રસપ્રદ વાત એ છે કે મૉડર્ન ડિઝાઇનનાં ઍન્ક્લેટ હવે વેસ્ટર્ન વેઅર સાથે પહેરાય છે
શેલ ઍન્કલેટ્સ, પર્લ ઍન્કલેટ્સ, મલ્ટિલેયર ઍન્કલેટ્સ, બીડ ઍન્કલેટ્સ
ભારતમાં પાયલનું મહત્ત્વ ફક્ત શણગાર પૂરતું નથી પણ એને ધાર્મિક, સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પાયલ સ્ત્રીના શૃંગારનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે જે તેના પગને વધુ સુંદર અને આકર્ષક બનાવે છે. જૂના જમાનામાં પાયલના ઝણકારથી ઘરના લોકો જાણી જતા કે કોઈ મહિલા આવી-જઈ રહી છે. પારંપરિક પાયલ હંમેશાં ચાંદીની આવતી હતી અને આયુર્વેદમાં ચાંદીને ઠંડક આપનારી તેમ જ ઍન્ટિ-બૅક્ટેરિયલ માનવામાં આવે છે. ગામડાંઓમાં હજી સ્ત્રીઓ રોજબરોજના જીવનમાં પાયલ પહેરે છે પણ શહેરોમાં એનું એટલું ચલણ નથી. જોકે ફૅશન-વર્લ્ડમાં પાયલે ફરી એન્ટ્રી મારી છે, પણ થોડી જુદી સ્ટાઇલમાં.
ખાસ કરીને વેસ્ટર્ન આઉટફિટ પર સૂટ થાય એવાં ઍન્કલેટ્સ પહેરવાનું યુવતીઓ પસંદ કરી રહી છે. આ ઍન્ક્લેટ પારંપરિક પાયલ જેવાં ચાંદી અને છનછન અવાજ કરે એવી ઘૂઘરીવાળાં નથી હોતાં પણ પર્લ, બીડ, શેલ, ચાર્મ ઍન્ક્લેટ હોય છે. પર્લ ઍન્ક્લેટની વાત કરીએ તો એમાં ગોલ્ડ કે સિલ્વરની ચેઇન હોય અને એમાં વચ્ચે-વચ્ચે પર્લ લગાવેલાં હોય. કોઈમાં ફક્ત એક જ પર્લ હોય જે પગના આગળના ભાગે હાઇલાઇટ થતું હોય, કોઈકમાં એકસાથે ચાર પર્લ હોય જે પગની સાઇડમાં હાઇલાઇટ થવા માટે હોય તો કોઈકમાં થોડા-થોડા અંતરે આખા ઍન્ક્લેટમાં પર્લ લાગેલાં હોય. એવી જ રીતે શેલ ઍન્ક્લેટ હોય તો એમાં કોઈકમાં આડી કોડી લગાવીને હોય તો કોઈકમાં ઊભી કોડી લટકતી હોય અથવા તો કોઈકમાં કોડી સાથે છીપલાં, મોતી લાગેલાં હોય. બીડવાળી એટલે કે ઝીણાં-ઝીણાં મોતીવાળી ઍન્ક્લેટ હોય એમાં કોઈકમાં સળંગ રંગબેરંગી મોતી હોય તો કોઈકમાં મોતીથી ફ્લાવર કે બીજી એવી કોઈ ડિઝાઇન બનાવેલી હોય. એ સિવાય જે ચાર્મ ઍન્ક્લેટ હોય એમાં ઍન્ક્લેટની ચેઇન પર સ્ટાર, ઇવિલ આઇ, બટરફ્લાય, દિલ, ઇન્ફિનિટ, લવ વગેરેની ડિઝાઇનવાળા ચાર્મ લટકાવેલા હોય છે. આ બધી જ ટાઇપનાં ઍન્ક્લેટ્સ મલ્ટિલેયરમાં પણ આવે છે જે લોકોનું ધ્યાન વધુ આકર્ષિત કરે છે.
ADVERTISEMENT
ઑફિસમાં શર્ટ-પૅન્ટ, એ-લાઇન ડ્રેસ, જમ્પસૂટ કે પેન્સિલ કટ સ્કર્ટ પહેરીને જતી મહિલાઓ મિનિમલ ડિઝાઇનવાળાં ઍન્ક્લેટ્સ પહેરે તો વધારે સારાં લાગે. એમાં સિમ્પલ સિલ્વર, ગોલ્ડની પાતળી ચેઇન હોય એવાં ઍન્ક્લેટ્સ કે પછી વચ્ચે સિંગલ પર્લ હોય કે પછી એકાદ ચાર્મ લટકતો હોય એવાં સારાં લાગે. તમે આઉટિંગ પર જઈ રહ્યા હો અને કૅઝ્યુઅલ કલરફુલ આઉટફિટ જેમ કે પ્રિન્ટેડ મૅક્સી ડ્રેસ, જમ્પસૂટ કે લૉન્ગ સ્કર્ટ પહેર્યું હોય તો એની સાથે રંગબેરંગી મોતીનાં ઍન્ક્લેટ, કલરફુલ મલ્ટિલેયર ઍન્ક્લેટ કે પછી કાળા ધાગાવાળાં ઍન્ક્લેટ જેમાં વચ્ચે-વચ્ચે એકાદ-બે કલરફુલ એલિમેન્ટ હોય એ પહેરો તો સારાં લાગે. એવી જ રીતે બીચ વેકેશન પર જાઓ ત્યારે તમે બિકિની, ક્રૉપ ટૉપ અને સ્કર્ટ કે મૅક્સી ડ્રેસ પહેર્યો હોય તો એની નીચે બીચની વાઇબ્સ આપતા કોડીવાળા કે પછી સ્ટારફિશ, છીપલાના ચાર્મ હોય એવાં ઍન્ક્લેટ્સ સારાં લાગે.

