જ્યારે રાયગડ જિલ્લામાં આજે પણ રેડ અલર્ટ આપવામાં આવી છે. પવન ૪૪થી પંચાવન કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર
બે દિવસ સતત અત્યંત ભારે વરસાદને કારણે પરેશાન મુંબઈગરાઓને આજે થોડીક રાહત મળે એવી સંભાવના છે. હવામાન ખાતાએ આજે મુંબઈ, થાણે અને પાલઘરમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે, જ્યારે રાયગડ જિલ્લામાં આજે પણ રેડ અલર્ટ આપવામાં આવી છે. પવન ૪૪થી પંચાવન કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. મંગળવારે બપોરે પૂરા થતા ૨૪ કલાકમાં મુંબઈ શહેરમાં ૧૮૬.૪૩ મિલીમીટર, પૂર્વનાં ઉપનગરોમાં ૨૦૮.૭૮ મિલીમીટર અને પશ્ચિમનાં ઉપનગરોમાં ૨૩૮.૧૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ૨૪ કલાકમાં મુંબઈમાં એક મહિનામાં પડતા વરસાદનો ૩૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી ૪૮ કલાક મુંબઈ અને મહારાષ્ટ્ર માટે કટોકટીભર્યા હોવાનું જણાવીને નાગરિકોને સતર્ક રહેવાનું સૂચન કર્યું છે.
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ પાણીની આવક ૯૨.૪૨ ટકા થઈ છે. જળાશયોની પૂર્ણ ક્ષમતાની ખૂબ જ નજીક હોવાથી મુંબઈનું પીવાના પાણીનું સંકટ ટળ્યું છે.
ADVERTISEMENT
રેડ અલર્ટ : અમુક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ જ છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ઑરેન્જ અલર્ટ : કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
મુંબઈમાં સ્કૂલો-કૉલેજોમાં આજે રજા નહીં
આસપાસની પાલિકાઓએ આજે પણ સ્કૂલો અને કૉલેજોમાં રજા જાહેર કરી
સોમવારે અને મંગળવારે રેડ અલર્ટના પગલે મુંબઈ અને આસપાસની પાલિકાઓએ સ્કૂલો-કૉલેજો અને શૈક્ષિણક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી. બુધવારે થાણે અને પાલઘરમાં ઑરેન્જ અલર્ટની આગાહી છે. એમ છતાં ભારે વરસાદની શક્યતા અને અનેક વિસ્તારોમાં પાણી હજી ઓસર્યાં ન હોવાથી પાલિકાઓએ આજે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. થાણે, પનવેલ અને પાલઘરની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો-કૉલેજોમાં રજા રહેશે.

