Mumbai Rains: મુંબઈના ચર્ચગેટ સ્ટેશન નજીક ગુરુવારે બપોરે ભારે વરસાદને કારણે એક ઝાડ ઉખડી ગયું હોવાની દુર્ઘટના, ઝાડની નીચે કાર અને ટુ-વ્હીલર્સ ફસાઈ જતા ભારે નુકસાન; વૃક્ષ ધરાશાયી થતા તે વિસ્તારમાં ટ્રાફિક પર પણ થઈ અસર
વીડિયોમાંથી લીધેલ સ્ક્રિનશોટ
મુંબઈ (Mumbai)માં રાતભર વરસેલા મુશળધાર વરસાદ (Mumbai Rains)ને કારણે ગુરૂવારે વહેલી સવારે ચર્ચગેટ (Churchgate) સ્ટેશન નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ વૃક્ષ નજીકમાં પાર્ક કરેલા વાહનો પર પડતાં કેટલીક કાર કચડાઈ ગઈ હતી, જ્યારે અનેક ટુ-વ્હીલર્સ તેની નીચે ફસાઈ ગયા હતા.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
ભારે વરસાદ અને પવનને લીધે ચર્ચગેટ સ્ટેશન નજીક એક વૃક્ષ ધરાશયી થતાં અનેક વાહનો તેની નીચે દટાઈ ગયાં છે.
સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક વીડિયો (Viral Video)માં ઘટનાસ્થળની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. વીડિયોમાં એક પોલીસ અધિકારી ઘટનાસ્થળ નજીક હાજર દેખાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ ઘટના ક્યારે બની, ત્યારે તેમણે જણાવ્યું કે વહેલી સવારે આશરે ૩ વાગ્યે ભારે વરસાદ અને પવનના કારણે આ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું હતું.
View this post on Instagram
ન્યુઝ એજન્સીએ પોસ્ટ કરેલા વીડિયોમાં ત્યાં ફરજ બજાવતા રાજુ નામના સિક્યોરિટી ગાર્ડે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, ‘જ્યારે હું સવારે ૮ વાગ્યે મારી ડ્યુટી પર આવ્યો ત્યારે મેં જોયું કે આ આખું વૃક્ષ રસ્તા પર પડી ગયું હતું. તેનાથી એક કારને ભારે નુકસાન થયું છે, સદનસીબે તે સમયે કારની અંદર કોઈ નહોતું. આ વૃક્ષ ઘણું જૂનું હતું અને તે એક તરફ નમી ગયું હતું, જેના કારણે તે પડી ગયું.’
#WATCH | Mumbai | "When I arrived for duty at 8 AM, I saw that this tree had fallen right across the road...A car was damaged, but there was no one inside it. The tree was quite old; it had started leaning to one side, which is why it fell..." says a security guard named Raju https://t.co/if1AjRcfKc pic.twitter.com/5x9Ipoxy9c
— ANI (@ANI) July 2, 2026
ભારે વરસાદથી આર્થિક પાટનગર થંભી ગયું
મુંબઈના દક્ષિણ ભાગ અને ઉપનગરોમાં રાતભર પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સવારના સમયે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ તેમજ તેના પાડોશી જિલ્લાઓ થાણે, પાલઘર અને રાયગઢ માટે `રેડ એલર્ટ` જારી (Red Alert in Mumbai today) કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
મહાનગરપાલિકાએ જાહેર કરી એડવાઈઝરી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)એ પણ નાગરિકો માટે ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે, આજે મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જે ગુરૂવારની રાત્રિ દરમિયાન વધુ તીવ્ર બની શકે છે. આ સાથે જ ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
ભરતી અને ઓટનો સમય:
હાઈ ટાઈડ (ભરતી) - ૨ જુલાઈએ બપોરે ૧:૪૫ વાગ્યે અને ૩ જુલાઈએ વહેલી સવારે ૧:૩૧ વાગ્યે (આ સમયે દરિયામાં ઊંચા મોજા ઉછળશે).
લો ટાઈડ (ઓટ) - ૨ જુલાઈએ રાત્રે ૭:૪૯ વાગ્યે અને ૩ જુલાઈએ સવારે ૭:૧૧ વાગ્યે.
પાલિકા (BMC)ના આંકડા મુજબ, ૧ જુલાઈના સવારે ૮ વાગ્યાથી ૨ જુલાઈ, ૨૦૨૬ના સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મુંબઈ શહેરમાં સરેરાશ ૧૭૨ મીમી, પૂર્વીય ઉપનગરોમાં ૧૮૯ મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં ૧૬૫ મીમી વરસાદ નોંધાયો છે.
લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ
ભારે વરસાદની સીધી અસર મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો (Mumbai Local Trains) પર પણ પડી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે વેસ્ટર્ન (પશ્ચિમ), સેન્ટ્રલ (મધ્ય) અને હાર્બર લાઈન પર દોડતી લોકલ ટ્રેનો પોતાના નિયત સમય કરતાં આશરે ૧૦ થી ૧૫ મિનિટ મોડી ચાલી રહી છે, જેના કારણે નોકરીયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
