Mumbai Rains Updates: વરસાદ પછી શહેરની શું પરિસ્થિતિ છે તેની અફવાઓ પર નાગરિકોને વિશ્વાસ ન કરવાની વિનંતી કરી છે બીએમસીએ; સાથે જ લોકલ ટ્રેન સેવા સમયસર હોવાની જાણ પણ કરી
તસવીર સૌજન્ય : પીટીઆઇ
મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે, પરંતુ શહેરના રોજિંદા જીવનને મોટાભાગે અસર થઈ નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)એ બુધવારે જણાવ્યું હતું કે, ૨૦ ઓગસ્ટની મધ્યરાત્રિથી મુંબઈ અને તેના ઉપનગરોમાં સતત અને તૂટક તૂટક વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉપનગરીય ટ્રેન સેવાઓ (Mumbai Local Trains) અને બેસ્ટ (BEST) બસ કામગીરીને બહુ અસર થઈ ન હતી. પાલિકાએ નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બુધવારે જણાવ્યું હતું કે, મુંબઈ અને તેના ઉપનગરોમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ પડ્યો હોવા છતાં, શહેરના રોજિંદા જીવન પર કોઈ અસર પડી નથી. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, ૨૦ ઓગસ્ટની મધ્યરાત્રિથી શહેરમાં સતત અને તૂટક તૂટક વરસાદ પડી રહ્યો છે. જોકે, મધ્ય રેલવે (Central Railway), પશ્ચિમ રેલવે (Western Railway) અને હાર્બર રેલેવે (Harbour Railway) લાઇન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ તેમજ BEST બસ સેવા સરળતાથી ચાલી રહી છે.
ADVERTISEMENT
બીએમસીએ જણાવ્યું હતું કે તેની સમગ્ર મશીનરી કાર્યરત છે અને વરસાદથી ઊભી થતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. બીએમસી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘તમામ સિસ્ટમો સતર્ક છે અને કટોકટીની સ્થિતિમાં જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે.’
નાગરિકોને અપીલ કરતા, BMC એ તેમને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ફક્ત સત્તાવાર સંદેશાવ્યવહાર પર આધાર રાખવા વિનંતી કરી. કટોકટીની સ્થિતિમાં અથવા વેરિફાઇડ અપડેટ્સ માટે, રહેવાસીઓને હેલ્પલાઇન નંબર ૧૯૧૬ પર BMCના ઇમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે ૫.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૧ કલાકના સમયગાળામાં મુંબઈના કેટલાક ઉપનગરોમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો હતો.
મુંબઈમાં રાત્રે વરસાદ ચાલુ જ હતો અને બુધવારે સવારે પણ સમયાંતરે વરસાદ પડ્યો હતો. જ્યારે મધ્ય રેલવેની હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ૧૫ કલાક પછી ફરી શરૂ થઈ હતી, જેના કારણે જનજીવન ધીમે ધીમે પાટા પર આવી ગયું હતું.
દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus) અને થાણે (Thane) સ્ટેશનો વચ્ચે, મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર ઉપનગરીય સેવાઓ આઠ કલાક સુધી સ્થગિત રહ્યા બાદ મંગળવારે સાંજે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
મંગળવારે સાંજે મુંબઈમાં ભારે વરસાદના કારણે બે ખીચોખીચ ભરેલી મોનોરેલ ટ્રેનો એલિવેટેડ ટ્રેક પર સ્ટેશનો વચ્ચે ફસાઈ ગઈ હતી, જેમાં ૭૮૨ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા.
રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં બધી સેન્ટ્રલ રેલવે લાઇનો પર ટ્રેનો કાર્યરત છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઇએમડીએ મુંબઈ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેથી મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે જો જરૂરી હોય તો જ મુસાફરી કરો અને સાવધાની રાખો.
તમને જણાવી દઈએ કે, ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ આજે મુંબઈ અને ઉપનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

