમણે મને શીખવ્યું કે ‘ગયો હતો’ નહીં, તું ગયો’તો એમ બોલ; આવ્યો હતો નહીં, અમદાવાદી લહેકામાં ‘આયો તો’ બોલ. હું ગૈરહાજર બોલતો કારણ કે મરાઠીમાં એમ બોલાય. તેમણે કહ્યું, ગુજરાતીમાં ગેરહાજર હોય. આવી કેટકેટલી ભૂલો સુધારતાં-સુધારતાં આખરે ગુજરાતી આવડી ગયું.’
અમદાવાદ બન્યું કાર્યક્ષેત્ર
બસ, ગુજરાતી આવડ્યું એટલે નાટકો મળવાનું શરૂ થયું. પહેલા વર્ષે એક શોના ૭ રૂપિયા અને બીજા વર્ષથી ૧૫ રૂપિયા મળવા લાગ્યા. એ સમયે મહિનાના ૧૦-૧૫ શો થતા. નાટકની બધી જ વસ્તુ તેમણે શીખી અને પ્રોફેશનલી કરી પણ. અભિનયની સાથે-સાથે સ્ટેજ-લાઇટિંગ, સ્ટેજ-ડિઝાઇનિંગ, ડિરેક્શન, પ્રોડક્શન બધું જ તેઓ શીખ્યા. ગ્રૅજ્યુએશન પત્યું પછી એ જ કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ ગયા. ૭ વર્ષ કામ કર્યા પછી પોતાના પાકા મિત્ર મન્સૂરી સાથે મળી વૈદ્ય મન્સૂરી ગ્રુપ શરૂ કર્યું જેમાં તેઓ સ્ટેજ-શો કરતા. ૧૫ મિનિટનાં નાનાં એકાંકીઓ બનાવતા, લોકોને ખૂબ હસાવતા. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘એ સમયે નાટકમાં સ્ત્રીઓ કામ ન કરતી, છોકરાઓ જ છોકરી બનતા. એમાં હું ઘણી વાર સ્ત્રી બન્યો છું, જેના મને ૨૫૦ રૂપિયા મળતા જે મારી સાથે કામ કરતા પાંચ જણમાં વહેંચાતા. એ સમયે રંગમંચ સંબંધિત જે કામ મને મળ્યું એ બધું મેં કર્યું. નૃત્યાંગના કુમુદિની લાખિયાના એ સમયે જે કાર્યક્રમો થતા હતા એમાં લાઇટ-ડિઝાઇન હું જ કરતો, જેના દર શોના મને ૩૫ રૂપિયા મળતા. મેં નાટકોની ટિકિટ વેચવાનું કામ પણ કર્યું છે જેમાં દિવસના ૧૦૦ રૂપિયા હું કમાતો. પ્રેમાભાઈ હૉલમાં મૅનેજર તરીકે મેં ૫-૬ વર્ષ કામ કર્યું. મારું ઘર ચાલે, મારાં બાળકોને કોઈ કમી ન પડે એ ખાતર મેં કામ કર્યું પણ મારું મનગમતું કામ. નાટક સંબંધિત કોઈ પણ કામ મને નીચું લાગ્યું જ નથી એટલે મેં બધું જ કર્યું. આ દરમિયાન ઘણાં નાટકો કર્યાં અને ડિરેક્શન પણ એટલું કર્યું કે ગુજરાતી રંગમંચમાં મારું નામ થઈ ગયું. મેં અમદાવાદ દૂરદર્શનમાં પણ અઢળક કામ કર્યું. ઘણી સિરિયલો કરી. એની પહેલાં મેં ઇસરો માટે કામ કર્યું, જેમાં કેતન મહેતા અને જાહનુ બરુઆ સાથે મેં કામ કર્યું. ખેડૂતો માટેના કાર્યક્રમો અમે બનાવતા.’
મુંબઈ કૉલિંગ
તો પછી મુંબઈ આવવાનું થયું કઈ રીતે? આ પ્રશ્નનો જવાબ આપતાં અરવિંદભાઈ કહે છે, ‘મને અમદાવાદ જ રહેવું હતું. મને જે મળ્યું એનાથી હું ખુશ હતો. એક નાટક જોઈને હૃષીકેશ મુખરજીએ મને સાથે કામ કરવા પણ કહ્યું હતું પણ હું અમદાવાદમાં ખુશ હતો. વંદના, મારી દીકરીએ BSc ભણીને નાટકોમાં ભણવાનું શરૂ કર્યું અને નીરજ પાઠક સાથે પ્રેમ કરી લગ્ન કર્યાં એ પછી એ બન્નેને મુંબઈ કામ કરવું હતું. એટલે તેમને સેટલ કરવા અમે મુંબઈ આવ્યાં. એ બન્નેને તો મુંબઈ આવતાંની સાથે જ તરત કામ મળી ગયું. તેમનું ઘર ઠીક કરી હું અને મારી પત્ની બન્ને અમદાવાદ પાછાં ફર્યાં, પણ આ દરમિયાન કાન્તિ મડિયા સાથે ઓળખાણ થઈ અને તેમણે મને મુંબઈ નાટક માટે બોલાવ્યો. તેમની સાથે મેં ‘મહામાનવ’ નાટક કર્યું. એ પછી રાજેન્દ્ર બુટાલાએ મને નાટક માટે બોલાવ્યો. આમ મુંબઈનાં નાટકો શરૂ થઈ ગયાં. એ પછી અધિકારી બ્રધર્સની સિરિયલો શરૂ થઈ. પછી વંદનાએ કહ્યું કે પપ્પા, અહીં જ આવી જાઓ હવે. હું ૫૩ વર્ષની ઉંમરે પત્ની સાથે મુંબઈ શિફ્ટ થયો. એ પછી અઢળક સિરિયલોમાં કામ કર્યું. મારી કરીઅરમાં મેં ૧૫૦ જેટલી સિરિયલોમાં કામ કર્યું હશે. અઢળક નાટકો ભજવ્યાં અને ડિરેક્શન પણ ખૂબ કર્યું. નાટકો સાથે વિદેશયાત્રા પણ એટલી જ કરી.’
