Taarak Mehta Ka Ooltah Chashmah: એક્ટ્રેસ અંબિકા આ શોની શરૂઆતથી જ જોડાયેલાં છે. તેઓઆ શો સાથે ૧૭ વર્ષથી જોડાયેલાં રહ્યાં છે. પણ, છેલ્લા ઘણા એપિસોડથી તે દેખાયાં ન્હોતાં
અંબિકા રંજનકર
ટીવી શો `તારક મહેતા કા ઉલટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah) અત્યંત લોકપ્રિય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોમાંથી ઘણા કલાકારોની એક્ઝિટ થઇ રહી છે જેને કારણે આ શો ચર્ચામાં રહે છે. જેનીફર મિસ્ત્રીથી માંડીને અનેક એક્ટર્સની એક્ઝિટ બાદ શો ઘણો ચર્ચામાં અને વિવાદમાં પણ રહ્યો છે.
આ શો (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કોમલ હાથીનું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે પણ શોમાંથી એક્ઝિટ લઇ લીધી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ અંબિકા આ શોની શરૂઆતથી જ જોડાયેલાં છે. તેઓઆ શો સાથે ૧૭ વર્ષથી જોડાયેલાં રહ્યાં છે. પણ, છેલ્લા ઘણા એપિસોડથી તે દેખાયાં ન્હોતાં. તેઓની આમ શોના એપિસોડમાંથી અચાનકથી એક્ઝિટ અંગે ચાહકો પણ મૂંઝવણમાં હતા. પણ, હવે એકટ્રેસે પોતે તે અંગે ખુલાસાભેર વાત કરી છે.
ADVERTISEMENT
મને મારા માટે થોડોક સમય જોઈતો હતો
એક્ટ્રેસ અંબિકાએ પોતે શો (Taarak Mehta Ka Ooltah Chashmah) છોડવાની વાતને અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે, "ના, મેં શો છોડ્યો જ નથી. હું હજુ પણ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો એક ભાગ છું. હું કેટલાક અંગત કારણોસર થોડા સમય માટે દૂર થઇ હતી. મને મારા માટે થોડો સમય જોઈતો હતો."
એક નવા પરિવારની એન્ટ્રી- કોણ છે આ નવા એક્ટર્સ?
મીડિયા રીપોર્ટ અનુસાર `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા`ના તાજેતરના એપિસોડમાં એક નવા પરિવારનો પ્રવેશ બતાવવામાં આવ્યો છે. જેમાં એક રાજસ્થાની દંપતી અને તેમનાં બે બાળકો ગોકુલધામ સોસાયટીમાં જોવા મળવાના છે. આ પરિવારમાં જે નાની છોકરી છે તેનું નામ બંસરી છે અને તેના ભાઈનું નામ વીર છે. તેમના પિતાનું નામ રતન અને માતાનું નામ રૂપવતી છે. રતન બીંજોલાની ભૂમિકા કુલદીપ કૌરે ભજવી છે. તે સાડીની દુકાનના માલિક છે. જ્યારે તેની પત્નીની ભૂમિકા ધરતી ભટ્ટે ભજવી છે. તે ગૃહિણી તો છે જ સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. અક્ષય સેરાવત અને માહી ભદ્રાએ આ રાજસ્થાની દંપતીનાંબાળકોની ભૂમિકા ભજવી છે.
એકબાજુ `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દિલીપ જોશી, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, મંદાર ચંદવડકર, સોનાલિકા જોશી, સુનયના ફૌજદાર અને સચિન શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. આ બધાની વચ્ચે નવા પરિવારની એન્ટ્રી થતાં જ ફરી ચાહકોમાં ખુશીની લહેર આવી છે.
જોકે, એક્ટ્રેસ અંબિકા કેમ દેખાતાં નથી? આવો પ્રશ્ન અસિત કુમાર મોદીને ઘણીવાર પૂછવામાં આવ્યો હતો ત્યારે તેઓએ સ્પષ્ટ કર્યું જ હતું કે તેઓ અંગત કારણોસર રજા પર છે. પણ, હવે જયારે સૌનાં પ્યારાં કોમલ ભાભીએ ખુદ શો છોડવાની વાતને અફવા ગણાવી છે ત્યારે ફરી ચાહકોમાં આનંદ છે.