કોઈ વસવસો નહીં
અરવિંદભાઈના દીકરા હર્ષલ વૈદ્ય પોતાના દમ પર અમેરિકા ગયા. ત્યાં જ ભણ્યા અને વર્ષોથી CNNમાં સિનિયર મૅનેજર તરીકે કાર્યરત છે. ખુદ ખૂબ કામ કર્યું, બાળકો પણ સરસ સેટલ થઈ ગયાં એ પછી ક્યારેય લાગે છે કે જીવનમાં હજી કંઈ બાકી રહી ગયું? એ વાત પર હસતાં-હસતાં અરવિંદભાઈ કહે છે, ‘નાટકની કૉલેજમાં ઍડ્મિશન લીધું એ પછીથી એક પણ મહિનો એવો રહ્યો નથી જ્યારે મારા ખાતામાં આવક જમા ન થઈ હોય. છેક હમણાં બીમાર પડ્યો એ બે મહિનામાં એવું હતું કે અકાઉન્ટમાં એક પણ રૂપિયો જમા નથી થયો. ૭ રૂપિયાની આવકથી શરૂ કરીને લાખો રૂપિયાની આવક સુધીની આ સફરમાં મેં ક્યારેય કોઈ પાસે પૈસાની ડિમાન્ડ નથી કરી. હું કમર્શિયલ ઍક્ટર નથી, પ્રોફેશનલ ઍક્ટર છું. મુંબઈ આવતાં કચવાતો પણ એટલે જ હતો કે કામ બદલ આટલા પૈસા થશે એમ મારાથી ક્યારેય બોલાય નહીં, જે મળે એ યોગ્ય એમ માનીને બસ મેં કામ કર્યું. ઘણા લોકો કહે છે કે નાટકોમાં પૈસા નથી, પરંતુ મારું ઘર તો એનાથી ચાલ્યું છે. મને કોઈ ઓછા પૈસાની વાત કરે તો મને એમ થાય કે મારી પત્નીએ તો ૭ રૂપિયા મળતા ત્યારે પણ વગર ફરિયાદે ઘર ચલાવ્યું છે તો હવે શું? આપણે બસ, સારું કામ કરીએ એ મહત્ત્વનું છે. બાકી પૈસાનું જોવાઈ જશે.’
યાદગાર પ્રસંગ
અરવિંદભાઈએ વર્ષો પહેલાં એક નાટક કરેલું જેનું નામ હતું ‘નોખી માટી નોખા માનવી’, જે જોવા માટે મોરારજી દેસાઈ ગયેલા અને તેમની સાથે પાર્ટીના એક કાર્યકર તરીકે ગયેલા નરેન્દ્ર મોદી. એ વિશે વાત કરતાં અરવિંદભાઈ કહે છે, ‘નરેન્દ્રભાઈ મારાં ફૈબાના ઘરે ઘણી વાર જમવા આવતા. મારાં ફૈબા જનસંઘનાં કાર્યકર હતાં. એટલે તેમને ત્યારે એ રીતે મેં જોયેલા. વર્ષો પછી તે મુખ્ય પ્રધાન બન્યા અને તેમના એક ઇન્ટરવ્યુમાં તેમને કોઈએ પૂછેલું કે તમે નાટકો જોયાં છે? ત્યારે તેમણે જવાબ આપેલો કે મેં અરવિંદ વૈદ્યનું ‘નોખી માટી નોખા માનવી’ જોયું છે, તેમણે અદ્ભુત કામ કર્યું છે એમાં. આ ઇન્ટરવ્યુ વિશે મને વંદનાએ કહ્યું હતું. વંદનાના એક નાટકમાં તેમણે મારી પૂછપરછ પણ કરેલી. સાચું કહું તો એક કલાકારની આ જ કમાણી છે. જો તેમના જેવી વ્યક્તિને હું યાદ રહી જાઉં એનાથી વધુ શું જોઈએ? હવે મારા બકેટ-લિસ્ટમાં એક ઇચ્છા બચી છે. મને ‘નોખી માટી નોખા માનવી’ નાટક ફરીથી તૈયાર કરવું છે અને તેમની સામે રજૂ કરવું છે.’

